ઈશ્વર દરેકને એવું જ મૃત્યુ આપતો હોય છે, જેવું એ સહન કરી શકે. મૃત્યુનો પ્રકાર કે કારણ, વ્યક્તિની ઈચ્છાથી નહીં પરંતુ લાયકાતથી નક્કી થતા હોવા જોઈએ. અવસાન કે મૃત્યુ ‘પામવું’ એટલે જ કહેવાતું હશે કારણકે મૃત્યુ એ પામવાની ચીજ છે. આમ જોઈએ તો મૃત્યુ એક પ્રકારનું એચીવમેન્ટ છે. એવો દિવસ દરેકની જિંદગીમાં આવતો જ હોય છે જ્યારે મૃત્યુ સામે સંઘર્ષ કરવાને બદલે, મૃત્યુનો સ્વીકાર કરવાની ઈચ્છા થાય. જે આદર અને માન સાથે જીવન વિતાવ્યું હોય, એ જ ડીગ્નીટી અને મોભા સાથે જીવન પૂરું કરવું એ પણ એક કળા છે.
પોતાના જ શરીર સાથે આપણે એટલા બધા પઝેસીવ થઈ જતા હોઈએ છીએ કે સમય આવે દેહ છોડવાનું આપણને સ્વીકાર્ય નથી હોતું. જિંદગી છૂટી રહી છે, એ વાતના અફસોસ અને દુઃખમાં આપણે એટલા બધા ઉદાસ થઈ જઈએ છીએ કે મૃત્યુના વૈભવને આવકારવાનું આપણે ચૂકી જઈએ છીએ. આજીવન આપણી સુખાકારી અને સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરનારા આપણે ક્યારેક આપણા મૃત્યુ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. વિનંતી એ નથી કરવાની કે મૃત્યુ વહેલું કે મોડું આપે, પણ જ્યારે આપે ત્યારે મોભાદાર આપે. મૃત્યુનો સમય કે પ્રકાર આપણા હાથમાં નથી. બસ, અરજી એટલી જ કરવાની છે કે એ આપણને એટલી શક્તિ આપે કે મૃત્યુ તરફનો અભિગમ આપણે બદલાવી શકીએ.
જતી વખતે ચહેરા પર ભય કે નિરાશા હોવાને બદલે, સંતોષ હોય. આંખો બંધ થવાની હશે ત્યારે શામળિયો નજીક હશે કે નહીં, એની તો આપણને નથી ખબર પણ એટલી અપેક્ષા રાખીએ કે એવા લોકો આસપાસ હોય જેમને આપણે પ્રેમ કરીએ છીએ. એવો કોઈ મિત્ર જે છેક સુધી આપણને હસાવી શકે. એવું કોઈ સ્વજન જે આપણો હાથ પકડીને આપણને કહેતું હોય કે ‘તુસ્સી જા રહે હો ? તુસ્સી ના જાઓ.’ આપણી આંખોમાં આંસુઓ નહીં, ચહેરા પર સ્મિત હોય. હોઠો પર જિંદગી સામેની ફરિયાદો કે કડવાશને બદલે, જે કાંઈ મળ્યું એ માટે કૃતજ્ઞતા હોય. ઘરમાં માતમને બદલે, મેળાનો માહોલ હોય. એ સમયે ભગવદ ગીતા કે ભજન ગમશે કે કેમ, એ નથી ખબર પણ એટલીસ્ટ આપણી ફેવરીટ ફિલ્મ એક વાર જોઈ શકીએ અથવા તો આપણું ગમતું પ્લે-લીસ્ટ એક છેલ્લી વાર વગાડી શકીએ.
ઈશ્વરને વિનંતી કે મૃત્યુ ડર કે સજાની જેમ નહીં, પ્રસંગની જેમ આવે. આપણી જાણ બહાર આવી જાય અને કોઈને ગુડબાય કહેવાનો ચાન્સ ન મળે, તો પણ વાંધો નથી. આપણે તેને ઈશ્વરની પ્લેઝન્ટ સરપ્રાઈઝ માની લઈશું. પણ કોઈ બિહામણા સ્વપ્નની જેમ તો ન જ આવે. જેમ દુઃખ આપીને એ દુઃખ સહન કરવાની શક્તિ આપે છે, એવી જ રીતે મૃત્યુ સ્વીકારવાની સમજણ અને ઉદારતા આપે. સ્વર્ગ મળવાની લાલચ કે મોક્ષનો ઇન્સેન્ટીવ નહીં મળે તો પણ ચાલશે. બસ, એટલો ભરોસો આપે કે જે લોકો ગમ્યા છે એ કોઈ નવા સ્વરૂપમાં, નવા સંબંધમાં ફરીવાર મળશે. એક લાંબી સફરનો થાક દરેકને લાગતો હોય છે. એના વિસામે જતા હોઈએ ત્યારે એણે સ્વાગત એવી રીતે કરવું જોઈએ જેથી પાછળ આવનારા લોકોને સફર ખેડવાની પ્રવૃત્તિ સાર્થક લાગે.
-ડૉ. નિમિત્ત ઓઝા (all © reserved )