શહેરના છેવાડે આવેલા દરિયાકાંઠે આકાશ બેઠો છે. એ શાંત પાણીને શમી જતી સાંજમાં કંઇક નશો છે. આકાશ કંઇક લખવાની કોશિશ કરે. લખે પછી ફાડે વળી પાછો લખે અને ફાડે. એવું લાગતું હતું કે એની નોટબુકના પાનાઓ ખાલી થઈ જશે પણ લખી નહી શકે.
“દરિયાના તોફાનથી તો બચી શકાય,
પણ દિલમાં ઉપાડેલા તોફાન ને કેમ શમાવવો?”
વાતને જરા ભૂતકાળમાં રાખીને જોઈએ.
કોલેજ પત્યાને એક મહિનો પણ નથી થયો ત્યાં ઇન્ટરવ્યુ માટે બુલાવો આવી ગયો હતો. નવા અનુભવ માટે આકાશ જેટલો ઉત્સાહી હતો એટલો જ નર્વસ. સમયસર પહોંચવું એ એની પહેલે થી આદત. ઇન્ટરવ્યુ છે, મોડા થોડી પહોંચાય?! Waiting roomમાં બેઠો છે ને એક છોકરી ઉતાવળી થઈને પૂછે છે, ” એક્સ ક્યુઝ મી, એમ એન્ડ એસ કંપનીના ઇન્ટરવ્યુ માટે આ જ કેબિન છે ને? ”
આકાશ તો એને જોયા જ કરે, પળભરમાં ક્યાંક ખોવાઈ ગયો હોય એમ સ્વસ્થ થતાં બોલ્યો,” હા, તમે સાચી જગ્યા એ આવ્યા છો.”
એ દિવસ તો આખો નીકળી ક્યાં ગયો ખબર ન પડી.
રાત ગઈ બાત ગઈ ની જેમ દિવસો જતા ગયા.
એકદિવસ એમ એન્ડ એસમાંથી નોકરી પાક્કી થવાના ખબર આવ્યા. આકાશનો પરિવાર તો એકદમ ખુશ.
પણ સાલું એને મગજમાં અચાનક પેલી છોકરી આવે, એનું પણ અહીં નક્કી થયું હશે કે કેમ!
પહેલે દિવસે સમયસર પહોંચતો આકાશ જેવો એના ટેબલ પર બેસે ત્યાં જ પાછળથી અવાજ અથડાયો, ” ગુડ મોર્નિંગ મિસ્ટર આકાશ, માયસેલ્ફ મીરા શેઠ… હું તમારી ટીમ લીડર છું.” આકાશનું આકાશ હલી ગયું હોય એવું મોઢું થઈ ગયું. ખુશ થવું કે ફરિયાદ કરવી!? આતો તો પેલી જ. છોકરાઓ તો આદતથી મજબૂર, ઉપરથી નીચે આખી એને સ્કેન કરી લીધી. એકદમ કોર્પોરેટ જેવો વેશ, વાળ તો જાણે હમણાં જ મેગી બનાવી ને મૂકી દીધી હોય એવા. પરવાળા જેવા હોઠ, કાતિલ નેણ, ઘાયલ કરી દેતી આંખો.
આને મારી ભાષા માં કહું તો…“પ્રેમને પાંખો ને ગુલાબને કાંટો, પૂછીને ના આવે.”
પ્રેમના દાવ પેચ હવે શરૂ થઈ ગયા, મીરા ટીમને લીડ કરતી કરતી આકાશને ક્યારે લીડ કરવા લાગી ભાન જ ન રહ્યું. ક્યારેક કોફી, ક્યારેક ચા સાથે રિવરફ્રન્ટની લટાર! પણ આ તો શહેરી પ્રેમ છે, કેટલો ટકે કોને ખબર? મીરાના મનમાં તો જાણે ક્રિષ્ના વસી ગયો હોય એમ આકાશ હતો. એને તો આકાશને કહી પણ દીધું,” તું મારા પપ્પાને વાત કરવા આવ ને. હવે આકાશ, આમ આપણે કેટલો સમય મળતા રહીશું? ” અને આકાશ? એને એક નાનકડો ડર હંમેશા સતાવતો. એ હતો છૂટા પાડવાનો, વિરહનો ડર.
જે પોતાની જાન બને એને ત્યાં જાન લઈને જવાશે કે નહી!
જેવો વિચાર એવો જ બોધ મળી ગયો એને.
એક અંધારા ખૂણા માં સત્ય છુપાવ્યું હતું. પણ સત્ય તો ઝગારા મારે ને! છુપ્યું ક્યાં છુપાય છે?
મીરા એક દિવસ કંટાળીને એના ઘરે પહોંચે છે. અરે આ તો શહેરી પ્રેમ છે, હિંમત કરવામાં પાછળ નથી હોતો. મીરા વિશાળ હોલમાં બેઠી છે, ૪ ૫ નોકરો આજુ બાજુ ફરે છે, પણ કોઈ કામનું વ્યક્તિ, કોઈ વડીલ નથી દેખાતું. અડધા કલાક પછી એક સ્ત્રી પ્રવેશ કરે છે, એને જોતાં જ લાગે છે કોઈ એન્ટિ ઇજીંગ ક્રીમ લગાડીને આટલા જુવાન કામ ઉંમરલાયક દેખાય છે. “હેલો હું મીરા શેઠ. હું આકાશ ની સાથે એની કંપની માં છું. આમમમ.. તમે…..?”
“હું લલિતા શર્મા.આકાશની મમ્મી અને પપ્પા. કંઈ ચા કોફી મંગાવું બેટા!?”
“ના આંટી આય એમ ફાઇન.”
” બોલ મીરા, અહીં આવવાનું કોઈ કારણ?”
“હા આંટી તમને આકાશએ કઈ કીધું નહી હોય, પણ હું અને આકાશ ૨ વર્ષ થી પ્રેમમાં છીએ અને એકબીજા સાથે જોડાવા માંગીએ છીએ.”
“છોકરી,તે તો ખોટી જગ્યા એ દરવાજો ખખડાવ્યો છે, લાગે છે તને આકાશએ કઈ કીધું નથી”
મીરાને તો જાણે એની બાજી ઊંઘી પડી હોય ને કરોડોનું નુકસાન થયું હોય એમ અવાક્ થઈ ગઈ. બે વર્ષમાં એવી તો કઈ વાત આકાશએ મને નથી કીધી. બે ઘડીના વિચારથી સમય નથી મળતો ને લલિતા બોલી, ” બેટા, આકાશના લગ્ન તો નાનપણ માં જ નક્કી થઈ ગયા છે, ટુંકમાં વાત કહું તો આકાશના પપ્પા ગુજરી ગયા ને આખી સંપત્તિ સાથે આકાશના લગ્ન પણ કરવી ગયા.”
મીરા ને મન તો એના કૃષ્ણ ચપટીમાં ધૂળ થઇ ગયા. કઈ જ બોલ્યા વગર સીધી ઘરે પહોંચીને આકાશના નામ નું નાહી નાંખ્યું.
પ્રેમમાં કેવું બધું લબુક ઝબુક હોય છે એનો આ દાખલો છે.
“ઘડીકનો સંબંધ, ઘડીકની ગાંઠ,
ચારેકોર અંધારું ને અજવાળાની આશ.”
એ દિવસ પછી ના તો મીરાની ભાળ મળે ના તો આકાશ મીરા સુધી પહોંચવા એક પ્રયત્ન બાકી રાખે. બસ એકવાર મીરાને કહેવું હતું કે, એના પપ્પાના પ્રતાપે જે થયું છે, બધું ત્યજીને બેઠો છે તારો આકાશ.
“લંબાઈ ગઈ ને પછી જીવન બની ગઈ
બાકી તો બે ઘડી જ હતી ઇન્તેઝાર ની.”
મરીઝ કહે છે ને,
“તારી યાદમાં એવો નિરાંતે બેઠો છું,
ખતમ થઈ ગયા, પ્રયાસ જાણે!”
બસ.. આ એ જ દિવસ છે જ્યારે આકાશ બધું કરી છૂટ્યો હોય, બધું ત્યજી દીધું હોય.. મીરા માટે ..
જાણે કૃષ્ણને મીરાની વાટ હોય, જાણે મીરાના ભજન કૃષ્ણ ના હોઠ પર હોય, જાણે કૃષ્ણ કોઈનો હોય ને મીરા માટે તડપતો હોય.
રોજ દરિયા કાંઠે આવે, બેસે, લખે , ફાડે અને પાછો વળી જાય.
આવું કરતા રોજ એક છોકરી જોવે. એ છોકરીને શું સૂઝ્યું કે બધા કાગળિયા ભેગા કરીને સાચવવા લાગી, એક દિવસ બે દિવસ… એક મહિનોને છેલ્લો છઠ્ઠો મહિનો.
આખરે તો એણે પૂછી જ લીધું,” એક્સ ક્યૂઝ મી, શું હું તમારું નામ. જાણી શકું?”
આકાશને જ બધી છોકરીઓ પૂછવા કેમ આવતી હશે?
“હું આકાશ શર્મા”
બસ.. ચપટી વગાડતાં છોકરી ગાયબ, વીજળી વેગે આવીને, જતી રહી,
વાતને મહિનો થયો હશે ને એને બુક લોન્ચ નું ઇન્વિટેશન આવ્યું.
ઉપર નામ હતું, ENDLESSLY YOURS BY AAKASH SHARMA.
“બાપ રે.! આ હવે કઈ ચાલમાં લઈને આવી તું જિંદગી, પ્રેમ સાથે નથી ને પ્રેમ બજાર માં વંચાય છે.”
મરીઝ એ બીજું પણ કહ્યું છે
“કોશિશ ની કોઈ ભાવના, પ્રેમ જગત માં લાવ ના,
આવી શકાય આવ ના, આવી જવાય આવ તું.”
ફાટેલાં તૂટેલા પ્રેમ ને શણગારી નવો બનાવી દે એ પ્રેમ છે.
ચોપડીમાં ક્યાં પાને લખવી યાદો, જો કોઈ નવી મીઠાસ લઈને આવે તો ક્યાં ના છે?
અંતે આકાશને નવી મીરા મળી, અને મીરા ને અજાણ્યું કોઈ…