નારી દિવસ આવી રહ્યો છે મિત્રો થોડા દિવસ પહેલા જ એક કવિતા પત્ની પર હતી હવે એક મા ના સમર્પણને યથાર્થ કરતી એક કવિતા મારી કલમે વાંચો..
એક સંતાને માને નિર્દોષ પ્રશ્ન કર્યો “મા, મારા પુસ્તકમાં એવુ લખ્યું છે કે મા મહાન છે પણ મા એ કઈ રીતે..?? કહે ને…” મા એ જવાબ આપ્યો, “બેટા તું મોટો થઇ સમજીશ.. તો પણ પુત્રએ બાળહઠ કરી અને કહ્યું ના મા મારે જાણવું છે કહે ને …”
મા એ પહેલા દીકરાને ભેટી અને પછી કહ્યું. સાંભળજો હોં મિત્રો..
“બેટા તારો અંશ જયારે મારા ભ્રૂણમાં રહ્યો ત્યારે હું બહુ જ ખુશ હતી.. લોકોનું ઘણું સાંભળતી પણ તારા આવવાની એટલી ખુશી હતી કે તે બધું તો મારા માટે રમકડાં જેવી વસ્તુ હતી કારણકે હું ખુદ રમકડાં ના આવવાની રાહ જોતી હતી.”
“ખોટું ના લગાડતો બેટા પણ તું ભ્રૂણમાં રહ્યો ત્યારથી જ હું મારી મનગમતી વસ્તુ નહોતી ખાઈ શકતી, અને જો કદાચ ખાવાની કોશિશ કરું તો પણ નહોતી ટકતી પણ બેટા જયારે મને ઉલ્ટી થતી ત્યારે હું વિચારતી તું મારા ભ્રૂણમાં સલામત છે આ તેની જ નિશાની છે અને અરીસામા ખુદને જોઈ હરખાતી.”
“તને ખબર છે બેટા, તારી ધડકન જયારે મે પહેલીવાર મારામા સાંભળી ત્યારે હું જગતની સૌથી નસીબદાર સ્ત્રી છું તેવી અનુભતિ થઇ હતી અને તને વધુ ચાહવા લાગી હતી અને દિવસ રાત તારો અહેસાસ મારામાં કર્યા કરતી”
“બેટા, મને ઉંઘ પ્રત્યે બહુ પ્રેમ હતો પણ ક્યારેક તારી ચિંતામાં અને તારા આવવાની ખુશીમાં હું કેટલીયે રાતો જાગી હતી તો પણ સવારે વહેલી જાગતી અને દિનચર્યા પ્રમાણે કામ કરતી.”
“હવે તું સાંભળ. તારા પપ્પા મારો ખૂબ જ ખ્યાલ રાખતા..તું મારા ભ્રુણમાં હતો પણ તે તને રોજ અનુભવતા અને મમ્મીને ખુશ રાખતા મમ્મી નો મૂડ બદલાતો પણ પપ્પા બધી જ પરિસ્થિતિ સંભાળતા”
“બેટા, તને હસુ આવશે પણ તારી લાતો મે બહુ જ ખાધી છે પણ તેમાં એ હું હરખાતી. તને ખબર છે બેટા, તું લાતો મારવાનો સમય પણ નહોતો જોતો”
“દરેક માની જેમ તારી માનું પણ સપનું હતું બેટા .મારો પુત્ર ખૂબ જ તેજસ્વી, જ્ઞાની, વિદ્યાવાન અને ઉચ્ચ ચારિત્ર્યનો અને સંસ્કારી બને તેથી મા રોજ સારા પુસ્તકોની વાંચન કરતી. જેમ તારા આવવાનો સમય નજીક આવે એમ બેટા મા ને ખૂબ બેચેની થતી અને અંતે મા મોત સામે લડે છે અને ઈશ્વરને યાદ કરે છે અને બન્ને જીવ છુટા પડે છે અને બેટા હું બધી જ પીડા ભૂલીને તને છાતી સરસો ચાપું છું ત્યારે મારા જીવમાં જીવ આવે છે.”
“તને હંમેશા તેડી તેડીને ફરી, તારું લાલન પાલન કરી તને મોટો કર્યો, તને ઉચ્ચ શિક્ષણ આપ્યું અને તને દુનિયામા રહેવા કાબિલ બનાવ્યો, અને તારા સંસારને સંવારવા તને એક લક્ષ્મી જેવી વહુ ભેટમા આપી અને તારી માને અંતરનો ઓડકાર આવ્યો.”
“હવે બોલ બેટા તારો વારો.. કોઈ કમી રહી ગઈ હોય તો કહેજે.. હજુ તારી મા.. તું જીવીશ ત્યાં સુધી તારી સાથે રહેશે. તું ગમે તેવો હોવ.. પણ તું જ મારું લોહી છે અને બેટા દુનિયા કરતા આપણે બન્ને એકબીજાને નવ મહિના વધુ જાણીએ છીએ યાદ રાખજે..”
ખમ્મા મારા વીરા..
સુચિતા ભટ્ટ