“મરેલા શવને મારે ખોળે મુકાયું , એને અડતા જ હાથ કાંપી ઉઠ્યા , જેની સાથે જીવનભર પ્રેમના દરિયામાં ઉછળવાનું સપનું જોયું એ કિનારે જ ડૂબી ગયું . એને જીવનભર જે પ્રેમ આપવા ઈચ્છતી હતી એ થોડી જ પળોમાં એના પર વરસાવી મુકી, જાણે હમણાં એ શવ બાળી દેવાશે પછી ક્યારેય નહિ મળે ,હજી કોઈ ચમત્કારની આશા સાથે એને હલાવવા લાગી કે હમણાં જીવતું થઈ જશે, વાતાવરણ ચિત્કાર કરી ઉઠ્યું , રુદનનો કકળાટ ચારેકોર ગગડી ઉઠ્યો.”
મમતા બોલી, “આજ ઘણા સમયથી મને મારી મા યાદ આવે છે. એણે મને બોલતા ,ચાલતા શીખવાડ્યું, મારામાં પ્રેમ ભર્યો ,કરુણા વહાવી ,ડગલે ને પગલે મારામાં સંસ્કારોનું સિંચન કર્યું ,આમ અનેક પીડાઓ વેઠી એણે મને મોટી કરી. હું વિચાર્યા કરું છું કે મા આટલી પ્રેમાળ આટલી હૂંફાળી કેમ હોતી હશે. દરેક જગ્યાએ મેં પ્રેમની ખૂટ જોઈ છે પણ માઁ આગળ ! કયારેય નહીં. એવું તો શુ હશે મનમાં કે જ્યાંથી એટલો અવિરત પ્રેમ નીકળતો રહે છે ?
આજ મારા પેટમાં બાળક છે એને નવ મહિના થવા આવ્યા . મારો સ્વાભવ સ્હેજ તીખો છે. મારામાં આજ સુધી સહનશીલતાનો કોઈ અંશ ન હતો. મન ચંચળ , મારી ઈચ્છાઓ પાછળ ,મારા સપના પાછળ ભાગવું મને ખૂબ ગમતું . પણ હવે હું નવ મહિનાથી મારી અંદર એક બીજ લઈને ફરું છું જેનું સ્વરૂપ બીજમાંથી છોડ બને એમ મોટું થયા કરે છે ,એનો વજન વધે છે,એનો આકાર લંબાઈ છે ,એ હલે તો અંદર થડકા અનુભવાય છે.એની પીડા અપાર છે. પેટમાં એક કાંકરા જેવડી પથરીની પીડા વિશે સાંભળ્યું હશે ! તો હું તો બે કિલોનું આ બાળક નવ મહિનાથી ઊંચકીને ફરું છું,શરીરમાં થકાવટનો પાર નથી રહેતો , પીડાઓ રાતે સુવા નથી દેતી , શરીર સાવ બેડોળ પડ્યું છે અને છતાં મનમાં એક હાશકારો છે. જેટલી પીડા છે એટલી જ સહનશીલતાનો જન્મ પણ થઈ રહ્યો છે , અંદર કશે પ્રેમનું ઝરણું જન્મ લઈ રહ્યું છે , ક્રોધ નાશ પામી રહ્યો છે ,એક જીવ માટે પોતાનો જીવ હોમી દેવાની શક્તિ જન્મી રહી છે ,આંખોમાં કરુણા વહી રહી છે . આટલા બદલાવો એકસામટા જન્મી રહ્યા છે . હું ખુદ એવી જ બની રહી છું જેવી મારી મા હતી .
મા એટલી શાંત , સહનશીલ , પ્રેમાળ ,જેને હૈયે વળગીએ તો શીતળતા મળે ,એટલી હૂંફ એમાં ક્યાંથી આવતી હશે એ કોયડાનો ઉકેલ મને ધીરે ધીરે મળી રહ્યો છે . આ તમામ બદલાવો ,આ તમામ શક્તિઓ મારી અંદર રહેલા આ બાળકમાંથી આવી રહી છે . કોઈનું ‘એક બાળક જન્મવાની સાથે મા પણ જન્મે છે ‘ એ વાક્ય સાર્થક થતું ભાસી રહ્યું. જેમ જેમ એ બાળક અંદર પનપી રહ્યું છે તેમ તેમ એક મા પણ અંદર જ જન્મ લઈ રહી છે . આ અનુભૂતિનો ઉલ્લાસ ક્યાંય સમાતો નથી. તમામ પીડાઓ ,તમામ દુઃખ ,તમામ સુખ આ અનુભૂતિ આગળ તુચ્છ લાગી રહ્યા છે . અત્યાર સુધી વિચારી વિચારી ડરતી હતી કે એક શરીરમાથી બીજું શરીર કેમ જન્માવું ,એમાંથી નીકળતી વેદનાઓથી ભાગી રહી હતી અને હવે એની સાવ નજીક ઊભી એને માણી રહી છું ,જે હજી જન્મ્યું નથી એના સુખની કામના કરી રહી છું, એક વખતમાં આ પીડાઓ મારા ભાગે જ કેમ એવા વિચારથી વ્યાકુળ હતી અને હવે આવું સુખ મારા નસીબમાં ! એવા વિચારથી થનગની રહી છું.
મારું સંતાન હજી આ સૃષ્ટિમાં નથી આવ્યું પણ એક મા આવી ગઈ છે અને આવતાંવેંત ન જન્મેલાં બાળક માટે સપના જોવા લાગી , એની ચિંતા કરવા લાગી. આખરે પીડાઓની તમામ સીમાથી પણ દૂરની પીડા ભોગવી , શરીરના એક એક હાડકા ભાંગી રહ્યા હોય ,એનું અસહ્ય દબાણ મન પર પડી રહ્યું હોય , શરીર પરસેવાથી રેબઝેબ અને લોહીથી લથબથ પથારીમાં ,જેટલું પ્રસૂતિનું દર્દ મપાયું છે એના કરતા ઘણું વધુ ભોગવી મેં બાળકનો જન્મ આપ્યો. ધગધગતી સોયા ચુભેલી હોય એવું શરીર ખદખદી રહ્યું. મન થાકથી બેભાન થવાને આરે હતું પણ એ રોવાનો અવાજ કાને પડતા તમામ દુઃખ વિસરાતું લાગ્યું. બાળક હૈયે અડાડયું કે ખદખદતા પ્રવાહમાં ટાઢક પ્રસરી ગઈ. એ બે મિનિટનું સુખ એટલું પ્રભાવશાળી હતું કે તમામ સુખ એની આગળ સામાન્ય લાગ્યા. કેમ મા પોતાના સંતાન સુખ આગળ બીજું કંઈ જ નથી જોતી એ મને હવે સમજાવા લાગ્યું. કેમ એને ખુશ જોઈ પોતે હરખાય જાય, એવા મનમાં તમામ ઉદભવતા સવાલોના જવાબ મને થોડીવારમાં જ સમજાઈ ગયા. માને સંતાન માટે જીવ આપી દેવો પણ તુચ્છ લાગે કારણ એને મરવા કરતા ઘણી વધુ પીડા એને જન્માવતી વેળા ભોગવી ચુકી હોય છે. દરેક સ્ત્રી આ પીડાથી ડરે છે પણ એમાં અનંત સુખ છે એને પામવા એટલી પીડા ભોગવવી સામાન્ય છે એ વાત સાથે ભગવાને એટલી વેદના માઁ ના જ જીવનમાં શુ કામ રાખી એ સવાલનો જવાબ પણ સ્પષ્ટ થવા લાગ્યો.
બાળકને જન્મ આપવા શરીરની રગે રગમાંથી કાઢેલા જોર એ મને અશક્ત બનાવી મૂકી શરીર બેભાન થયું . બાળકની તબિયત પણ બગડતા તરત જ એને સારવાર માટે લઈ જવાયું ,મને હોશ આવતા તરત સંતાનની ચિંતા ઉપડી ,મોડી રાતથી સવાર થયું હજી કંઈ સમાચાર નથી , ઘરના મોટાભાગના લોકો હાજર થઈ ગયેલા , બધા કંઈક છુપાવતા હોય એવું લાગ્યું. હૈયે એક ઘસકરો પડવા લાગ્યો શુ થયું હશે એની ચિંતાના વાદળો પરસેવો બની વરસી રહયા , આ મકાન રૂપી શરીરનું સંતુલન દરેક હાડકા પર હતું સહેજ હલુ ત્યાં પડી ભાંગુ એવી સ્થિતિમાં અવાજ કાને પડ્યો કે “બાળક ન બચી શક્યું !”
પાયા સહિત મકાન પડી ભાંગ્યું અને હું જ એમાં દબાઈ ગઈ , સુખમાં ભૂલેલી તમામ પીડાઓ ફરતે ફરવા લાગી , મન કંઈ સાંભળી કે સમજી શકે એવી સ્થિતિમાં ન રહ્યું , હૈયું ફરી બાળક ને અડવા તરસી રહ્યું , હાથ એને ફરી સ્પર્શવા વલખા મારવા લાગ્યા , સોજેલું શરીર વધુ ભારે થઈ પડ્યું , કોઈ પાસે કશા શબ્દો ન રહ્યા મને શાંત પાડવા ,જોયેલા તમામ સપનાઓની ચિતા સામે સળગવા લાગી , એમાંથી નીકળતા ધુમાડામાં શ્વાસ રૂંધાવા લાગ્યો.ઘરમાં એકસાથે બે મોત થયા હોયને જે કળતર થાય એવો એહસાસ મનમાં ફરી વળ્યો.
મરેલા બાળકને મારે ખોળે મુકાયું , એને અડતા હાથ કાંપી ઉઠ્યા , જેની સાથે જીવનભર પ્રેમના દરિયામાં ઉછળવાનું સપનું જોયું એ કિનારે જ ડૂબી ગયું . એને જીવનભર જે પ્રેમ આપવા ઈચ્છતી હતી એ થોડી જ પળોમાં મેં એના પર વરસાવી મુકી , જાણે હમણાં જ એ શવને બાળી દેવાશે પછી ક્યારેય નહિ મળે ,હજી કોઈ ચમત્કારની આશા સાથે એને હલાવવા લાગી કે હમણાં જીવતું થઈ જશે ,વાતાવરણ ચિત્કાર કરી ઉઠ્યું , રુદનનો કકળાટ ચારેકોર ગગડી ઉઠ્યો .
હવે ઘણા સમય બાદ પણ એ ઘટના હલાવી મૂકે છે , ફરી એ જગ્યાએ ખુદને ઉભી રાખવાથી ડર લાગે છે , આશા વગરના પરિણામની ચિંતા રોજ રોજ મારી મૂકે છે . બધાને મન એ ઘટના માત્ર ઘટના બનીને રહી ગઈ , અને મારુ ,એક માઁનું પણ મૃત્યુ થયું એની કોઈને ભાન પણ નથી, બધા સમજે છે કે એક નાસમજ , આયુ વગરનું બાળક મૃત્યુ પામ્યું અને આવું તો અવારનવાર બનતું રહે છે . પણ , પણ એ બાળક સાથે જ એક માઁ પણ મરી જાય એ કોઈ નથી સમજતું , મરી જઈને પણ અહીં જીવતા રહેવું એનો ભાસ કોઈ અનુભવી નહિ શકે , એક પ્રેત જેમ જે બધું બધું કરી શકે પણ કંઈ ન કરી શકે .મરીને ન સ્વર્ગની અનુભુતિ ન નર્કની બસ, આત્મા વગરનું શરીર રખડતું રહે .જીવન મૌત કરતા બત્તર બની રહે .
“આ લખતા પુરુષ થઈને પણ મારા પેટમાં થડકા લાગતા હતા તો સ્ત્રીઓનો આ અનુભવ ખુદ સ્ત્રીની પણ કલ્પના બહારનો છે .’એક માઁ જન્મી અને જીવતી જ મરી ગઈ
Related