મારી વહાલી બા…
બા એકવાર પાછી આવને’
સાંતા ક્લોઝ તો
મોટી ક્લબમાં આવે,
પાર્ટીઓમાં આવે,
ત્યાં તો….
કેક, પીઝા ને પાસ્તા હોય
બા, તું જ એકાદ રોટલી
ચૂલા ઊપર ચડાવ ને !
બા, તું એકવાર પાછી આવ ને !
બા, સફેદ મોજામાં
તારા જેવો સ્પર્શ
નથી વરતાતો,
રસોડામાં રોજ સવારે
ધીમું ધીમું,
એ પણ કેમ નથી ગાતો ?
બા, એને તો
ગુજરાતી પણ નથી આવડતું.
શું કરવી મારે
એની સાથે વાતો ?
બા, સાંતા ક્લોઝ તો
ફક્ત ગીફ્ટ આપે છે.
જો શક્ય હોય તો
થોડા આશીર્વાદ પણ
એની સાથે મોકલાવ ને !
બા, તું એક વાર પાછી આવ ને !
બા, સફેદ દાઢીમાં
તારા જેવું સ્મિત
કેમ નથી દેખાતું ?
એના ખોળામાં માથું મુકવાનું મન નથી થાતું.
બા, આ બાજુ
તલ શીંગની ચીકી ને
મમરાના લાડુ,
ને પેલી બાજુ
ચોકલેટની રેલમ છેલ.
બા, આ બાજુ તારા અવાજમાં
હજુ પણ ગુંજતા હાલરડા,
ને પેલી બાજુ જિંગલ બેલ.
બા, જિંગલ બેલની ટયુનમાં
એકાદ હાલરડું મોકલાવ ને !
બા, તું એક વાર પાછી આવ ને !
બા, સાંતા તારા જેટલો
ક્લોઝ તો ન જ આવી શકે.
એના થેલામાં એક વાર
તારી જાતને મોકલાવ ને !
બા, તું એક વાર પાછી આવ ને !
~ડૉ. નિમિત ઓઝા