દુનિયામાં દરેકને કઈક કરવું છે,પોતાના જીવનમાં ખુબ પૈસા કમાવવા છે,પોતાની જાતને એક નિર્ધારિત જગ્યાએ પહોચાડવી છે.એમાં કઈ ખોટું નથી,પરંતુ ઘણીવાર માણસ એવો વિચાર કરે છે કે, “અત્યારે હું ખુબ કમાઈ લઉં અને પછી શાંતિથી મારા પરિવાર સાથે સમય વિતાવીશ!” આવો વિચાર એ માણસનો સૌથી મોટો ભ્રમ છે.
એક નાનકડું અને સુખી સંપન્ન પરિવાર હતું.તેમનું આલીશાન ઘર અને ઘરમાં અદ્યતન સુવિધાઓ.એક પિતા કે જે બાળકોને બધું જ આપી શકતો હતો,સિવાય પોતાનો સમય! રોજનું એક જ સમય પત્રક,રાત્રે મોડા ઘરે આવવાનું અને સવારે વહેલા નીકળી જવાનું.બાળકો પાસે બધું જ હતું,છતાય જીવનમાં કઈક ખૂટતું હોય એવું રોજ તેમને લાગતું હતું.ખરેખર તો બાળકોને સુખસુવિધાઓ નહિ,પોતાના પિતાનો સમય જોઈતો હતો.એક દિવસ અચાનક જ અકસ્માતમાં તેમના પિતા મૃત્યુ પામે છે.બાળકો પોતાના પિતાની સાથે સમય વિતાવવાની ઝંખના કરતા જ રહી જાય છે.“સમય તો એ પોતાની સાથે લઇ ગયા હતા,અને જે મૂકી ગયા હતા તેનું હવે કોઈ મુલ્ય જ રહ્યું ન હતું!” તેમના જીવનમાં એવી એક પણ યાદ નહતી કે જેને યાદ કરીને તેઓ એક સુખની ક્ષણ મેળવી શકે.અહી બસ એક જ વસ્તુ વિચારવાની છે,કે ક્યાંક આપણે તો આવી ભૂલ નથી કરી રહ્યા ને !
જીવનમાં ક્યારેય કઈ જ નક્કી નથી,સમય આપણી વિચારસરણી પ્રમાણે ક્યારેય નથી ચાલતો.માણસ પોતાના પરિવારના સુખ માટે બધું જ કરે છે ને અંતે તેમની સાથે જીવન જીવવાનું જ ભૂલી જાય છે. “પૈસો બધું જ મેળવી આપે છે,પરંતુ વીતી ગયેલો સમય કયારેય પાછો નથી મેળવી આપતો!”
અનિશ્ચિતતાઓ વચ્ચે ઘેરાયેલું જીવન કે જેમાં ક્યારે શું બની જાય તેની કોઈ જ ખબર નથી.અચાનક જ કેન્સરની બીમારીમાં સંપડાયેલ એક માણસ પોતાની પત્ની અને નાનકડી દીકરી સાથે સુખોની ક્ષણો માણવા માંગે છે.પરંતુ હવે તેમની પાસે ‘સમય’ જ નથી.છેલ્લી ક્ષણ સુધી પોતે જીવવા માટે કગરી રહ્યો છે.પોતાની પત્ની સાથે એક સામાન્ય જીવન જીવવાની ઈચ્છા કરી રહ્યો છે.દીકરીના બધા જ સપનાઓ પુરા કરવા માંગે છે.આ બધું જ કરવા તે પોતે એક યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો,પરંતુ એ સમય હવે એમની પાસે આવવા માંગતો જ ન હતો.
જે સમય મળ્યો છે તેને ભરપુર જીવી લો.જીવનની દરેક પળનો આનંદ માણો.પરિવારની સાથેના કાલના આનંદનો નહિ આજના આનંદનો વિચાર કરો.બાકી ખબર તો આપણને બધાને જ છે,કે “કલ હો ના હો!”