આપણે ઘણીવાર કહેતા હોઇએ છીએ કે, ‘ મારી લાઈફ છે, મારા મનનું કરીશ’. પણ શું સાચ્ચે એવું હોય છે ખરું??? ક્યારેક પોતાની જાતને જ પૂછજો કે ‘મારી લાઈફના આટલા વર્ષોમાં મેં મારા માટે કયો નિર્ણય લીધો ?’
છોકરીઓ માટે તો આ વાત એકદમ સાચી જ પડે કે એમને ક્યારેય પોતાના માટે નિર્ણયો નથી લેવા દેવામાં આવતાં. હા, હવે સમય બદલાઇ ગયો છે અને હવે લોકો ફર્ક નથી કરતાં તે છતાં, જોવા જઇએ તો બાળપણમાં તો નિર્ણયો લેવાનો સવાલ જ નથી આવતો. ત્યારબાદ થોડા મોટા થઈએ અને સમજ આવે અટલે કે જ્યારે નક્કી કરવાનું આવે કે શું ભણવું છે આગળ તો તે આપણાં પેરેન્ટ્સ નક્કી કરી લેતા હોય છે કે, ‘આ કૉલેજ નજીક છે. અહિયાં આરામથી આવી-જઇ શકશે’. હા, આ વાત એમની રીતે યોગ્ય ગણતાં હોય પણ એ દીકરીને બીજુ કશુંક ભણવું હોય તો? એને એનાં ગમતાં વિષયમાં આગળ વધવું હોય તો ? આમા આગળ એ કાંઇ જ ના કરી શકે, બસ એ વાતમાં એને હામી ભરી લેવી પડે.
એ પછી કદાચ લગ્ન માટે પણ આવું જ બનતું હોય છે કે ક્યાંય ને ક્યાંક એને કોમ્પ્રોમાઈઝ કરી લેવું પડે છે. લગ્ન પછી પણ જો એનાં પતિ અને સાસરીવાળા એને પરમિશન આપે તો જ એ જોબ કરી શકો કેમ કે તમે તો પરણીને આવ્યાં જ છો એમની વાતો માની અને એમનાં કહ્યે ચાલવા, ખરું ને ?
એ પછી પણ જો એ ગમે તેમ કરી પોતાના વિશે વિચારે ત્યાં સુધીમાં તો બાળક માટેનું પ્રેશર મળવા લાગે છે, પછી ભલે ને એ એનાં માટે તૈયાર હોય કે ના હોય અને પછી જ્યારે બાળક આવે છે ને ત્યારે એ માતા બની જાય છે. બધું ભૂલી ને પોતાના બાળક અને પરિવારમાં જ ગૂંચવાયેલી રહે છે. વર્ષો વીતી જાય પછી જ્યારે અરીસા સામે ઉભી રહે છે ત્યારે વિચાર કરે છે કે ‘શું મારી જીંદગી પર મારો અધિકાર છે ખરો…?’
હેમાદ્રિ પુરોહિત