“જીતેન્દ્ર આ કહેવા માટે હું દિલગીર છું, પરંતુ મને નથી લાગતું કે હું તમને ક્યારેય પણ માફ કરી શકીશ. આજ સુધી મેં તમારા અવિરત ગેરવાજબી ગુસ્સા વિશે ક્યારેય ફરિયાદ નથી કરી, પણ આજે તમારા આક્રોશના કારણે આપણા જીવનની સૌથી મોટી ખુશી આપણે ગુમાવી દીધી. તમે મને આજીવન માટે યાતના આપી છે જીતેન્દ્ર.”
જાનકીનો વિલાપ મારા દોષિત અંતરાત્મામાં ગુંજતો રહ્યો, ન ફક્ત હોસ્પિટલથી બહાર નીકળતી વખતે, પરંતુ તેના પછી લાંબા સમય સુધી મારી આપેલી પીડાના બોજ હેઠળ હું દબાઈ રહ્યો.
હું જે પ્રકારનો માણસ છું, અને આજીવિકા માટે જે કામ કરું છું, તે બંને એકબીજાથી તદ્દન વિરોધાભાસી છે. હું રામચરિતમાનસના પરંપરાગત રૂપાંતરણ રામલીલામાં મર્યાદા પુરુષોત્તમ, ભગવાન રામની ભૂમિકા ભજવું છું. મારો અંગત સ્વભાવ અને આચરણ શ્રી રામની સચ્ચાઈથી તદ્દન વિપરીત છે. હું હંમેશાથી ખૂબ જ આક્રમક અને કટાક્ષ કરનાર વ્યક્તિ રહ્યો છું. તદઉપરાંત જેમ જાનકીએ કહ્યું તેમ, આ પ્રકારના વર્તન માટે કોઈ ચોક્કસ કારણ નથી, તે માત્ર અસંવેદનશીલ અને અતાર્કિક છે.
આજ પહેલાં મને મારા ક્રોધિત સ્વભાવના વલણ પર ગર્વ હતો. તેમ છતાં છેલ્લી વખત જ્યારે અમે એક મામૂલી મુદ્દા પર લડ્યા, તે વખતે મેં જાનકીને ખૂબ માર્યું હતું, તે અમારા પ્રથમ બાળક સાથે ગર્ભવતી હતી, પરંતુ મેં તે બાબતની પણ કાળજી ન લીધી. શરમજનક રીતે, હું તેની કસુવાવડ માટે જવાબદાર છું.
આજે વિજયાદશમી છે. હું મારા પોશાકમાં સજ્જ છું અને ધનુષ અને તીર સાથે તૈયાર ઉભો છું. બહુપ્રતિક્ષિત રાવણ દહન માટે રામલીલા મેદાનમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યો છું. ધીમે ધીમે હું અસુર રાજા રાવણ, તેના પુત્ર મેઘનાદ અને ભાઈ કુંભકર્ણના વિશાળ પૂતળાઓ તરફ આગળ વધ્યો, જે સરળતાથી સળગાવવા માટે ફટાકડાથી ભરેલા છે.
દરેક પગલા સાથે, મારા બાપુજીના સમજદાર સલાહના શબ્દો કાનમાં રણકયા. “જીતુ, આપણા બધાની અંદર એક રામ અને એક રાવણ વસે છે. યાદ રાખજે, તું જેનો ઉછેર કરવાનું પસંદ કરીશ તે જ વિજેતા બનશે.”
દસ માથાવાળા રાક્ષસની સામે ઉભા રહીને, જ્યારે મેં મારું તીર તેના તરફ લક્ષ્ય કર્યું, ત્યારે મેં મારી અંગત દુષ્કૃત્યોને બાળી નાખવાની પ્રતિજ્ઞા સાથે, પસ્તાવા દ્વારા મુક્તિ તરફ વિહાર કરવાનું વચન પણ લીધું.
મારી નજર સળગતી પ્રતિમા તરફ છે અને આંખમાંથી આંસુ વહી રહ્યા છે. મારી આસપાસના લોકો દશેરાની ઉજવણી કરી રહ્યા છે અને હું મારા અંદરના રાવણને મારવામાં વ્યસ્ત છું.
આગળની સફર લાંબી અને મુશ્કેલ હશે, પરંતુ હું મારા પ્રિયજનોનો પ્રેમ અને વિશ્વાસ પાછો મેળવવા માટે મક્કમ છું. અત્યાર સુધી ભગવાન રામના ઉપદેશો મારા માટે માત્ર સંવાદો હતા, પરંતુ આ ક્ષણ પછી, હું તેમને મારા જીવનમાં શાંતિ અને સુખ માટે આત્મસાત કરીશ.
શમીમ મર્ચન્ટ