“ત્રીસની થઈ ગઈ અને તે હજી લગ્ન નથી કર્યા. જાનવી, શું તારે આજીવન કુંવારા જ રહેવું છે?” મારા જન્મદિવસ પર મારી બેસ્ટ ફ્રેન્ડ રિયાએ ટિપ્પણી કરી.
“રિયા, હું કામમાં વ્યસ્ત રહું છું. તને ખબર છેને વકાલત કેવી હોય છે.”
“મિસ જાનવી અગ્રવાલ, વકીલોનું પણ અંગત જીવન હોય છે. તેઓ ફક્ત બીજા માટે લડ્યા નથી કરતા.”
તે સહેલાઈથી હાર નહોતી માનવાની. “શું તું ઇચ્છે છે કે કાલથી હું પતિ શોધવા નીકળી પડું?”
રિયાએ કંઈક એવું કહ્યું કે હું સંપૂર્ણપણે આશ્ચર્યચકિત રહી ગઈ. “રિલેક્સ. મેં તારું પ્રોફાઇલ ડેટિંગ એપ પર મૂકી દીધું છે. ચોક્કસ તને ત્યાં કોઈ ન કોઈ મળી જશે.”
“રિયા, તું ગાંડી થઈ ગઈ છે? જીવન સાથી એક એવી વ્યક્તિ હોય છે જેની સાથે તમે તમારા ભાવિ સપના શેર કરો અને કુટુંબ બનાવા માંગો. તને લાગે છે કે હું ડેટિંગ એપ જેવા કચરાપેટીમાંથી આવી વ્યક્તિ શોધીશ?”
“જાનવી, જરૂરી નથી કે દરેક વ્યક્તિ ભ્રામકlનો શિકાર બને. ડેટિંગ એપ વિવિધ લોકોને મેચ કરવાની તક આપે છે. તને પણ કોઈ સમાન પસંદગીઓ ધરાવતી વ્યક્તિ મળી શકે છે. ટ્રાઈ તો કર.”
દલીલ નિરર્થક હતી અને મેં એ વિષયને પડતો મૂક્યો. પરંતુ મને જિજ્ઞાસા હતી કે કોને મારા પ્રોફાઇલમાં ઉત્સુકતા જાગે છે. બે અઠવાડિયા પછી, કોઈ જયચંદ રાઠોડ તરફથી એક મેસેજ આવ્યો. તેણે ફક્ત એટલું જ લખ્યું હતું, “હું તમારી વિગતોથી પ્રભાવિત થયો છું. વિનંતી છે કે મારું પ્રોફાઇલ જુઓ, અને જો તમને રસ જાગે, તો પ્લીઝ જવાબ આપજો.”
અત્યંત અણધારી શૌર્યપૂર્ણ વિનંતી હતી અને હું તેને પરિપૂર્ણ કરવા નકારી ન શકી. સુખદ આશ્ચર્યની વાત એ હતી કે તે મારા જ શહેરમાં, ૩૨ વર્ષનો વકીલ હતો. મેસેજ કરવામાં તો કોઈ નુકસાન નહોતું. તેથી મેં કર્યું. ટૂંક સમયમાં અમે વાતચીત કરવાનું શરૂ કર્યું અને અમારી વચ્ચે ઘણી સામ્યતા જોવા મળી. તેણે મળવાનો આગ્રહ કર્યો અને હું માની ગઈ.
પ્રથમ મુલાકાત સારી રહી. અચરજની વાત એ હતી કે અમે બંને ડેટિંગ એપ પર અમારા શુભ ચિંતક મિત્રોના દબાણના કારણે હતા. “હું ચોક્કસપણે મારા મિત્રોનો આભાર માનીશ નહીંતર હું તને મળ્યો ન હોત જાનવી.” જયચંદની ટિપ્પણીથી હું શરમાઈ ગઈ. અમે એકબીજાને ગમ્યા અને ફરી મળવાની ઈચ્છા દર્શાવી. અમારી બીજી મુલાકાતના પગલે, અમે બંનેએ ટિન્ડરમાંથી અમારી વ્યક્તિગત પ્રોફાઇલ કાઢી નાખી અને મોબાઇલ નંબરની આપ-લે કરી. એ પછી અમે નિયમિત મળવા લાગ્યા.
આગળના અભ્યાસ માટે જયચંદને એક વર્ષ માટે વિદેશ જવાનું થયું, “હું તને વચન આપું છું જાનવી, તારા સંપર્કમાં રહીશ અને પાછો આવીને તને જરૂર મળીશ.”
થોડા મહિનાઓ સુધી બધું બરાબર રહ્યું. તેમ છતાં, જે રીતે અચાનક જયચંદનો મારા જીવનમાં પ્રવેશ થયો હતો, તે જ ઝડપથી, કોઈ પણ જાણ કર્યા વિના તે અદૃશ્ય થઈ ગયો. મારા બધા મેસેજ અને ફોન કોલ્સ અનુત્તરિત થઈ રહ્યા હતા. દુર્ભાગ્યે, ડેટિંગ એપ વિશેની મારી જૂની અપ્રિય માન્યતા સચોટ સાબિત થઈ રહી હતી.
નિરાશાજનક રીતે, હું જયચંદને પ્રેમ કરતી હતી અને તેને મારા વિચારોમાંથી કાઢી નાખવું અશક્ય હતું. આક્રોશમાં આવીને એક દિવસ મેં તેને ખૂબ જ કટાક્ષ ભર્યો મેસેજ મોકલ્યો. “તે મારી ભૂલ હતી કે મેં તમને મારી જિંદગી સાથે ખિલવાડ કરવાનો મોકો આપ્યો. આશા છે કે તમે વિશ્વાસઘાત પછીની શાંતિનો આનંદ માણતા હશો.”
તે જ રાત્રે તેણે મને એક ફોટો મોકલ્યો. તેના ચહેરાને જોઈને મને આઘાત લાગ્યો. તેના પર ડાઘ હતા; મોટા અકસ્માતની અસરના ડાઘ. ફોટાની નીચે, તેણે એક સરળ પ્રશ્ન લખ્યો હતો, “શું તું હજી પણ મને મળવા માંગે છે?”
તેના માટે મારો પ્રેમ ઉભરાઈ આવ્યો અને ખચકાટ વિના, મેં મોટા અક્ષરે લખ્યું: “હા!”
અમે મળ્યા. “હું તને પ્રેમ કરું છું જાનવી, પણ હું તને કહું તે પહેલાં જ નિયતિએ મારી સાથે તેની ક્રૂર યુક્તિ રમી લીધી. તારા જેવી સુંદર છોકરી આ વિકૃત માણસ સાથે ન હોવી જોઈએ. હવે, આપણી લય બરાબર નહીં બેસે.”
મેં હળવેકથી તેનો હાથ મારા હાથમાં લીધો અને પ્રેમથી શરૂ કર્યું, “જય, હું તમને આ દુર્ઘટનાના પહેલાથી ઓળખું છું અને તમારી અંદરના સજ્જનને પ્રેમ કરું છું. અને જ્યાં સુધી લયની વાત છે, તો તમે સાંભળ્યું નથી?” મેં સ્મિત કરતા પ્રખ્યાત ગીતની પહેલી પંક્તિ ગાયું, “मिले सुर मेरा तुम्हारा…. तो सुर बने हमारा.”
“જાનવી…!” જયચંદની આંખોમાં આંસુ અને મોઢે સ્મિત આવ્યું અને તેણે મને બાથમાં લઈ લીધી. મને જયચંદમાં મારા મનનો માણીગર મળ્યો અને હું ખુશી ખુશી મિસિસ રાઠોડ બની ગઈ.
શમીમ મર્ચન્ટ