એક મામૂલી મિલકતના મુદ્દા પર પાર્વતીને મોટા ભાઇ મધુસુદન સાથે તકરાર થઈ અને બન્ને એક બીજા સાથે અબોલા લઈ લીધા. એવા અબોલા, કે પંદર વર્ષ સુધી વાતચીત બંધ રહી. બંનેનો અહમ ઘવાતો અને બંને રાહ જોઈ રહ્યા કે માફી માંગવાની પહેલ સામેથી થશે. એ પ્રતીક્ષામાં પંદર વર્ષ નીકળી ગયા.
એક સમય એવો આવ્યો કે મધુસુદન અતિશય બિમાર પડ્યો, લગભગ મરણપથારીએ પહોંચી ગયો. કોઈ પણ જાતની દવા અસર નહોતી કરી રહી અને ડોક્ટરે પણ હાથ ઊંચા કરી નાખ્યા. મધુસુદનનો રોગ સમજની બહાર હતો. એમ લાગતું, જાણે એનો જીવ કોઈ વસ્તુમાં અટકેલો છે અને જ્યાં સુધી એની મનોકામના પૂરી નહીં થાય, ત્યાં સુધી મુક્તિ નહીં મળે.
ઘણી ખચકાટ થઈ અને લાબું વિચાર્યા પછી, મધુસુદનનો દીકરો મહેશ, પાર્વતીને વિનંતી કરવા ગયો અને આજીજી કરી, “મારા પપ્પા મરણપથારીએ, જીવન અને મૃત્યુ વચ્ચે પીડાઈ રહ્યા છે. મને ખાતરી છે કે પપ્પા તમારી વાટ જોઈ રહ્યા છે. પ્લીઝ ફઈ, કમ સે કમ એમના મરણપથારીએ એમની મદદ કરો. જુના વેરભાવ મુકીદો અને એક વાર એમને જોવા આવો, જેથી એમને આ પીડાથી મુક્તિ મળે.”
પાર્વતી હોસ્પિટલ આવી, જોયું તો આખું કુટુંબ ભેગું થયું હતું અને બધા મધુસુદનના બેડ પાસે ઉભા હતા. ભાઈના શરીરમાં અનેક જાતની નળીઓ લાગેલી હતી. પંદર વર્ષ પછી, જ્યારે ભાઈ બેનની આંખ ચાર થઈ તો માનો આંસુનાં પૂર આવી ગયાં હોય, આંસુ રોકવાનો પ્રયત્ન કરવા છતાં નહોતા રોકાતા. પાર્વતી આગળ વધીને મધુસુદન પાસે બેઠી. ધીમેથી, શબ્દહીન, મૂંગા મોઢે મધુસુદને નાની બેન સામે હાથ જોડ્યા. પાર્વતીએ રડતાં રડતાં એના બન્ને હાથ પોતાના હાથમાં લીધા અને નરમાશથી બોલી,
“ભાઈ, મને માફ કરો અને હું પણ તમને મારી દરેક નારાજગીથી મુક્ત કરું છું. મને તમારાથી કોઈ ફરિયાદ નથી.”
એક હલકી સ્મિત મધુસુદનના ચહેરા પર આવી અને એનો જીવ નીકળી ગયો.