રાત્રિના ૧૧.૩૦ થઈ ચૂક્યા છે પરંતુ કેવિન હજી સુધી ઘરે આવ્યો નથી. શોભાબેન કેવિનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કેવિન તેમનો એક નો એક લાડકો દીકરો છે અને હાલમાં તે કોલેજમાં બી. એસ. સી નો અભ્યાસ કરી રહ્યો છે. શોભાબેન એક મહિલા કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક છે.
૧૨.૩૦ વાગે ડોરબેલ વાગી, શોભાબેન ઝડપથી દોડીને દરવાજો ખોલવા ગયા તેમને થયું કે તેનો દીકરો કેવિન આવી ગયો. દરવાજો ખોલતા જ સામે ખાખી વર્દી પહેરેલા ૩ પોલીસ ઓફિસર તેમની સામે ઊભા હતા. શોભાબેનને પેટમાં ફાળ પડી, આ સમયે પોલીસ? શું કેવિનને કાઇ થયું હશે? તેણે અદ્ધર શ્વાસે પોલીસને પૂછ્યું, “શું થયું સાહેબ, અત્યારે આ સમયે અહીં? પોલીસે પૂછપરછ આરંભ કરી, “કેવિન કયા છે? કયા છુપાવીને રાખ્યો છે એને? જાઓ ઓફિસર્સ પકડીને લઈને આવો એ નરાધમને અહીં. જોવો, શોધો આમણે જ કાઈક છુપાવ્યો હશે.” શોભાબેન સ્તબ્ધ થઈ ગયા છે, એમણે ઓફિસરને પૂછ્યું, “સાહેબ, કેવિન એ શું કર્યું છે? કેમ એને તમે આમ શોધો છો? એ તો આજ સવારનો ઘરે આવ્યો જ નથી, કોલેજ ગયો તે ગયો પાછો હજી સુધી આવ્યો નથી.” ઓફિસરે કડકાઇથી જવાબ આપ્યો, “તમારા કુપુત્ર એ બળાત્કાર કર્યો છે.” બળાત્કાર શબ્દ સાંભળી શોભાબેનના પગ તળેથી જમીન સરકી ગઈ.
“ના સાહેબ ના, તમને કોઈ ગેરસમજ થઈ હશે, આ કેવિન રાજપુરાનું ઘર છે. તેના સ્વર્ગવાસી પિતા, હાઈકોર્ટના જજ શ્રીમાન. હિતેન રાજપુરાનું ઘર છે. કેવિન આવું ના કરી શકે સાહેબ, તમને કોઈકએ ભ્રામક માહિતી આપી લાગે છે.” શોભાબેન ચિંતાતુર થઈ ઓફિસરને સમજાવાનો નાહક પ્રયાસ કરે છે. “હા, એ જ કેવિન રાજપુરા, જેના પિતા ઈમાનદાર હાઈકોર્ટના જજ હતા અને તમે આ શહેરના નામાંકિત મહિલા કોલેજના પ્રાધ્યાપક શોભાબેન રાજપુરા, માફ કરજો મેડમ પણ વાત સાચી છે તમારા સુપુત્ર કેવિને તેની સાથે અભ્યાસ કરતી મનસ્વી શેઠ નામની છોકરી પર બળાત્કાર કર્યો છે.” ઓફિસરે તીવ્ર અવાજે વળતો જવાબ આપ્યો.
“સાહેબ, એ છોકરી જૂઠું પણ બોલતી હોય તમે એની પહેલા વ્યવસ્થિત પૂછપરછ તો કરો.” “મેડમ તમે અમને અમારું કામ ના શીખવો.” એક હવલદાર આવીને કહે છે, “સાહેબ, કેવિન અહીં તો નથી.” “સાંભળો મેડમ, તમને કડક શબ્દોમાં કહું છું, કેવિનની માહિતી જેવી પણ મળે તાત્કાલિક પોલીસ સ્ટેશન આવી જાણ કરજો, જો એને બચાવાની કોશિશ કરી તો આ કાયદો છે અને અમે કાયદાના રખવાળા તમને પણ મુકશું નહીં.” ઓફિસર ચેતવણી આપી ત્યાંથી નીકળી જાય છે.
શોભાબેનને રાત કાઢવી ખૂબ જ અસહ્ય થઈ જાય છે. આખી રાત બસ નબળા વિચારો મગજમાં ઘૂમ્યા કરે છે. શું ખામી રહી હશે મારી કેળવણીમાં કે કેવિને આવું કૃત્ય કર્યું, હું મહિલા કોલેજમાં દીકરીઓના રક્ષણ માટેની સલાહ આપું અને અહીં મારુ જ લોહી આવું કૃત્ય કરી બેઠું. શું મારા લાડ પ્રેમે તેને આ હદે બગાડી દીધો હશે? શું પિતાનો પડછાયો નથી એનો કેવિને ગેરમાર્ગે ઉપયોગ કર્યો હશે? મારા સંસ્કાર કયા ખૂટી ગયા? માંડ માંડ રાત નીકળે છે, સવાર પડતાં શોભાબેન પોલીસ સ્ટેશન પહોંચે છે, ત્યાં પહેલેથી જ પીડિતા મનસ્વી અને તેના ઘરના સભ્યો અને તમાશો જોવા આવેલી ભીડ એકઠી થયેલી હતી.
“જોવો જોવો, આજ છે પેલી બળાત્કારીની મા.” “પિતા વગરનો બગડી ગયો, મા નું તો કાઇ માને નહીં.” ઘણા બધાના મેણાં ટોણાં સંભળાતા હતા, અમુક તો અપશબ્દો પણ બોલતા હતા. ઓફિસર પાસે જઈને શોભાબેન વિનંતી કરે છે, “સાહેબ કેવિનનો કોઈ પત્તો છે નહીં, એ આવું ના કરી શકે તમે એક વાર છોકરી સાથે વાત તો કરી જોવો.” સામેથી મનસ્વીએ વળતો પ્રહાર કર્યો, “આંટી, મને મારી ઇજ્જત આમ ઉછાળવાનો કોઈ શોખ નથી, તમે એની મા છો માન્યું મે, તમારી હું ઇજ્જત કરું છું, પણ તમારા દીકરાએ જ મારો બળાત્કાર કર્યો છે, મારી પાસે પૂરતા બધા સબૂત છે અને મેડિકલ પરીક્ષણ પણ મારુ થયું છે એમાં બળાત્કાર જ આવ્યું છે. એ પીડા મે સહન કરી છે મને ખબર પડે છે બળાત્કાર શું કહેવાય, હું તમારા દીકરા પર ખોટો આરોપ નથી લગાવતી.”
“સર, પ્લીઝ તમે મારુ સ્ટેટમેન્ટ આંટી ને વંચાવો.” સ્ટેટમેન્ટમાં લખેલું હતું, “છેલ્લા ૩ અઠવાડિયાથી કેવિન રાજપુરા મારી પાછળ પડેલો, વાત વાતમાં મને કોફી માટે પૂછ્યા કરતો અને હું જ્યાંથી નિકળુ ત્યાં એ બિભત્સ કોમ્મેંટ્સ કર્યા કરતો. એક દિવસ કંટાળી એને મે કોલેજ કોરિડોરમાં બધા સામે એક ઝાપટ મારી દીધી અને ખૂબ તીખા શબ્દોમાં ચોખૂ કહી દીધું. એ વાતમાં એનો ઇગો હર્ટ થયો એણે એનો બદલો લેવા મને ફસાવી, મારી એક મિત્રને તેણે ખોટો સંદેશો આપવા કહ્યું કે કેમેસ્ટ્રીના મેડમ તને લેબમાં બોલાવે છે. હું લેબમાં ગઈ તો ત્યાં કોઈ હતું નહીં, કેવિને અચાનક પાછળથી મારુ મોઢું હાથથી દબાવી લેબનો દરવાજો બંધ કરી આ દુષ્કર્મ આચર્યું.”
સ્ટેટમેન્ટની છેલ્લી લાઇન વાંચતાં બહારથી કોન્સ્ટેબલ આવીને બોલે છે, “સાહેબ, કેવિન પકડાઈ ગયો છે, એને તાત્કાલિક અહીં લઈને આવી રહ્યા છે.” શોભાબેન આ સાંભળી અવાક પૂતળાની જેમ જીવ વગરના થઈ ગયા. કેવિનને પોલીસ લઈને આવે છે. શોભાબેન બહાર જાય છે અને જોવે છે, કેવિનને પોલીસ મારતી મારતી લઈને આવી રહી છે.
“મમ્મી પ્લીઝ તું મને બચાવ, આ લોકો મને મારી નાંખશે.” કેવિને તેના મમ્મીને જોતાં કહ્યું.
“તે આવું કેમ કર્યું કેવિન? આવો કેમ થઈ ગયો તું? તને મારો વિચાર સુદ્ધાં પણ ના આયો?
“મમ્મી, યાર તું શું પૂછપરછ કરે છે, ફટાફટ કોઈ મોટો વકીલ કર અને મને આમાંથી મુક્ત કરાવ. કોર્ટમાં સુનાવણી થશે તો મારી શું ઇજ્જત રહેશે?”
“આ છોકરીની ઇજ્જત લુટાઈ એની સુનાવણી થશે, તે ઇજ્જત લૂટી એની સુનાવણી થશે, સજા થશે, મારુ શું? એક મા ની મમતાની આજે ઇજ્જત લુટાવી તે અને મને માતૃત્વની સજા મળી એ પણ સુનાવણી વગર. લઈ જાવ સાહેબ આને અને જે સજા ફરમાવી હોય એ ફરમાવો.”