રંગમંચ ઉપર ભજવાતા નાટકો માણવાની મજા જ કંઈક અલગ હોય છે.અવનવા કલાકારો દ્વારા ભજવાતા એ અલગ-અલગ પાત્રોને નિહાળવાનો આપણને સૌને ખુબ આનંદ આવે છે. આનું મુખ્ય કારણ એ છે કે આ બધા કલાકારો પોતાના દ્વારા ભજવવામાં આવતા પાત્રોનો ઘણો બધો અભ્યાસ કરી ચૂકેલા હોય છે,નાટકના દરેક કલાકારો પોતાના પાત્રનો અભ્યાસ કરતી વખતે જ તેઓ પોતાની ભૂલોને ઓળખી અને તરત જ તેમાં સુધારો કરી નાખતા હોય છે.અને જેથી રંગમંચ ઉપર તેઓ એક પરફેક્ટ ખામી વિનાનું નાટક આપણી સામે રજૂ કરી શકતા હોય છે.ભાગ્યે જ ક્યારેક કોઈક સંજોગોવસાત ભૂલ થાય એ અલગ વાત છે,અન્યથા નાટકને સંપૂર્ણ ન્યાય આપી આપણી સામે રજૂ કરે છે. ખરેખરું રંગમંચ તો આપણું આ જીવન છે.અહીં થઈ ગયેલી ભૂલોને તરત જ સુધારી અને ફરી એ જ દ્રશ્ય ભજવવાની તક ક્યારેય નથી મળતી.જીવનના દરેક દ્રશ્ય ભજવવા માટે ફક્ત એક જ તક મળે છે.આવો વિચાર કરતા જ એવું થાય છે કે આપણા સૌનું જીવન કેટલું પડકારરૂપ છે!
અહીં ચિંતિત થવાની કે સાવધાન થઇ જવાની જરૂર નથી ,પરંતુ ફક્ત એક યોગ્ય સમજણ કેળવવાની જરૂર છે. વીતી ગયેલી એ ભૂલની ક્ષણ ફરી ક્યારેય પાછી તો નથી આવતી,પરંતુ આપણાથી થઇ ગયેલી ભૂલોને ઓળખી અને ફરી આ ભુલોનું પુનરાવર્તન ન થાય તેનો સંપૂર્ણ આધાર આપણા પોતાના ઉપર જ રહેલો છે.ખરેખર જો આપણે આપણી ભૂલોને ઓળખી અને તેમાં સુધારો કરી આપણા જીવનના રંગમંચ ઉપર ભજવી રહેલા આપણા પાત્રને જો સંપૂર્ણ ન્યાય આપીશું તો જીવનને માણવાની મજા પણ એ નાટક જેટલી જ આવશે.આપણા આ પડકારરૂપ જીવનને જો ખરેખર યોગ્ય દિશામાં લઇ જવું હોય અને જો શાંતિથી વ્યતીત કરવું હોય તો જીવનમાં થઇ ગયેલી ભૂલો ઉપર અફસોસ કરવાનું છોડો અને એમાંથી શીખવાની તૈયારી કરતા થાઓ. થઇ ગયેલી ભૂલો ઉપર રોવાનું છોડી આવી ભૂલ બીજી વાર ન થાય તેની તકેદારી રાખતા શીખો.આ સઁસારનું જ જો એક ઉદાહરણ લઇએ કે તમે એકવાર લગ્ન કર્યા અને પછી એ પાત્ર લગ્ન પછી બરાબર ન નીકળ્યું અને તમારે તેની સાથે સેટ ન થયું,તો શું તમે એ લગ્નને તમારી જાતે જ બરખાસ્ત કરી એક ખરાબ સ્વપ્ન સમજી તેને ભૂલી શકો છો? ના! એ લગ્નગ્રંથીમાંથી અલગ થવા તમારે એક કાયદેસરની કાર્યવાહી કરવી પડે છે અને પછી તમે તેમાંથી છુટા પડી શકો છો,અને એ પણ કેટલીક શરતો સાથે.કારણ પાત્રને ઓળખવાની ભૂલ કરી છે તો પરિણામ ભોગવવું જ પડશે ને! જીવનમાં આવી થઈ ગયેલી ભુલોમાં તમે કોઈ ફેરફાર નથી કરી શકવાના,પરંતુ બીજીવાર આવી ભુલોનું પુનરાવર્તન ન થાય તેની તમારે બરાબર તકેદારી રાખવી પડશે.
એક કહેવતને અનુસરીને તો આ લેખ લખાયો છે અને એ જ મેં મારા આ લેખનું શીર્ષક આપ્યું છે કે “માણસ માત્ર ભૂલને પાત્ર” આપણા જીવનમાં એક પણ ભૂલ ન થાય એ તો શક્ય છે જ નહીં.દરેક વ્યક્તિએ જીવનમાં કંઈક ને કંઈક તો ભૂલ તો કરી જ હશે.સઁસારમાં ભૂલ વગરના વ્યક્તિઓની સંભાવના નહિવત જ છે,મારુ એવું કહેવું કદાચ ખોટું નહીં પડે.આપણા વાણિજ્યના અભ્યાસમાં એક આંકડાશસ્ત્રનો વિષય આવે છે કે જેમાં trial and error નો એક સિદ્ધાંત સમજાવ્યો છે.જેનું અર્થઘટન કરીએ તો જ્યાં trial હોય ત્યાં error હોય જ! આ સિદ્ધાંતને જો આપણા જીવન સાથે જોડીએ તો જીવનમાં કોઈ નવી વસ્તુ કરવા પ્રયત્ન કરીશું તો ભૂલ તો થવાની જ.આનો મતલબ એ નથી કે તમે કોઈ નવા કર્યો કરવાનું બઁધ કરી દો,પરંતુ તકેદારી રાખતા શીખો.જો કદાચ ભૂલ થઇ જાય તો ભૂલોથી ભાગશો નહીં,તેનો સામનો કરતા શીખો.અહીં એ પણ મહત્વનું છે કે પોતાની ભૂલોને ઓળખી તેમાંથી કંઈક ગ્રહણ કરતા શીખો,કે જેથી અનુભવ તરીકે તમને આગળ સફળ થવામાં મદદરૂપ થઇ શકે.
જીવનને એવો પણ ઢાળ ન આપો કે જ્યાં ફક્ત ભૂલો જ ભૂલો હોય.જીવનની દરેક બાબતો પરિસ્થિતિને આધીન છે,જેમાં કેવા પગલાં લેવા તે આપણા ઉપર જ નિર્ભર છે.એક વાતનો હંમેશા ખ્યાલ રાખો કે જીવનમાં એવી પણ ભૂલ ન થઇ જાય કે જેનો આખી જિંદગી અફસોસ કરવો પડે,અને એ ભૂલમાંથી કઈ શીખવાનો પણ હવે સમય જ ન રહ્યો હોય.આવું જ એક ઉદાહરણ છે,નિશાંત અગ્રવાલનું કે જે ઉત્તરાખંડના રૂરકી શહેરનો રહેવાસી છે.પોતાને એન્જિનયર બની નાની ઉંમરમાં જ બ્રાહ્મોસ એરોસ્પેસમાં નોકરી મળી ગઈ હતી.આટલી નાની ઉંમરે તેને ભારતના મિસાઈલ પ્રોજેક્ટ ઉપર કામ કરવાની તક મળી હતી,પોતાના હેઠળ 40 લોકોની ટિમ હતી.પોતાની હોશિયારી અને કામગીરીના કારણે તેને “Young scientist award “થી બિરદાવવામાં આવ્યો હતો.યુવાન વયે જ જીવનમાં ઘણી ઉપાધિઓ તેણે હાંસલ કરી હતી અને ઘણી મોટી કામગીરી પણ તે બજાવી રહ્યો હતો.જીવનના આટલા મોટા પાયદાને પહોંચીને તેની એક જ ભૂલે તેની આખી ઉજ્જવળ કારકિર્દીનો અંત લાવી દીધો હતો. નિશાંત અગ્રવાલ ઉપર આપણા ભારતના મિસાઈલ અંગેની માહિતી પાકિસ્તાનને લીક કરવાનો આરોપ છે.તેમના social media ના રેકોર્ડ્સ ચેક કરતા જાણવા મળ્યું છે કે તે થોડા સમયથી એક બીજી સ્ત્રી સાથે આ પ્રોજેક્ટને લગતી બધી મહત્વની માહિતીઓ શેર કરી રહ્યો હતો.આ આખી ઘટના પાછળનું મુખ્ય કારણ હજી સુધી જાણવા નથી મળ્યું પરંતુ પોતનામાં આટ-આટલી આવડતો અને આટલી સિદ્ધિઓ હાંસલ કરી હોવા છતાંય પોતાની એક ભૂલના લીધે તેનું આખું જીવન બરબાદીના આરે આવીને ઉભું રહ્યું છે.તેની આ ભૂલનું પરિણામ શું ફક્ત તેના સુધી જ સીમિત રહેશે? ના! પોતાની પત્ની તથા પોતાના માતા-પિતા બધાને આ ભૂલનું પરિણામ ભોગવવું પડશે.આ થયેલા ગુનાઓ પાછળ એ ખરેખર દોષિત હોય કે ના હોય પરંતુ પોતાના દેશની મહત્વની માહિતીઓ બીજા દેશની વ્યક્તિ સાથે શેર કરવાની આ મોટી ભૂલને એ ક્યારેય સુધારી નહીં શકે.નાની સરખી ભૂલ ક્યારે મોટું સ્વારૂપ ધારણ કરી લે છે,તેનો ખ્યાલ એ વખતે તો આપણને રહેતો જ નથી.આપણી જિંદગી તો ખરેખરું એવું રંગમંચ છે કે જ્યાં ભૂલોની આ ઘટનામાં ફેરબદલી કરવાનું કોઈ સ્થાન જ નથી.
સંબન્ધોમાં પણ આપણાથી ઘણી વાર કેટલીયે ભૂલો થતી હોય છે.ભુલોમાં ને ભુલોમાં એ સમ્બન્ધો ક્યારે આપણાથી દૂર જતા રહે છે તેનો આપણને ઘણીવાર ખ્યાલ શુદ્ધાય નથી રહેતો.એક પતિ કે પત્ની,બંન્ન્નેમાથી કોઈના પણ લગ્નજીવનની બહાર ચાલતા અનૈતિક સમ્બન્ધોના લીધે તેઓ કેટલું ખોઈ રહ્યા છે?એનો તેમને અણસાર સુધ્ધાય નથી હોતો.પોતાની સાથે બીજા પાત્રોની જિંદગી અને ખાસ કરીને પોતાના જ નાના બાળકોના ભવિષ્યને પણ તેઓ રજળતા મૂકી દે છે.જયારે આ ભૂલોનો તેમને અહેસાસ થાય છે ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હોય છે કે જેમાં આ ભૂલોને સુધારવાનો પણ તેમની પાસે સમય નથી રહેતો. જીવનની બીજી એક ભૂલ તરફ જો ધ્યાન દોરીએ તો ઘણીવાર માતા અને પિતા બન્ને જયારે નોકરી કરતા હોય ત્યારે બાળકોને તેમનાથી દૂર રહેવાનું દુઃખ ન થાય એટલા માટે તેમના દરેક બિનજરૂરી લાડકોડને તેઓ પુરા કરવાની ભૂલ કરતા હોય છે.દરેક પરિસ્તિથીમાં બાળકોને ફક્ત પૈસા દ્વારા જ નથી જીતી શકતા.બાળકોને તમારા પ્રેમ અને હૂંફની જરૂર છે.બાળકો તમારો અમૂલ્ય સમય ઝંખે છે.જે બાળકો પોતાના ઘરના સભ્યો તરફથી પ્રેમ નથી પામી શકતા જેથી તેઓ પ્રેમ શોધવા બહાર નીકળી જાય છે.બાળકોના નાની ઉંમરમાં થતા અફેર એ કદાચ આવી બાબતોનું જ પરિણામ છે.માં-બાપની ભુલનુ પરિણામ તેમના બાળકો શા માટે ભોગવે? શું તમારા સંતાન હોવું એ એમના માટે એક ગુનો છે? આપણા પોતના જીવનમાં આ ચકાસણી કરવી ખુબ જરૂરી છે કે ક્યાંક આપણે તો આવી ભૂલ નથી કરી રહ્યા ને! સમય વીતી જાય એ પેહલા પોતાની જાતને સંભાળી લો.આવી ભૂલોને આગળ વધવા ન દેશો.બીજાનાબાળકોને જોઈને, મારુ બાળક આવું કેમ ન કરી શકે? આવું વિચારવાની ભૂલ ક્યારેય ન કરતા.આપણા પોતાના જ શરીરની પાંચેય આંગળીઓ પણ સરખી નથી હોતી તો બીજાના બાળકો જેવા આપણા બાળકો ક્યાંથી હોય? દરેક બાળકોમાં અલગ-અલગ આવડતો હોય છે.તેમના શોખ અને તેમની વિચારવાની શક્તિ બધું જ અલગ હોય છે.કોઈની આવડત જોઈને તારામાં આ આવડત કેમ ના હોય? આવો સવાલ પોતાના બાળકોને કરવાની ભૂલ ક્યારેય ના કરતા.માં-બાપની જ ભૂલના કારણે ઘણીવાર બાળકો આત્મહત્યા કરવા માટે પ્રેરિત થતા હોય છે.માં-બાપની પોતાના બાળકો ઉપરની વધારે પડતી આશા ઘણીવાર બાળકો પુરી કરવા સક્ષમ નથી હોતા અને જેથી બાળકો પોતાની જિંદગી જીવવા કરતા તેને ટૂંકાવી દેવાનું વધારે પસંદ કરતા હોય છે.જીવનમાં ભૂલ થાય એ ખોટું નથી,પરંતુ એ ભૂલોમાંથી કઈ શીખાય જ નહીં એ બહુ ખોટું છે.
આપણા જ વચ્ચે બનેલી એક સત્ય ઘટના મને અહીં યાદ આવે છે.એક વખત એક બાળક ધોરણ 10 માં નાપાસ થાય છે,તેના પિતા તેને નોકરી એ મુકવાનો નિર્ણય લે છે.પિતા પોતાના બાળકને લઇને તેમના શેઠ પાસે જાય છે અને શેઠને વાત કરે છે.શેઠ ખુબ દયાળુ હોય છે એટલે શેઠ બાળકને બીજી વાર પરીક્ષા અપાવવાનું સૂચન કરે છે.એ બાળક બે થી ત્રણ વાર પરીક્ષા આપવા છતાંય નાપાસ જ થાય છે.શેઠ એક દિવસ એ બાળકને પોતાની પાસે બોલાવીને આનું કારણ પૂછે છે કે આવું કેમ થાય છે? બે થી ત્રણ વાર ટ્રાયલ આપવું છતાંય તું નાપાસ જ કેમ થાય છે? વાતચીત દરમિયાન શેઠને ખબર પડે છે કે આ બાળક દસમા ધોરણમાં આવ્યો છતાંય તેને 1 થી 100 સુધીના આંક પણ નથી આવડતા.માતા-પિતાની કેટલી બેદરકારી કે પોતાનો બાળક દસમા ધોરણમાં આવ્યો છતાંય એમને આ બાબતનો ખ્યાલ સુધ્ધાંય ન હતો. અહીં સવાલ એ છે કે આટલા વર્ષ સુધી માં-બાપે કયારેય બાળકને કઈ પૂછ્યું જ નહીં હોય? કે શિક્ષક સાથે પોતાના બાળકના ભણતર અંગે કોઈ વાત જ નહીં કરી હોય? શેઠ ખુબ આશ્ચ્રર્ય પામે છે કે બાળક દસમા ધોરણ સુધી પહોંચ્યું કેવી રીતે? આવો કિસ્સો ફક્ત આ એક બાળકનો નહીં હોય,આવા તો કેટલાય બાળકો હશે. માં -બાપની આ એક ભૂલ તેમના જ બાળકોના આખા ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે.બાળકનું ભણતર અને ગણતરનું શું તેમના જીવનમાં કોઈ મહત્વ જ નહીં હોય? અહીં આ ભૂલનો ભાગીદાર શિક્ષક પણ છે.બાળકના ભણતર અંગે શિક્ષકે ક્યારેય કોઈ વિચાર જ નહીં કર્યો હોય? સમાજના એક જવાબદાર નાગરિક તરીકે શું એમની કોઈ ફરજ જ નથી બનતી? બધા જો આવી ભૂલ કરતા રહીશું તો આપણો વ્વ્યક્તિગત વિકાસ કયારે કરી શકીશું? અને જો આપનો વ્યક્તિગત વિકાસ જ નહીં થયો હોય તો દેશના વિકાસ અંગે તો ક્યારેય વિચારીશું જ નહીં !
દુનિયામાં જો કોઈ છોકરાઓ બગડ્યા હોય તો તેની જવાબદારી એક માતા-પિતાની જ છે.માં-બાપની જ ભૂલના કારણે છોકરા અમુક હદ સુધી પહોંચી જતા હોય છે.બાળકો જયારે કઈ ખોટું કરે તો એ વખતે જ કેમ માતા -પિતા તેમને રોકવાનો પ્રયત્ન જ નથી કરતા? વાત આગળ વધે એટલે કારણ બતાવે કે બાળકો અમારું માનતા જ નથી.અહીં માતા-પિતા માટે અમુક સવાલ થાય છે કે ,શું તમે આ બધી બાબતોને ક્યારેય ગંભીરતાથી લીધી છે? આ બધી સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન ક્યારેય કર્યો છે? બાળકોની સાથે પ્રેમથી એકાંતમાં બેસીને ક્યારેય તેમના ભવિષ્ય અંગે ચર્ચા કરી છે? જો આ બધા સવાલોના જવાબ છે ના! તો તમે ક્યાં આધારે કહી શકો કે બાળકો તમારું માનતા જ નથી? બીજી એક બાબત એ પણ છે કે ઘણા પતિઓને એવી ટેવ હોય છે કે ,જો બાળક કોઈ ભૂલ કરે તો તેનો સંપૂર્ણ આરોપ પોતાની પત્ની ઉપર જ લગાડી દેતા હોય છે. પત્નીને બધાની વચ્ચે ઉભી રાખીને સવાલ કરવમાં આવે છે કે “આવું કેમ થયું”? પરંતુ આવા સમયે પતિ એવું કેમ ભૂલી જાય છે કે બાળકની ભૂલ માટે માતા અને પિતા બન્ને જવાબદાર છે.બાળકની જવાબદારી માતા અને પિતા બન્નેની છે તો ગુનેગાર એકલી બાળકની માતા જ કેમ?
ભૂલોનો ક્યારેય કોઈ અંત નથી. ભૂલ થયા પછી તેમાંથી કંઈક શીખી અને તે તમને એક હકારાત્મક પરિણામ તરફ લઇ જાય એ બહુ જ અગત્યનું છે.ભૂલો થયા પછી તેને વળગીને બેસી ન રહો,તેમાંથી ઉકેલ શોધતા શીખો.ભૂલોને સુધારી અને જીવનમાં આગળ વધતા શીખો.