“પુજારી કાકા કેમ હજી આરતી ચાલુ નથી કરી? “ગોપાલભાઈના પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કાકાએ કહ્યું,”જો.. ને…બેટા, આ સવારમાં મંદિરે આવી ને જોયું તો તાળું તૂટેલું હતું અને.. “
ગોપાલભાઈ અધિરાઈથી પૂછી બેઠા, “અને શું કાકા..? “
કાકાએ નિસાસો નાખતા કહ્યું ,”કોઈ પોતાની નવજાત બાળકી મંદિરમાં મૂકી ગયું છે..! મુકનારને ખબર કે આ નાનકડી સોસાયટી અને નાનકડું મંદિર એટલે સી. સી. કેમેરાનો સામનો નહીં થાય. “
ગોપાલભાઈએ બાળકીને ઊંચકી અને ચિંતાતુર સ્વરે બોલ્યા, “તો કાકા હવે.. આ માસુમ બાળકીનું શું થશે..!? “
કાકા ખૂબ ઊંડા સ્વરે બોલ્યા, “બીજુ તો શું થાય.. અનાથ આશ્રમમાં મૂકી આવીશ”
ગોપાલભાઈએ બાળકીની માસુમિયત જોઈ કહ્યુ, “હું જ રાખું તો..! મારા ઘરે પૂજા અને અર્ચના છે આ ત્રીજી આરતી. ” આમ કહી ગળે વળગાડી.
કાકા બોલ્યા, “પણ બેટા, એની નાત, જાત ધર્મ, મોંઘવારી.. ” ગોપાલભાઈ ઈશ્વરની મૂર્તિ સામું જોઈ બોલ્યા, “માણસાઈથી મોટો બીજો શું ધર્મ હોય શકે..! અને આના ભાગ્યનું ઈશ્વર આપી દેશે. “
પૂજારી કાકા જોઈ રહ્યા અને વિચારી રહ્યા,
“માણસાઈ માણસાઈમાં કેવો ભેદ છે..!,
એ વાતનો જ પ્રભુ મને બહુ ખેદ છે,
બંને માણસો તો તારા જ બનાવેલ..
એક કામ, તો બીજો ધર્મમાં કેદ છે.
જાગૃતિ કૈલા
Related