વાહ શું સુંદર દુનિયા છે ! ખૂબ ખૂબ આભાર ભગવાન તે મને નવો જન્મ એક પશુ અવતારમાં આપ્યો. અરે વાહ મારી જેવા તો કેટ કેટલા સુંદર પશુ, પક્ષીઓ અને પ્રાણીઓ છે. આ જો મારા જેવા રંગનું જ એક કૂતરું, એ કેવું ખાવાનું મેળવવા પેલી બિલાડી પાછળ દોડે છે, બિચારી બિલાડી એનો તો આજે જીવ ગયો જ સમજો પણ પેલું કૂતરું પણ ભૂખ્યું થયું હશે ને એટલે એને પણ એના બચ્ચા રાહ જોતાં હશે, ભૂખ્યા ટળવળતા હશે. ચાલો આગળ તો જોવ બીજું શું શું છે. વાહ આ તો કોઈક વિદેશી કૂતરું લાગે છે, કેટલું સુંદર તૈયાર થયેલું છે અને કેટલી મોટી ગાડીમાં ફરે છે, પહેરવા એની પાસે કપડાં છે અને સામે જો પેલા એક ભિખારી છોકરા પાસે ફક્ત એક ફાટેલી ગંજી જ છે. ઓહ, ઠીક હવે સમજાયું આ તો માણસે પાળેલું કૂતરું છે એને આધીન છે, મારી જેમ કાઇ મુક્ત નથી. ખેરે છોડો, એ કુતરા ના નસીબ બીજું તો શું. આ સરસ વિસ્તાર છે અહીં મારી જેવા જ ઘણા કુતરા પણ છે હું અહીં જ વસવાટ કરીશ.
થોડા દિવસો પછી :
“કાલુ રહેવા દે, એ ભાઈ જે આપે છે એ ખાવાનું રહેવા દે, આપણે અહીં ૬ મહિનાથી રહીએ છીએ ને એણે કોઈ દિવસ આપ્યું છે કાઇ? આજે અચાનક ચિકન? તું સમજ આમાં કાઈક ષડયંત્ર છે જ.”
“એ તો આપણે રોજ રાત્રે હમણાથી ભસતા હોઇએ છીએ ને અમુક ચોર આટા મારતા હોય છે, ચોરી ના કરે અને આ પટેલ સાહેબ તો આપણો આશરો છે, આપણ ને અહી રહેવા દે છે અને જો આજે તો ખાસ ચિકન લઈને આવ્યા છે.”
કાલુ અને સાથી એ ચિકનની લાલચમાં ગયા અને થોડી જ મિનિટમાં એક સાથે કાલુ, પિન્ટુ અને એક ૪ બચ્ચા સાથે પ્રેગ્નેટ કુતરી તરફડિયાં મારતી ત્યાં જ મરી ગઈ અને પેલા પટેલ સાહેબ જે શોખથી ચિકન લાવેલ એ હવે જોર જોરથી હસ્તાં હસ્તાં એ તરફડિયાં મારતા કૂતરાનો વિડિયો ઉતારી રહ્યા હતા અને બોલ્યા, “મરો સાલા, આ જ મૌત ને લાયક છો તમે, ૪ દિવસથી મારી ઊંઘ હરામ કરી હતી ભસી ભસી ને આજે જાવ તમને મે હમેશાં માટે ઊંઘ આપી દીધી.”
પેલી સમજદાર કુતરી પટેલ સાહેબ સામે ભસ્તી રહી જાણે કે ફરિયાદ કરતી હોય, “અરે ઓ માણસ શું તને એક ને જ અધિકાર છે જીવવાનો, અમે મૂંગા જીવે શું ગુનો કર્યો? આ ચાર કુતરાઓ ના લીધે જ આટલા દિવસથી તારા ઘરે ચોર નહોતા આવતા અને તું અહેસાન ફરામોશ આ અબોલ મારા સાથીઓનો જીવ ખાઈ ગયો અને પેલી તો ચાર બચ્ચાની મા બનવાની હતી, વાહ રે માણસ તારી આ આદતને હું માણસાઈ કહું કે કૂતરાઈ!
સુનિલ ગોહિલ “માસ્તર”