‘આઈમા અમારા સાંભળવામાં આવ્યું છે કે, કેશોદના મામલતદાર પંડયા સાહેબે આપણી જમીનના કેસનો ચુકાદો આપણી તરફેણમાં આપ્યો છે, ઈ વાત સાચી છે? અને બીજું…આગળ બોલતા જણને થંભાવીને આઈ સોનલે વચ્ચે જ કહ્યું કે, ‘ ઈ હંધીય વાત તમે જે સાંભળી તે સાચી છે.’ થોડીવાર થંભ્યા ને ઉગમણા ઓરડામાં પાટ ઉપર બેઠાં બેઠાં આગળના શબ્દો સંભળાવતા કહ્યું ,
‘આપણે ક્યાં કોઈની મિલકત હરામની લેવી છે. કોઈનું કંઈ આંચકી લેવાનો પણ આપણે કોઈ દી’ સ્વપ્નમાં યે વિચાર કર્યો નથી. બાપદાદાએ નીતિથી મેળવેલી આ ખેતીની જમીન છે. એના ઉપર આપણું જીવન નભે છે. ઓલ્યો ચાંદીગઢવાળો ચનો કોઈનો ચડાવ્યો ચડી ગયેલો, જ્યારે એના જ પિતરાઈ ભાઈના કાને વાત નાખી ત્યારે તો તેણે મારાં વેણ સાંભળતાં ઘડીનાય વિલંબ વિના કહી દીધું, ‘ આઈ, આપની ખેતીની જમીન મારે ન ખપે, સરકારનો કાયદો ભલે ગમે તે હોય હરામનું ન ખવાય.’ તેમ કહીને તે જ દિવસે જમીન પાછી સોંપી દીધેલી.
મેં ચનાને પણ કહેલું કે, ‘ મારી વાત પણ તેટલી જ છે.’ કે ગામડાના વસવાટકાળથી આપણે એક માળાના મણકાની જેમ રહીએ છીએ, સરકારી કાયદાઓ તો કેટલીયવાર નીતિમત્તાના ચીલા ચાતરી જાય છે. મા જગદંબા દરેકનાં લેખાંજોખાં કરતી હોય છે. એમાં આપણે તો ભાઈચારાથી રહેતાં આવ્યાં છીએ.’
હંધાયને શ્રધ્ધા છે ઈ તો બરાબર ને?’ લાલ ઓઢણી, પ્રલંબ માંસલ ભુજાઓ, લીંબુની ફાડ્ય જેવી આંખો, કપાળે કેશર મિશ્રિત ચંદનની આડ કરેલી, આઈ સોનલે ચાંદીગઢના રાયજાદા હઠીસિંહ તથા કડછાવાળા મેર આગેવાન આતાભાઈ સામે દ્રષ્ટિ કરીને કહ્યું,
‘ આઈમાં આપની ઈ હંધીય વાતું સાચી માનીએ છીએ, પરંતુ આપ બહુ ભોળાં અને ભૂલકણાં છો. હજુ ગઈ કાલે જ બનેલી ઘટનાઓને આપે કાં વીસારે પાડી? મામલતદારના ચુકાદા પછી આપે જે પગલું ભર્યુ તે અમો સહુને અકળાવે છે.અમારા કાળજામાં જાણે કટારી વાગતી હોય તેવું મહેસૂસ કરીએ છીએ. આપને કરવામાં આવેલી આટઆટલી હેરાનગતિ ઘડીમાં વિસરી ગયાં? ‘
જૂનાગઢ જિલ્લામાં આવેલા કેશોદ તાલુકા મથકેથી દશેક કિ.મી.
જેટલા અંતરે પાંસઠ સાંતી ધરાવતા માણસોનું મઢડા નામનું ગામ ખારા નદીના કિનારે બેઠું છે. આજે એ ગામમાં આઈ સોનલ નામનાં બ્રહ્મચારિણી ચારણ્ય આઈના ઉગમણા ઓરડામાં ઉપર પ્રમાણેની વડછડની વાતો હાલે છે.
નાનકડું એ મઢડા ગામ આજે આઈ સોનલના નામથી ઉજળું બન્યું હોય તેમ રોજરોજ સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાંથી માણસો ઊભરાય છે. શ્રધ્ધાનો દીવડો ત્યાં સોળે કળાએ ઝળાંહળાં થઈ રહ્યો છે. માનવીઓના પદરવે તેમજ નાનાં મોટાં વાહનોના ધબકારે એ ધરતીનો પટ ગાજી રહ્યો છે અને મઢડા ગામ પોરહ લઈ રહ્યું છે.
બીના તો એવી બનેલી કે વાત સંભાળનારા વિસ્મય પામે. બહ્મચારિણી એ ચારણ્ય આઈ કિશોરી હતાં ત્યારે ગામના પડખે વહેતાં ખારા નદીના ખળખળ કરતાં નીરમાં સ્નાન કરે. પછી ગાગરમાં પાણી ભરી માથે મૂકીને બાજુમાં જ આવેલા ભીમનાથ મહાદેવને બે હાથ જોડી તેમના સ્મરણમાં એકાકાર બને અને જળ ચડાવે. વયોવૃદ્ધ ચંચળનાથ નામના સાધુએ એક દી ‘ એ ગામે ડગ મૂક્યાં અને આ કિશોરીના કૌવતથી પ્રભાવિત થયા. ‘ ઓમ નમો શિવાય ‘ નો મંત્ર આપ્યો.માતા રાણબાઈએ તેમનામાં આત્મશ્રદ્ધાના આંજણ આંજ્યાં, જ્યારે પિતા હમીરભાઈએ ઔદાર્ય અને અમીરાતના જળ પાયાં.
નાનપણથી જ સંસાર ઉપરનો મોહ ઊતરી ગયેલો તેથી શાસ્ત્રોનું ગ્નાન મેળવવા તેમજ આત્માના ઉધ્ધાર અર્થે યાત્રા કરવાનો નિર્ણય કર્યો. તેમની વાણી અને આદર્શોથી અંજાયેલા વેરાવળના સોની ભક્ત સુંદરજી સાગર તેમના ભાઈ, બહેન વગેરે યાત્રામાં સાથે હતાં.હરદ્વારને કાંઠે વહેતી ગંગામાં સ્નાન કરી સહુ બપોર વેળાએ સૂતાં રહ્યાં અને આઈ સોનલે એક આશ્રમમાં જઈ ભગવાં ધારણ કરી લીધાં. એવા વેશે એમને જોતાં સાથે આવનારા અચંબામાં પડી ગયાં .
તેમણે જાહેર કર્યું કે, ‘ શાસ્ત્રોનો અભ્યાસ કરી તેઓ મઢડા ગામે આવશે. મઢડા નજીક આવેલા ચાંદીગઢના પશ્ચિમ લીંબડીધારે આવીને આશ્રમ બાંધ્યો.આજુબાજુ ગામોના આગેવાન બ્રાહ્મણ, મહિયા, કાઠી,સોની, રાજપૂતો, આહિરો, મેર- ચારણો વગેરેને લાગ્યું કે આવી પ્રતિભાશાળી વ્યક્તિ સાંપ્રત સમાજમાં રહી સમાજમાં રહેલાં દૂષણો દૂર કરી એના ઉત્થાનનું કાર્ય કરે, એમાં રસ લે તેવું કરવું જોઈએ. લોકોની લાગણીને, કંઠ, કહેણી અને કવિતાના ત્રિવેણી સંગમ ધરાવતા ભક્તકવિ દુલા કાગ અને પીંગળશી પાયકે આઈ સોનલના ગળે ઉતારી, ભગવાં દૂર કર્યા. સમાજમાં રહેલી અંધશ્રધ્ધાઓને તેમણે અલગ કરાવી, વ્યસનો, કુરિવાજો, વહેમોને દૂર કરવા આધ્યાત્મિક રાહે નવી દિશાનાં મંડાણ કર્યા, ચેતના પ્રગટાવી.એક બાજુ વ્યક્તિની સામસામી દ્રષ્ટિ પડે ત્યારે મારું કે મારું તેવાં વેરઝેરનાં એમણે વળામણાં કર્યાં ને એક થાળીમાં જમતાં કર્યા. માણસાઈ ને માનવતાનાં એવાં ઝરણાં વહેતાં કર્યા કે પૂજ્ય રવિશંકર દાદા ( મહારાજ) પણ તેમનો ભારે આદર કરવા માંડ્યાં.
ભકતકવિ દુલા કાગે તો એમની પાઘડી આઈના ચરણોમાં ધરીને ગાયું કે,
‘ માડી , તેં તો ઠારી હત્યાની હોળી,
તોળાણી સત ત્રાજવે રે.’
આવે ટાણે જ સૌરાષ્ટ્ર સરકારે જમીન ઈનામી નાબૂદી ધારાનો ઢોલ વગાડયો.આઈ સોનલની કેટલીક જમીન ચનો અને તેના પિતરાઈ ભાઈ વાવતા. આ ચનાને આઈ સોનલનાં માતા રાણબાઈ દીકરાની જેમ રાખતાં હોવા છતાં એની દાનત બગડી ને આડો ફાટ્યો. ‘ વર્ષોથી હું ખેડું છું. સરકારી કાયદા પ્રમાણે મને મળે તેથી જમીન નહીં છોડું ‘ તેવો હુંકાર કર્યો. એક દી ‘ ચાંદીગઢના રાયજાદાઓ, મેર, મઢડાના લોકો વગેરે સાથે આઈ ખેતરે ગયાં ત્યારે ચનો પણ માણસો લઈને આવેલો.
માતાજીના થાનકેથી ઉપાડેલી તલવાર આઈ સોનલે તાણીને રાતાં બંબોળ ભવાની સ્વરુપ દેખાતાં ચનો પગે પડી ગયો. તેને ઘેર લઈ જઈ આઈ સોનલે જમાડ્યો. તેમ છતાં ચનાએ તેનું રટણ ચાલું રાખી જમીનનો કબજો છોડ્યો નહીં. તેવે ટાણે આવાં કેસોના નિકાલ માટે કેશોદ મહાલના મહાલકારી તરીકે પંડયા સાહેબ ન્યાયપ્રિય અધિકારી મૂકવામાં આવ્યા.તેઓ આવાં કેસોનાં ભીતરનો તાગ મેળવતાં એ હકીકત બહાર આવી કે જમીનની માલિકી ધરાવતાં કેટલાંક બારખલીદારોની હાલત તો ભારે કફોડી હતી.આર્થિક સ્થિતિની કોથળી સાવ ખાલી હતી. તેવી લાચાર પરિસ્થિતિ જોતાં તેઓ હચમચી ગયેલાં. આવા કારણે જ્યાં શક્ય બન્યું ત્યાં સમાધાનનો રાહ લીધો.
ચનાને સમજાવ્યો કે, ‘ સમગ્ર સૌરાષ્ટ્રના જ નહીં, પરંતુ દેશભરના રાજવીઓ એક દી ‘ જેમના દર્શને આવેલા, સામાન્ય તેમજ ગરીબ માનવી ઉપર જે માની મમતાનાં હેત વરસાવે છે, તેટલું જ નહીં તારી પાસે તો જમીન છે તેમ છતાં તેમની જમીન કાં છોડતો નથી?’ ન્યાયના આસને બીરાજેલા પંડયા સાહેબની વાત સાંભળી ખરી, પરંતુ એક જ વાતનું રટણ કરતો ચનો પીગળ્યો નહીં.
આખરે મામલતદારે બંનેને સાંભળા પછી ચના પાસે પોષણક્ષમ જમીન હતી, વળી કાયદાના કેસ પહેલાં ઘર ખેડ માટે જમીન લેવા જતાં ચનો ડોળા કાઢી આડો આવેલો. આવી સમગ્ર બાબતના પાસાં ધ્યાને લઈ આઈ સોનલની તરફેણમાં જમીનનો ચૂકાદો આવ્યો ત્યારે ચનો ફાટી આંખે એ આઈ સામે જોઈ રહ્યો. આઈ સોનલે એટલું જ કહ્યું, ‘ ચના તે ભલે તારા જેવું કર્યું પણ આમાંથી હું તને ચાલીસ વીધા જમીન આપુ છું.ચનો એમના પગે પડી ગયો. મામલતદાર આ દ્રશ્ય નિહાળીને બોલ્યા કે, ‘ મા, લોકો આપને જગદંબાના આદરથી કેમ નમે છે તેની મને આજે ખબર પડી !’
આ સમાચારના કારણે જ પ્રારંભમાં જણાવ્યા મુજબનો વાતોનો દોર સંધાયેલો અને આઈએ પ્રત્યુત્તર આપતાં કહ્યું :
‘ આતાભાઈ છોરું કછોરુ થાય પણ માવતરથી કમાવતર થવાતું હશે ? હું મા થઈને કંઈ ન આપું તો આઈ સોનલ ને ચનામાં ફેર શું કહેવાય? ‘
( સત્ય ઘટના :અંદાજે ઈ.સ. 1955 – 56)
સાભાર: ‘ધરાના તેજ’ શિવદાન ગઢવી
રજૂકર્તા: પ્રતાપભાઈ ચાવડા
Related