માણસાઈ તો સાહેબ આ દુનિયામાં તમને ખૂણે ખૂણે જોવા મળશે. આજે માણસાઈની મુસાફરી કરીએ.
ભગવાને માણસને બનાયા તો સાથે એ વાત તો હોય જ કે માણસની અંદર માણસાઈ કુટી કુટીને ભરી હોય. આજે સવારે હું જેવો જિમમાંથી બહાર આયો કે એક ભિખારીનો છોકરો મારી સામે આવ્યો દવાનું પેકેટ લઈને અને કરગરવા લાગ્યો, “સાહેબ, રૂપીયા આપો, મારા બા બીમાર છે. આ દવા લાવાની છે.” મને પણ લાગી આવ્યું એનું મોઢું જોયને અને મે ફટ્ટ્ દઈને વૉલેટમાંથી દસની નોટ આપી દીધી. એ ખુશ થઈને દૂર એના બા પાસે જતો રહ્યો. મને ત્યાં બેઠેલા ચોકીદારે કીધું, “સાહેબ, આ લોકોને કાઇ ના અપાય, ધુતારા છે.” મને દયા આવી અને મને થયું માણસાઈ ખાતર દઈ દઈએ.
માણસાઈ છે ને સાહેબ, હવે એક બહુ મોટી મહામારી બની ગઈ છે. સાચે જ તમે જોવો જાત જાતના લોકો શું સેવા કરે છે ગરીબોને, જરૂરિયાતમંદોને. પહેલા એવી કહેવત હતી કે, “દાન કરો જમણા હાથે કરો તો ડાબા હાથને પણ ખબર ના પડવી જોઈએ.” હવે તો આ મહામારી એટલી જોરદાર આગળ વધી રહી છે કે કહેવત બદલાઇ ગઈ છે, “દાન કરો જમણા હાથે તો સાથે, આજુબાજુ વાળાના હાથને પણ ખબર પડવી જોઈએ.” સોશિયલ મિડિયાએ તો આમાં ધૂમ મચાવી છે, દરેક નેતા, અભિનેતા, બિઝનેસમેન, સમાજસેવક અરે, સાહેબ યૂટૂયબર અને આપણું બેન થઈ ગયેલું ટિકટોકના ટિકટોકર પણ, ખૂણેખાંચરેથી ગરીબને ગોતી ગોતીને જે રાશન દાનમાં આપ્યું છે અને જે માણસાઈથી એક એક ફોટા પડાવીને મહામારી ફેલાવી છે, સાચે જ ત્યારે ખબર પડી કે રજનીકાંતે સાચું કહેલું, “આ દેશ ગરીબ છે નહિ, એને ગરીબ દેખાડીએ છીએ.”
સ્વચ્છતા અભિયાન આપણે જોરોશોરોથી શરૂ કર્યું. ગાંધીજીથી પ્રેરણા લઈને કામ આગળ ધપાવ્યું પણ આ મહામારી અહી પણ આવી ગઈ, મોટા – નાના દરેક લોકો જાડું, પોતા લઈને પહેલા કચરો ફેલાવે અને પછી મિડિયાને બોલાવી સાફ કરે. નામ નથી લેવું પણ અમારા એરિયાના એક કોર્પોરેટર બિચારા આ મહામારી માં સૌથી પહેલા શહીદ થયા, મિડિયાને બોલાવી લીધી પરંતુ થયું એવું કે મિડિયા સમય પહેલા આવી ગઈ તો જે કોર્પોરેટર સાહેબ કચરો ફેલાવતા હતા એ પણ રેકોર્ડ થયું અને પછી સાફ – સફાઈની માણસાઈ પણ રેકોર્ડ થઈ.
માણસાઈ પણ અપડેટ થાય છે, જોવો બતાવું. બળાત્કાર થાય એટલે મીણબત્તી લઈને નીકળી પડવાનું, વિરોધ પ્રદર્શન, ન્યુઝમાં કાઇ પણ લેવા દેવા વગરના આવેલા વ્યક્તિઓ અલગ અલગ બારીમાં બેસી એ મુદ્દાને છેડે. અમુક નેતા તો મજા આવી જાય એવું કરે, પીડિતાને મળવા જાય એટલે ત્યાં સૂચના તેના માણસોને આપે, “તમે મને ધક્કો મારજો, મારામાં ઘણા બધા વિટામીનની કમી છે એટલે હું એક ધક્કે પડી જઈશ અને એ ન્યુઝ માં આવવું જોઈએ.” ખરેખરી મહામારી ફેલાવી છે. નાનામાં નાની વાતને એટલી મોટી કરીને બતાવો કે વ્યક્તિને જરૂરથી લાગી જ આવે કે ખરેખરી માણસાઈ આજ માણસ પાસે છે.
આવા તો અગણિત કિસ્સા છે. દુનિયામાં સાહેબ ગમે તેવી મહામારી આવી જશે, તેની દવા અને વેક્સિન પણ મળી જશે, પરંતુ આ માણસની જે માણસાઈની મહામારી છે એની દવા કે વેક્સિન દુનિયાના કોઈ વૈજ્ઞાનિક નહીં શોધી શકે.