પિતાંબર પહેરે તે દેવ, વ્યાઘાંબર પહેરે તે મહાદેવ. આભૂષણ ધારણ કરે તે દેવ,સર્પ ધારણ કરે તે મહાદેવ. માથે મુકુટ સોહે મણિ સાથ તે દેવ, માથે ચંદ્રમા સોહે ગંગા સાથ તે મહાદેવ. હીરા મોતીના હાર શોભે તે દેવ, રુદ્રાક્ષની માળા શોભે તે મહાદેવ. સુગંધી અત્તર લગાવે તે દેવ, ભસ્મ લગાવે તે મહાદેવ. શૃંગાર કરે તે દેવ,સાદગી પહેરે તે મહાદેવ. નૃત્ય કરે તે દેવ,તાંડવ કરે તે મહાદેવ. અમૃત ગ્રહણ કરતા દેવ, વિષને ધારણ કરતા મહાદેવ. મનમોહક રુપ દેવનું, અનુપમ રુપ મહાદેવનું.
દેવોના દેવ મહાદેવ કે જેઓ બધા દેવોથી અલગ છે. જેમની પૂજા નિરાકાર શિવલિંગ સ્વરૂપે થાય છે. આજે કૃષ્ણ પક્ષની તેરસ કે જેને શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે અને શિવજીની ખાસ ઉપાસના કરવામાં આવે છે. બાર મહિનાની સાથે મળીને વર્ષમાં કુલ બાર શિવરાત્રી આવે છે. જેમાં મહા મહિનાની કૃષ્ણ પક્ષની તેરસનું ખૂબ જ મહત્વ છે. જેને આપણે મહાશિવરાત્રિ તરીકે ઉજવીએ છીએ.
આ મહાશિવરાત્રિના પર્વની ઉજવણી પાછળ એક કરતા વધુ કથાઓ રહેલી છે, અહીં આપણે બે કથાઓ વિશે જાણીશું. સમુદ્રમંથન વખતે શિવજીએ સૌને બચાવવા માટે પોતે વિષનું પાન કરેલું. પાર્વતીજી નહોતા ઈચ્છતા કે વિષ શિવજીના પેટમાં ચાલ્યું જાય એટલે તેમણે શિવજીનું ગળું પકડી લીધું તો બીજી બાજુ દેવો નહોતા ઈચ્છતા કે શિવજી આ વિષ બહાર કાઢી નાખે. માટે તેમણે શિવજીનું મહિમાગાન શરૂ કરી દીધું. હવે આ વિષમ પરિસ્થિતિમાં શિવજી શું કરે છે? એ જોવાનું હતું. આખરે સવાર પડતા જ શિવજીએ વિષ ને અનંતકાળ સુધી પોતાના ગળામાં દબાવીને રાખી લીધું. આમ, શિવજીએ પોતે વિષને ગળામાં ધારણ કરીને આખી સૃષ્ટિનો બચાવ કર્યો. શિવજીની એ પરોપકારિતાની યાદમાં પણ શિવરાત્રીનું જાગરણ કરવામાં આવે છે. આ પ્રસંગ પરથી આપણને બોધ મળે છે, કે જીવનમાં કોઈપણ પરિસ્થિતિ એટલી વિષમ ન હોઈ શકે કે આપણે તેમાંથી બહાર ન નીકળી શકીએ, તેનો ઉકેલ ન શોધી શકીએ.
બીજી કથા અનુસાર એક ઝાડ પર બેઠેલા શિકારી દ્રારા અજાણતા જ ચાર પ્રહરની પૂજા થઈ જાય છે એના સંદર્ભમાં પણ મહાશિવરાત્રિનું પર્વ અસ્તિત્વમાં આવ્યું. અજાણતા જ કરેલા સારા કાર્યથી શિવજી પ્રસન્ન થાય છે, કેમ કે કદાચ એ શિકારીના મનમાં એ કર્મને લઈને કોઈપણ જાતનો અહમ્ અને એ કર્મના ફળને લઈને કોઈપણ જાતની અપેક્ષા નહોતી. આ પ્રસંગ પરથી આપણને બોધ મળે છે કે જીવનમાં સારા કાર્ય કરો ત્યારે તેના પર અહમ્ નું આવરણ ન ચડે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને કર્મ ફળની ચિંતા ઈશ્વર પર છોડીને હંમેશા સારા કર્મો કરતા રહેવું જોઈએ. પૂજાની સામગ્રીમાં કદાચ એકાદ વસ્તુ ઓછી હોય તો ચાલી શકે પણ તમારું મન સંપૂર્ણ પણે વિકારોથી શુદ્ધ હોવું જોઈએ. સાચું હોવું જોઈએ.
મહાદેવની કૃપા સૌના પર સદા બની રહે તેવી મહાદેવને પ્રાર્થના સહ સૌને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ…..હર હર મહાદેવ.
જાગૃતિ તન્ના “જાનકી”