મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ
શિવ શિવ શિવ શિવ નામ જપનથી
થાતાં સઘળાં કામ
મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ
ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
આજથી પહેલા , આજ પછીથી
ના આજે અત્યારે
મહાકાલ મહાદેવથી મોટું
નથી કોઇ , ના થાશે
આદિ અનાદિ શિવનું સમસ્ત
સચરાચર છે ધામ
મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ
ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
ભક્તિ ભાવનો ભૂખ્યો છે
ભલે ભોળિયો છે ભગવાન
ત્રિનેત્ર ખૂલતાં રાખની ઢગલી
ભૂલો જો સન્માન
દક્ષયજ્ઞનો ભંગ કર્યો
થયું જ્યાં સતીનું અપમાન
મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ
ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
કુબેર કેરો વૈભવ
એના કમંડળે છલકાય
ચિતા ભસ્મની સામે
સ્વર્ગની સંપત મિથ્યા થાય
એક અખંડ ને અદ્વિતીય હર
જોગી જપે અવિરામ
મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ
ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
મહાદેવ છે ઝળહળ સૂરજ
ચંદ્રમૌલિ શિવ શીત
ગગન ગોખમાં ટમટમ ટમકે
તારક ગણ અગણિત
તેજપૂંજ મહાદેવની સામે
આગિયા અન્ય તમામ
મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ.
ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
– તુષાર શુક્લ
Related