ગાંધીનગર આપણા ગુજરાતનું પાટનગર છે અને ગાંધી નગર આપણાં ગુજરાતની “ગ્રીનસિટી” તરીકે ઓળખાય છે.ગાંધીનગરમાં કેટલાય સ્થળો આવેલા છે જે ખુબ જ પ્રખ્યાત છે જેમકે ઇંદ્રોડાપાર્ક,અક્ષરધામ મંદિર,મહાત્મા મંદિર એમ કેટલીય જગ્યાઓ છે જે ખુબ જ પ્રખ્યાત છે અને વર્ષે ઘણા લોકો તેં જગ્યાઓની મુલાકાત લેતા હોય છે. આજે આપણે મહાત્મા મંદિર વિશે થોડુ જાણીશું . મહાત્મા મંદિર એ સેકટર ૧૩ ગાંધીનગર મા આવેલું એક સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર તેમજ સ્મારક સંકુલ છે. તે મહાત્મા ગાંધીના જીવન અને દર્શનથી પ્રેરિત છે. આ સંકુલમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું સંમેલન કેન્દ્ર છે.
ગુજરાત સરકાર મહાત્મા મંદિરને એકતા અને વિકાસ સ્મારક તરીકે વિકસાવવા માંગતી હતી. આ સ્મારકના પાયામાં ભરવામાં આવેલી રેતીને ગુજરાતના તમામ ૧૮,૦૬૬ ગામોના પ્રતિનિધિઓ દ્વારા ગાગરમાં લાવવામાં આવી હતી અને ઈમારતના પાયામાં પૂરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૦માં આ મંદિરના ભૂમિ પુજન વખતે તેના પાયામાં ગુજરાતનો ઈ.સ. ૨૦૧૦ સુધીનો ઇતિહાસ ધરાવતી ટાઈમ કેપ્સુલ પણ દફનાવવામાં આવી હતી.
લાર્સન એન્ડ ટુબ્રો (એલ ઍન્ડ ટી) અને શાપુરજી પાલનજી એન્ડ કંપની લિમિટેડ દ્વારા બે તબક્કામાં આ સ્મારકનું નિર્માણ કરાયું હતું. તેનું આયોજન અને ડિઝાઇન પર્યાવરણને અનુકૂળ છે.મહાત્મા મંદિરનો પ્રથમ તબક્કો મે ૨૦૧૦ થી જાન્યુઆરી ૨૦૧૧ સુધીના નવ મહિનામાં ૧૩૫ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. તેમાં એક કન્વેન્શન સેન્ટર, ત્રણ મોટા એક્ઝિબિશન ખંડ અને કોન્ફરન્સિંગ સુવિધાવાળા નાના હોલ શામેલ છે.
બીજા તબક્કામાં મીઠાના ટેકરાનું સ્મારક, એક બગીચો, સસ્પેન્શન બ્રિજ, પવન ચક્કીઓ અને પાર્કિંગની જગ્યા વગેરેને રૂ. ૮૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ છે.આ કેન્દ્રમાં મહાત્મા ગાંધીને સમર્પિત એક સ્મારક બનાવવામાં આવ્યું છે. તેનું બાંધકામ શાપુરજી પાલનજી એન્ડ કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. દાંડી યાત્રાની યાદમાં એક સસ્પેન્શન બ્રિજ બનાવવામાં આવ્યો છે. કોંક્રિટ ડોમ માળખું અને મીઠાના ટેકરાનો આકાર ધરાવતી ઈમારત સંગ્રહાલયો, પુસ્તકાલય અને સંશોધન કેન્દ્ર ધરાવે છે. મહાત્મા ગાંધીજીના જીવનને દર્શાવતા પથ્થર ભીંતચિત્રો ધરાવતો એક શિલ્પ બગીચો પણ વિકસિત કરવામાં આવ્યો છે. ચરખા નામનો એક ભવ્ય રેંટિયો પણ અહીં સ્થાપિત થયેલ છે. આમ ગાંધીનગરનું મહાત્મા મંદીર ખુબજ સુંદર અને ગુજરાતની પ્રખ્યાત ફરવા લાયક જગ્યામાંથી એક છે, જેથી ગુજરાતમાં રહેતાં લોકોએ આ જગ્યાએ અચૂક જવું જોઈએ.
VR Dhiren Jadav