એ મલેકુલ મૌત કેમ મારી પાછળ પડ્યો છે?
પ્રભુ એ મને આ જ કામ માટે રાખ્યો છે.
હજી ઘણું કરવાનું બાકી છે, મરવાની ફુરસ્ત નથી.
કાલે પણ આ જ બોલીશ, એટલે હવે ચાલ અહીથી.
જા કોઈ બીજાને લઈ જા, મારે ત્યાં કાલે આવજે.
મને આદેશ છે, ફક્ત તને લઈ જવાનો આજે.
ઘણું જીવવાનું બાકી છે, મારો સમય નથી આવ્યો.
એ પ્રભુ નક્કી કરશે, તું ચાલ છાનો-માનો.
દીકરીના લગ્ન બાકી, પૌત્રને રમાડવાનો બાકી,
બધા કામ તારા વગરે થશે, એ છે મારી ગેરેન્ટી.
પ્રભુ પાસે મારી સિફારીશ કર, થોડા વર્ષો વધાર.
એ મારું કામ નથી, હઠ ન કર વારંવાર.
કમસેકમ અઠવાડિયું તો આપ, બધું નિપટાવી લઉં.
વર્ષો આપ્યા હતા, એનું શું? હવે ખાલી હાથ ન જઉં.
શું બીજો કોઇ ઉપાય નથી? કોઈ લેનદેન ન થઈ શકે?
હું તારા જેવો મનુષ્ય નથી, જેને તું ફસાવી શકે.
ઠીક છે ઓછામાં ઓછું, બધાને ખુદાહાફીઝ કહી દઉં.
એનો પણ સમય નથી, હવે હું વાટ ન જોઉં.
એ મલેકુલ મૌત, કાશ ખબર હોત, તારાથી છુટકારો નથી.
સૌની સદૈવ આજ દશા રહેશે, તું એકલો નથી.
શમીમ મર્ચન્ટ