સવાર સવારમાં છાપું ખોલ્યું અને સામે ત્રણ ચાર આત્મહત્યાના સમાચાર જોયા કે મનમાં તરત વિચાર આવ્યો કે, લોકોને કેટલા બધા કારણો મળી જાય છે મરવા માટેના તો શું એક કારણ નહીં મળતું હોય જીવતા રહેવાનું?
ડિપ્રેશન શબ્દ તો હવે એ રીતે વપરાવવા લાગ્યો છે જાણે દરેક માણસ આજે ડિપ્રેસ થવાં સ્પર્ધા કરે છે. નાના કારણો અને ડિપ્રેશન, શું મજાક છે કાઇ? અધૂરામાં મિડિયા અને સોશિયલ મિડિયા ડિપ્રેશન પર એટલું બધુ અસરકારક રીતે બતાવે કે નાની અમથી અસફળતા મળે તો માણસ એમ જ માની લે છે કે એનું જીવવાનું હવે કોઈ કારણ જ નથી રહ્યું.
કાઈક કેટલી યોનિમાંથી પસાર થઈને આપણને માણસ અવતાર મળે છે, શું એ જ એક મુખ્ય કારણ નથી કે આપણે એ જીવનને વધાવી લઈએ. હા, માણસ હોય ત્યાં સમસ્યા હોવાની જ, મુશ્કેલી હોવાની, અડચણ આવવાની, અસફળતા પણ મળવાની, હજારો નકારાત્મક કારણો છે પણ એ બધા સામે એક સૌથી હકાર કારણ એ છે જ કે આપણને માણસનો અવતાર મળ્યો.
આજે જ્યારે યુવાનોને આત્મહત્યા જેવુ ભયાનક પગલું લેતા જોવ છું ત્યારે એમ થાય છે કે, જો આટલી હિંમત મરવા માટે આવી શકે છે તો શું જીવવા માટે એ હિંમત ભેગી પણ ના કરી શક્યો. આજે તો ટ્રેન્ડમાં છે આત્મહત્યા, હવે તો એમાં પણ સોશિયલ મિડિયા ઉપર જાહેરાત કરીને આત્મહત્યા કરે છે અને વિગતે કારણ પણ જણાવે છે. મારા ભાઈ, જો તું તારા સોશિયલ મિડિયાના ફોલોઅર માટે એ આત્મહત્યાની જાહેરાતવાળો વિડીયો બનાવે છે તો એ લોકોનો તો વિચાર કર અને આત્મહત્યાનો વિચાર માંડી વાળો. કારણ કે આજકાલ રિયલ ફ્રેન્ડ કરતાં રીલ ફ્રેન્ડ વધારે મહત્વના છે.
પ્રેમ માટે આત્મહત્યા? સાચે? શું મરી જશો તો તમારો પ્રેમ અમર થઈ જશે? કેટલો સસ્તો પ્રેમ છે આ! આવો પ્રેમ કોણ શીખવાડે છે? અને જો પ્રેમ મરવા માટે કારણ આપે છે તો માફ કરજો સાહેબ તમારો પ્રેમ એક નંબરનો ખોટો છે. તમે સૌથી મોટા ભ્રમમાં જીવો છો, અને જે ધમકી આપે છે ને તું મને નહીં મળે તો હું આત્મહત્યા કરી લઇશ, તો એને કરવા દો, પ્રેમમાં ધમકી કયાથી આવી? છે કોઈ યોગ્ય કારણ તમારી પાસે?
કેટલું સરળ જીવન મળ્યું છે, વગર કારણે એમાં આપણે હેરાન થવાના ઝાડ ઉગાડીએ છીએ અને પછી એ ફળ આપે તો દુ:ખી થઈ જઈએ છીએ. એક શેરીમાં રખડતાં કુતરા ને જોવો, આસપાસ રહેતી બિલાડીને નિરીક્ષણ કરો, ઘર પાસેથી નીકળતી ગાય અને તેના વાછરડા એનું જીવન કેવું ખરાબ છે, ખાવા માટે વલખાં મારતા હોય છે છતાં પણ ક્યારેય સાંભળ્યું કે કોઈ પશુ એ આત્મહત્યા કરી? એને એવું મગજ નથી આપ્યું પણ આપણી પાસે તો છે ને મગજ?
યુવાનો પાસે હજાર કારણ છે ને આત્મહત્યા માટે? આજે હું ફક્ત એક જ કારણ આપીશ, ૯ મહિના પેટમાં જેણે આપણને પોષણ આપ્યું, એ ૯ મહિના અંદર આપણે મોટા થયાં એ સહન કર્યું, ઉલ્ટી, મૂડ સ્વિંગ, બહારનું નહીં ખાવાનું, કાઇ બહાર નહીં જવાનું અને મુખ્ય શું એ લેબર પૈન અનુભવ પણ કર્યું છે? એક બાળક જ્યારે યોનિમાંથી આવે છે એ દુખાવો ક્યારેય વિચાર્યો પણ છે? તો શું એ જન્મ આપતી માતા કારણ નથી? તમને કોણે હક આપ્યો કે એને તમે તમારી મૃત્યુનું દુ:ખ આપો? પિતા જેણે પેટ કાપીને તમને એ લાયક કર્યા કે તમે જીવનમાં કાઈક બની શકો, એની જરૂરિયાત પછી પહેલા તમારી પૂરી કરી અને તમે એને તમારી મૃત્યુના સમાચાર આપો છો. શું માતા – પિતા એ એક માત્ર કારણ નથી?
જો કોઈ ડિપ્રેશન છે, પ્રેમમાં સમસ્યા છે, અસફ્ળતાનો સ્વાદ ચાખવો પડ્યો છે તો ત્યારે એકમાંત્ર કારણ મગજમાં વિચારજો કોઈપણ ડિપ્રેશન આપણાં ચહિતાનો ચહેરો જોવાથી ઇન્સપીરેશનમાં બદલાય જાય, કોઈપણ પ્રેમની સમસ્યા હોય તો ત્યારે માતા – પિતાનો પ્રેમ યાદ કરી લેજો અને જો કોઈ અસફળતા મળે છે તો એટલું યાદ કરી લેજો કે સાત અવતારમાં ભગવાન પણ અસફળ થયાં હતા અને આપણે તો માત્ર એક માણસ છીએ.
મરવાના ભલે હોય સો કારણ પણ જીવવા માટે એક જ કાફી છે.
સુનિલ ગોહિલ ‘માસ્તર’
Related