“જાફર! વ્હોટ અ સરપ્રાઈઝ! તું ક્યારે આવ્યો?”
મારો મિત્ર જાફર, ઇન્ડિયા ગયો હતો. જ્યારે તે દુબઈ પાછો આવ્યો, તો એને જોઈને મને અત્યંત ખુશી થઈ અને હું તેને ગળે મળ્યો. અમે જઈને સોફા પર બેઠા. મને ભેટોથી ભરેલી બેગ આપતાં તેણે કહ્યું
“બસ, આજે સવારે. એરપોર્ટથી ઘરે ગયો, સામાન મુક્યો, અને ફ્રેશ થઈને સીધો તારી પાસે આવ્યો.”
મેં બેગમાં ડોક્યુ મારતા પૂછ્યું,
“આ બધું શું છે?”
“વિરેન, મીઠાઈનો ડબ્બો હું લાવ્યો તારા માટે, બાકી બધું તારા ઘરેથી આવ્યું છે.”
ઘરનું નામ સાંભળીને મારી આંખો નમ થઈ ગઈ. ગળામાં લાગણીઓનો ગોટો વળી ગયો અને દિલ ભારી થઈ ગયું. મારા પ્રિયજનોને મળ્યાને એક અરસો વીતી ગયો.
વધુ પૈસા કમાવા અને પરિવારને સારી જીવનશૈલી આપી શકું, તે માટે હું પાંચ વર્ષ પહેલાં દુબઈ આવ્યો હતો. સંજોગો એવા ઉભા થઈ ગયા, કે ત્યાર પછી, આજની ઘડી સુધી, હું ઘરે પાછો નથી જઈ શક્યો.
જ્યારે જાફર ઇન્ડિયા જઈ રહ્યો હતો, ત્યારે મેં આગ્રહ કર્યો, કે મારા ઘરે જતો આવે. ફોન પર બધા સાથે વાત થતી રહે છે. પણ હવે મને આતુરતા હતી, કે જાફર આંખો દેખા હાલ શું લાવ્યો હતો.
ઔપચારિકતા ખાતર, મેં થોડીવાર તેની સાથે વાતો કરી, પરંતુ પછી મારાથી ન રહેવાયું.
“યાર જાફર, મારા ઘરના શું સમાચાર છે. ત્યાં બધું ઠીક છેને?”
“હાં, આમ તો બધું બરાબર છે, પણ તારા મમ્મીએ તારા માટે એક વિચિત્ર સંદેશ આપ્યો છે, જે મારી સમજમાં ન આવ્યો.”
મેં મારા મિત્ર સામે આશ્ચર્ય અને ચિંતાથી જોયું,
“શું વાત છે જાફર? જલ્દી બોલ.”
“તારા મમ્મીએ કહ્યું, વિરેનને કહેજો, કે ઘરના આંગણામાં નીંદણ છોડ ઊગી આવ્યા છે અને હવે તેને દેખરેખની જરૂર છે.”
આ સાંભળીને હું દંગ રહીં ગયો. મમ્મીના સંદેશમાં છુપાઈલો સંકેત હું સમજી ગયો. પરંતુ જાફર મૂંઝાઈને બોલ્યો,
“તું અહીંયા દુબઈમાં બેઠા બેઠા, ઇન્ડિયાના ઘરનું આંગણું કેવી રીતે સાફ કરીશ?”
હું એકદમ ચૂપ થઈ, વિચારોમાં ખોવાઈ ગયો. મમ્મીના શબ્દો હૃદયને સ્પર્શી ગયા. તેમનો ઈશારો મારા દીકરા વિકાસ તરફ હતો, જે હવે પંદર વર્ષનો થવા આવ્યો. અને હવે તેને બાપની કાળજી ભરેલી માવજતની જરૂરત હતી. મેં મનોમન દૃઢ સંકલ્પ કર્યો,
“બસ ખૂબ પૈસા કમાવી લીધા. મારી અસલ મિલકત… મારી સંતાન; અગર સમયસર એને ધ્યાન નહીં આપીશ, તો આ દૌલત શું કામની?”
ઉભા થતા, મેં જાફરને મારો ફેંસલો સંભળાવ્યો,
“હું ઇન્ડિયા પાછો જાઉં છું!”
“વિરેન! અચાનક શું થઈ ગયું? તારા મમ્મી શું કહેવા માંગતા હતા?”
મેં જાફરને વિસ્તારપૂર્વક વાત કરી અને મમ્મીનો સંદેશ સમજાવ્યો. તે પ્રભાવિત થયો.
“તારા મમ્મીએ કેટલી મોટી વાત ઇશારામાં કરી નાખી. એમના શબ્દો મને પણ સ્પર્શી ગયા. હવે મારે પણ મારા નિર્ણય ઉપર વિચારવું પડશે.”
શમીમ મર્ચન્ટ,