“સલાહ લઈ લો સલાહ, સસ્તી, મોંઘી, સાચી, ખોટી અલગ અલગ પ્રકારની સલાહ લઈ લો સલાહ. વ્હેલા તે પહેલાના ધોરણે સલાહ લઈ લો સલાહ.” એક ફેરિયો લારી લઈને સલાહ વેચવા નીકળ્યો.
“એ ભાઈ, ગાંડો તો નથી થઈ ગયો ને, આ શું તું વેચવા નીકળ્યો છે?” એક રાહદારે પૂછ્યું.
“બહેરા છો? સંભળાતું નથી? ક્યારનો ગળા ફાડી ફાડીને ગાંગરું છું, સલાહ લઈ લો સલાહ.”
“સવાર સવારમાં લગાવીને આવ્યો છે કે શું? આવું તો કોઈ વેચતુ હશે કાઇ?”
“અરે સાહેબ, વગર રોકાણનો ધંધો છે, ઝીરો ઇન્વેસ્ટમેન્ટે નફો પૂરે પૂરો.”
“ભાઈ, હું એક સલાહ આપું, આ બધુ રેવા દે, આવી મહેનત ના કર. આપણાં દેશમાં વગર મફતની સલાહ દેવા વાળા ઓછા છે જો તું લારી લઈને વેચવા નીકળ્યો.”
“ઓ સાહેબ, રહેવા દો તમારી સલાહ તમારી પાસે જ, એક તો અહિયાં સવારની બોણી નથી થઈને ત્યાં તમે મફતમાં સલાહ દેવા નિકળી પડ્યા છો, જાવ ને ભાઈસાબ તમારું કામ કરતાં હો એ કરો ને.”
પેલો રાહદાર ત્યાથી જતો રહ્યો અને પેલો ફેરિયો મનમાં બબડવા મંડ્યો, “ભાઈની વાત તો સાચી છે, હું પણ કોઈકની સલાહ માનીને સલાહ વેચવા નિકળી પડ્યો અને સવારમાં કારણ વગરની મને સલાહ મળી ગઈ.”
કેટલી બિમારીઓ છે આખી દુનિયામાં અને દરેક બિમારીઓની કાઈક ને કાઈક દવા પણ છે જ, હવે તો આ કોરોનાંની પણ આવી જ ગઈ ને. પણ એક બિમારી એવી છે જેની કોઈ જ દવા આજ સુધી કોઈ જ વૈજ્ઞાનિક બનાવી નથી શક્યો અને મારા અંદાજ મુજબ લગભગ બનાવી પણ નહીં શકે. આ બિમારી છે સલાહ આપવાની, ફક્ત આપણાં જ દેશમાં નહીં દુનિયાના દરેક ખૂણે સલાહ આપવાનું કામ ખૂબ જ મન દઈને કરવામાં આવે છે.
આપણાં ગુજરાતની વાત કરું તો, સલાહ આપવાના મુખ્ય બે કારખાના, જે ધમધોકાર સલાહનું ઉત્પાદન કરે જ રાખે છે. એક પાનનો ગલ્લો અને બીજી વાળંદની દુકાન.
ખૂબ જ નવીનતમ અને ઉચ્ચતમ ક્વોલિટીની સલાહ આ બન્ને કારખાનાઓમાં બને છે. અંગ્રેજીના પ્રખ્યાત કવિ, જેમ્સ થોમસ ફીલ્ડ્સએ એક કવિતા લખી છે “આઉલ ક્રિટિક” જેમાં માણસ વાળંદની દુકાનમાં બેઠો બેઠો ઘુવડ પર ટિપ્પણી કરી રહ્યો છે અને દરેકને જાત જાતની સલાહ આપી રહ્યો છે. આ કારખાનાના માલિકો ફક્ત એ સલાહ નો આનંદ જ લે છે, તેઓ તેમા પોતાની વિશેષ સલાહ કાઇ જ નથી આપતા, એમને પણ ખબર હોય છે કે અહીં જે સલાહ આપે છે એને કાઇ પણ કહેવું કે સમજાવું એ ભેસ આગળ ભાગવત કરવા જેવું થશે.
એક દિવસ હું પાનનાં ગલ્લે કાથો લેવા ગયેલો, મોઢામાં ચાંદા પડેલા એટલે મને કોઈકએ સલાહ આપેલી કે કાથો લગાવજો તરત ફેર પડી જશે. હું ડાહ્યો આમ તો દોઢ ડાહ્યો થઈને સલાહ માનીને કાથો લેવા ગયો પણ કલાક સુધી ત્યાંથી પાછો ના આવી શક્યો, ઘરના બધા ચિંતામાં કે આ કોઈ દિવસ પાનનાં ગલ્લે ઊભો ના રહે ને આજે વળી શું થયું? પણ હું તો ત્યાં એક પછી એક સલાહ સાંભળવાની મજા લેતો હતો. મને ચાંદું પડ્યું છે મોઢામાં એ સાંભળીને મારા માટેની જે લોકલાગણી ત્યાં ઉભેલા દરેક સલાહકારની ઉમટી પડી તે જોઈને ઘડીક તો હું ગદગદ થઈ ગયો. કોઈક કહે, ચણાનો લોટ લગાવો, કોઈ કહે આ એન્ટિસેપટિક ક્રીમ લગાવો, એક ભાઈએ તો ગજબ જ સલાહ આપી, “ભાઈ તમે ખૂબ ગાળો બોલ્યા હશો એટલે આવું થયું હશે એક કામ કરો કાલે મારી સાથે આવજો, હું એક મહારાજને ઓળખું છે જે ગાલ પર એક ચિટિયો ભરશે ને તમારા બધા ચાંદા દૂર કરી દેશે.” મને પણ નવાઈ લાગી કે આપણાં દેશમાં આવા પણ અખતરા થાય છે ખરા.
આ બધી સલાહ સાંભળી મને વિધ્યાગૌરી નિલકંઠનો પરોપકારી મનુષ્ય નિબંધ યાદ આવી ગયો જેમાં લેખકને આંજળી થાય છે લોકો તેમને જાત જાતની સલાહ આપે છે અને આંખ પરની એ સામાન્ય આંજળી લોકોની સલાહના પરોકારથી મોટો આંજળો બની જાય છે. મે પણ ત્યારે સમયસૂચકતા વાપરી લોકોના પરોપકારી સ્વભાવને તિલાંજલિ આપવાનું નક્કી કર્યું અને કાથો લેવાની સલાહ પણ માંડી વાળી અને વગર સલાહ ઘરે પાછો ફર્યો.
આપણે સલાહ આપવામાં કોઈ જ પ્રકારની ડિગ્રી કે ભણતર આવશ્યક છે જ નહીં, બસ થોડું ઘણું આજુ બાજુની પંચાત સાંભળીને ડૉક્ટરેટ વ્યક્તિને પણ સલાહ આપી શકાય છે. આપણે તો મહાન ક્રિકેટર સચિનને પણ સલાહ આપવામાં ચુકતા નથી, જો એ સદી ફટકારે તો સારી સલાહ આપીએ કે સચિન એ સચિન એની જેવો ક્રિકેટર દુનિયામાં કોઈ નથી અને જો એ જ સચિન શૂન્ય પર આઉટ થઈ જાય તો, આને રમતા જ નથી આવડતું, આમ કાઇ શૉટ મરાતો હશે, હમેશાં ઓફસાઇડના બોલ પર આઉટ થાય છતાં પણ હાથે કરીને એ બોલ રમવો જ હોય. આ સલાહ એ લોકો આપે જે પોતાની શેરીમાં કપડાં ધોવાના ધોકાથી ક્રિકેટ રમતા હોય.
ક્રિકેટ છોડો સાહેબ આપણે તો પ્રધાનમંત્રી ને પણ સલાહ આપી શકીએ એટલા સક્ષમ છીએ, મોદીએ આમ કરવું જોઈએ, મોદીએ ફલાણું કરવું જોઈએ, મોદીને તો કયા કાઇ ખબર જ પડે છે એને તો બસ વિદેશમાં ફરવું જ છે અને ઘડીએ ઘડીએ ભાઈઓ બહેનો ભાઈઓ બહેનો બોલતા રહેવું છે. આ લોકો પ્રધાનમંત્રીને સલાહ આપતા હોય અને આવા જ લોકોના છોકરા એનું ના માનતા હોય. માનતા માની માનીને છોકરા કર્યા હોય અને એ જ માનતાના છોકરા હવે એનું ના માનતા હોય એટલે નિકળી પડે સલાહ વેચવા.
માન્યું કે વાત વાતમાં સલાહ આપવી એક માણસનો સ્વાભાવિક સ્વભાવ છે પરંતુ કયા અને ક્યારે શું બોલવું એ પણ સમજવું જરૂરી છે. વધારે હું કાઇ લખીશ તો એ પણ સલાહ જ લાગશે એટલે ભગવાન તમને આવી બિમારીથી બને એટલા દૂર રાખે એવી પ્રાર્થના.
સુનિલ ગોહિલ ‘માસ્તર’
Related