કરસન કાકા નમસ્કાર કરીને બિલ્ડીંગમાંથી બહાર જવા માટે પાછા ફરીને ચાલવા લાગ્યા. લિફ્ટ આવી ગઈ,માનસી લીફ્ટમાં દાખલ થઈ.નંબર છ દબાવ્યો. માનસીએ હાથમાંના બન્ને એન્વેલપ જોયા.મોટું એન્વેલપ કોઈ કંપનીમાંથી હતું.શેર સર્ટિફિકેટ હશે,તેણે ધારી લીધું.અનિકેત દર થોડાક મહિને શેરમાં પૈસા રોકતો.અનિકેત,એક કમાવવા વાળો અને ખાવા વાળા છ લોકો. ચાર શહેરમાં અને બે ગામમાં.અનિકેતના માતાપિતા ગામમાં રહેતા હતા. અનિકેત દર મહિને ઘરખર્ચ માટે પૈસા બા બાપૂજી ને મોકલતો.
બીજુ નાનું એન્વેલપ સસરાનો કાગળ હતો.આમ તો ફોન ઉપર વાત થતી જ હોય.માનસીના સસરા ચિવટ વાળા.કોઈ વાત વિગતવાર કરવાની હોય અથવા ઘરખર્ચ વિષે જણાવવું હોય તો પત્ર લખતાં. માનસી ફલેટમાં દાખલ થઈ,બન્ને એન્વેલપ ડાઇનિંગ ટેબલ પર મૂકયા.
અનિકેત બેડરૂમમાં હતો.માનસી રસોડામાં થી કોફી અને નાસ્તો લઈને સીટીંગ રૂમમાં આવી.જોયું તો અનિકેત ડાઇનિંગ ટેબલ પર બેસીને કાગળ વાંચતો હતો. માનસી એ સાહજિક રીતે પૂછયું
“શું લખે છે?”
અનિકેત નાસ્તો કરતાં કરતાં જવાબ આપ્યો
“ખાસ કંઈ નહીં” એટલું બોલીને પત્ર બંધ કરી દીધો.
માનસીએ ક્ષણભર અનિકેત સામે જોયા કર્યુ પણ અનિકેત આગળ કંઈ બોલ્યો નહી.થોડુંક અચરજ થયું,વધારે લક્ષ આપ્યા વગર માનસી પણ ચા નાસ્તો કરવામાં પરોવાઈ ગઈ.
અનિકેત સ્વભાવે મીતભાષી.કામ પૂરતી જ વાત.આટલા વરસોમાં માનસી પણ ટેવાઈ ગઈ હતી.
પોતાની બ્રીફકેસ લઈ તે દરવાજા તરફ ચાલવા લાગ્યો.માનસી પણ રોજની જેમ તેની પાછળ આવજો કહેવા ગઈ.
અનિકેત માનસીને આછુ આલિંગન આપી ગાલ ઉપર હળવું ચુંબન કરીને “સાંજે મળ્યા” કહીને વિદાય લીધી.
માનસી પાછી ડાઇનિંગ ટેબલ પર પોતાની કોફી પૂરી કરવા બેઠી.
માનસીના લગ્નને પંદર વર્ષ પૂરા થયા હતા.રોજ સવારના આ જ રૂટિન રહેતી
અનિકેત સ્વભાવે શાંત અને સરળ. સાદગીમય જીંદગી જીવવા ઉપર ભાર મૂકતો.તે હંમેશાં કહેતો, ‘મને મારી ફરજો યાદ રાખવી છે,અધિકાર નહીં’ તેની આ વાતથી માનસી વધુ તરબોળ થઈ જતી. માનસીનું ધ્યાન સસરાના કાગળ ઉપર ગયું.અનાયાસે જ તેણે કાગળ હાથમાં લીધો.એન્વેલપ ઉપર નામ અનિકેત નું હતું.સ્વાભાવિક છે પણ કાગળ હંમેશાં અનિકેત અને માનસી બન્નેને સંબોધીને જ લખાયેલો હોય.
માનસી માનતી કે પતિપત્ની એ ખુલ્લા પુસ્તકની જેમ જીવન જીવવું જોઈએ. અનિકેત પણ એ વાત સાથે સહમત હતો.આમ પણ સવારે અનિકેત કામે જવાની ઉતાવળમાં હોય એટલે ટપાલ જોવાની જવાબદારી એણે માનસીના ઉપર ઢોળી દીધી હતી.સાંજે માનસી રિપોર્ટ આપે એટલે સાહેબ જરૂરિયાતના આધારે વાંચે.
(ક્રમશ:)