માનસી ઘરમાં એકલી હતી.સવારના લગભગ અગ્યાર થઈ રહ્યા હતા. માનસીને કોઈ કામ ઉકલતુ નહોતું.એક રૂમમાં થી બીજા રૂમમાં આંટાફેરા મારી રહી હતી.કંઈ સૂઝતું નહોતું.મનમાં ગ્લાનિ છવાઈ ગઈ હતી.સમજાય નહીં એવી મુંઝવણ થઈ રહી હતી.
આજે સવારે ઉઠીને રોજની જેમ જ અનિકેત અને બાળકો માટે બપોરના જમવા માટે ના ડબ્બાઓ તૈયાર કર્યા.બાળકોને નાસ્તો કરાવ્યો.
નિશાળે જવા માટે ઓટો આવે એ પહેલાં જ બાળકો બહાર તૈયાર રહે એવો માનસી નો આગ્રહ.બાળકો પણ હંમેશાં સમય પહેલાં જ તૈયાર થઈ જતાં. આ બાબતમાં માનસી ખૂબજ ભાગ્યશાળી હતી.પોતાના બાળકોને સમયસર લંચ બૉક્સ સાથે શાળાએ મોકલવા માટે તેને ગર્વ હતો.
માનસી ના ઘરનું સવારનું વાતાવરણ શાંત અને અહલાદક રહેતું.સવારના ઘરનાં ચારે સભ્યો કાર્યલક્ષી.
‘ગુડ મોર્નિંગ’,’ઉંઘ સારી આવી”હેવ અ નાઇસ ડે’ જેવા હળવા મધુર વાકયો ઘરમાં ગૂંજે.
બાળકો ને ઓટો માં બેસાડીને માનસી બિલ્ડીંગ ના કંપાઉન્ડમાં દાખલ થઈ.
માનસી ની જેમ બીજી મમ્મીઓ પણ પોતાના બાળકોને મૂકવા આવતી જતી હતી.માત્ર સ્મિતની આપ લે થાય.મોટા શહેરોમાં સમયનો અભાવ,ખાસ કરીને સવારે.
માનસી પણ પાછા ફલેટમાં જવા માટે ઉતાવળમાં હતી.અનિકેત રાહ જોતો હશે. જોકે રાહ જોવી અનિકેત ના સ્વભાવ વિરુદ્ધ. આમ પણ માનસી પહેલાં ઉઠે એટલે સામાન્ય રીતે રાહ જોવાની માનસી ના ભાગમાં આવે,અને તે તેને ગમે પણ ખરું.
બિલ્ડીંગના છઠ્ઠા માળે આવેલ પોતાના ફલેટમાં પહોંચવા તે લિફ્ટ તરફ વળી.લીફ્ટ ને નીચે બોલાવવા માટે બટન દબાવ્યું ત્યાં પાછળથી અવાજ સંભળાયો.
“નમસ્તે બેન”
પાછળ ફરીને જોયું તો બિલ્ડીંગના લોકોને પોતાનાઓ સાથે સંપર્કમાં રાખવાની સેવા આપતા કરસન કાકા.જયારથી માનસી આ બિલ્ડીંગમાં રહેવા આવી ત્યાર થી કરસન કાકા ને ઓળખતી.જોકે હવે કાકા ઓછા દેખાતા હતા.
પ્રગતિશીલ સમયની સાથે લોકોની રીતભાત અને જરૂરિયાતો પણ બદલાઈ છે.તેમ છતાં અમુક લોકોને હજુ પણ કાગળ લખવાનું ગમે છે.જેમ કે માનસીના સસરા.
માનસીએ કરસન કાકાને વળતા નમસ્કાર કર્યા અને પૂછ્યું
“કેમ છો કાકા? ધણા વખતે દેખાયા?”
કાકાએ જવાબ આપ્યો
“મજા માં બેન,આ ડિજીટલ જમાના માં પાર્સલ ડિલીવરી જ કરવાની હોય છે.તે કામ પણ હવે તો યુવાનો પાર્ટ ટાઈમ તરીકે કરવા લાગ્યા છે.અમારા જેવા જૂજ ટપાલીઓ ટકી રહયા છે.ખબર નથી કેટલો વખત?”
એમના અવાજમાં છૂપાયેલા હતાશાના સૂર ને માનસી અનુભવી શકી. ડિજીટલ યુગમાં સમાજને અગણિત સુવિધા મળી છે પણ કરસન કાકા જેવા લોકો માટે દુવિધા પણ ઉભી થઈ છે.
તેમને સાંત્વન આપવા માટે માનસી પાસે શબ્દો નહોતાં.
માનસી એ આછા સ્મિત સાથે પૂછયું “અમારા માટે કોઈ ટપાલ છે?”
કરસન કાકાએ પોતાના હાથમાં ની નાની એવી થપ્પીમાં થી એક મોટું અને એક નાનું એનવેલપ માનસીના હાથમાં મૂકયાં.માનસીએ એમનો આભાર માનયો.