મને, શ્યામ! તારું રટણ શ્રેષ્ઠ લાગ્યું,
મનોમન થનારું સ્મરણ શ્રેષ્ઠ લાગ્યું..
દવા છે પવન – તારા પરથી ગુજરતો,
નથી અન્ય વાતાવરણ શ્રેષ્ઠ લાગ્યું..
જવું છે ખૂંપી ક્યાંક તારી સમીપે,
મને ગોમતીનું કળણ શ્રેષ્ઠ લાગ્યું..
મધુર વાંસળી સૌ પ્રથમ માણનારું,
– એ ગોકુળની ગાયોનું ધણ શ્રેષ્ઠ લાગ્યું..
ભલે સંસ્કૃતિ કાજ ગોકુળ ત્યજ્યું તેં,
મને તોય ના એ વલણ શ્રેષ્ઠ લાગ્યું..
હજીયે ચરણરજ પડી છે જ્યાં તારી,
કુરુક્ષેત્રનું એય રણ શ્રેષ્ઠ લાગ્યું..
બીજે ક્યાંય શાંતિ, ‘ધીરજ’ ના જણાયાં,
મને ફક્ત તારું શરણ શ્રેષ્ઠ લાગ્યું..
✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા