સ્વાધ્યાય પરિવારના પ્રણેતા, યુગઋષિ, પૂજ્ય દાદા-પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી નો જન્મ આજથી સો વર્ષ પહેલા થયો. 19 ઓક્ટોબર 1920 ના જન્મેલાં આ મહામાનવે એક બહોળા પરિવારનું સર્જન કર્યું છે. અને તેને સ્વાધ્યાય પરિવાર એવું નામકરણ કર્યું છે.
આજના યુગમાં જ્યારે લોકોનું ભાગદોડ ભર્યું જીવન થઈ ગયું છે, ત્યારે માણસ વેદ શાસ્ત્રોનું અધ્યયન, ત્રિકાળ સંધ્યા, તેમજ ‘વસુધૈવ કુટુંબકમ્’ ની ભાવના ભૂલી ગયો છે. ત્યારે આ મહામાનવે એક એવી વિચારધારા નું સર્જન કર્યું કે માણસો ગીતાજી ના પાઠ કરતા થઈ ગયા. ત્રિકાળ સંધ્યા કરતા થઈ ગયા અને ધાર્મિક વિચારોનું આદાન-પ્રદાન કરતા થઈ ગયા.
સૌપ્રથમ તેણે માણસે માણસે મળવાનું શરૂ કર્યુ. શ્રીમદ ભગવદગીતા, વેદ ઉપનિષદ અને અન્ય ઘણા સ્તોત્ર અને મંત્ર સરળ ભાષામાં સમજાવવા ની શરૂઆત કરી. બાળકોથી માંડીને મોટાઓ માટેની અલગ-અલગ બેઠકો યોજી અઠવાડિયે એક કલાક સાથે મળીને આ વેદ વિચારોની વહેંચણી કરવાનો પ્રયોગ આપ્યો. બાલ સંસ્કાર કેન્દ્ર બાળકો માટે, યુવા કેન્દ્ર તરુણો માટે, ડીબીટી કેન્દ્ર ગ્રેજ્યુએટ માટે, મહિલા કેન્દ્ર બહેનો માટે તથા ભાઈઓ માટે પણ કેન્દ્ર.
અઠવાડિયે એક કલાક માટેની આ વૈચારિક બેઠક માટે તેમણે ભાવ ફેરી અને ભક્તિફેરી કરી.લોકોને મળીને પરિવારના આ કેન્દ્રમાં આવવા સમજાવ્યું. જોડાયા પછી આ પરિવારથી કોઈ છૂટા પડયા નથી. જાતિ ભેદભાવ વગર માણસને ઇશ્વરનો અંશ હોવાની સમજણ આપી.
એવું કહેવાય છે કે, જીવનમાં એકવાર યાત્રા કરવી જોઈએ. પૂજ્ય દાદા એ તીર્થયાત્રા નો પ્રયોગ આપેલો છે. પોતાના ખર્ચે હજારો ભાઈ-બહેનો બીજા ગામ કે શહેર જઈને ત્યાંના લોકોને મળે છે અને આ વૈચારિક બેઠકમાં ભાગ લઈ ને જીવન સમૃદ્ધ બનાવવાની પ્રેરણા આપે છે.
મંદિર બાંધવા માટે પૂજ્ય દાદા એ આપેલો વૃક્ષ મંદિરનો વિચાર તો અતિ સુંદર છે. સ્વેચ્છાએ અર્પણ કરેલી જમીન માં, સ્વખર્ચેઆવનારા, સ્વયંસેવકોની શ્રમ ભક્તિથી નિર્માણ થાય છે આ વૃક્ષ મંદિર..
પૂજ્ય દાદા એ આપણી વચ્ચેથી વિદાય લીધી તે પહેલા તો લાખો ભાઈ-બહેનો ધરાવતો બહોળો સ્વાધ્યાય પરિવાર સજ્જ થઈ ગયો હતો
” વેદ વિચારો સૌને કહેજે, જીવન એવું જીવતો રહેજે; સંઘર્ષોની સામે લડજે રાખીને તું સ્થિર મતી, ગીતામાં પ્રભુ વચન બધા છે નમે ભક્ત પ્રણશયતિ…”
આવી સુંદર વિચાર ધારા પરિવારજનોએ જાળવી રાખી છેઃ
તેમની વિદાય બાદ તેમનું આ કાર્ય તેમના સુપુત્રી જયશ્રી દીદી સંભાળી રહ્યા છે. સાથે લાખો પરિવારજનો નિયમિત રીતે ત્રિકાળ સંધ્યા, કુટુંબ પ્રાર્થના તેમજ ભાવફેરી, ભક્તિ ફેરી અને શ્રમ ભક્તિ કરી આત્મગૌરવભેર જીવન માણી રહ્યા છે.
કરોડો લોકોને જીવન દ્રષ્ટિ પ્રદાન કરનારા, નવયુગ સર્જક અને માનવ ગૌરવ પ્રદાન કરનારા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી ને તેમની જન્મ શતાબ્દી પર શત શત નમન.
અસ્તુ
Related