મનુષ્યજીવનને સાર્થક ધન્ય અને ખુશહાલ કરતા મુખ્ય ચાર સ્મરણ કયા?
પ્રબળ પુરુષાર્થ દ્વારા જીવ, જગત અને જગદીશને તેના યથાર્થ સ્વરૂપમાં ઓળખવા માટે અતિ વિકસિત શરીર ઇન્દ્રિયો અને તેનાથી વધુ વિકસિત મનની આવશ્યકતા છે, જે ઈશ્વરે માત્ર મનુષ્યને આપ્યું છે. જેની યોગ્ય સહાયથી મનુષ્ય આ જગતના વાસ્તવિક સ્વરૂપને જોઈ સમજી અને અનુભવી શકે છે અને એ દ્વારા જીવન મરણ તેમજ ઈશ્વરને ઓળખી અને પામી શકે છે. દરેક મનુષ્યનું વર્તમાન સાંસારિક જીવન વાસ્તવમાં સંસારના સાચા સ્વરૂપને ઓળખવા માટે જ છે અને કોઈપણ બાબતની સાચી ઓળખ માટે તેની નિકટતા આવશ્યક છે એટલા માટે જ જીવ ૮૪ લાખ ફેરા ફરે છે અને તે દ્વારા સંસારના વાસ્તવિક સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરે છે. આ ઉદેશ્યની પ્રાપ્તિ માટે મનુષ્યયોનિને તમામ યોનિમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે કેમ કે વિકસિત મનને કારણે જેટલી અનુભૂતિ જગત, જીવન અને જગદીશની મનુષ્યયોનીમાં થઈ શકે છે તેટલી બીજી કોઈ યોનિમાં શક્ય નથી. એ દ્રષ્ટિએ આ માનવદેહ આશીર્વાદરૂપ છે. ક્ષણભંગુર હોવા છતાં ખૂબ અગત્યનો છે. પરમાત્મા દ્વારા મળેલા આવા આશીર્વાદરૂપ શરીરનો યથાર્થ ઉપયોગ યોગ્ય સમય દરમ્યાન કરી લેવો જોઈએ.
આત્માને ઓળખવા અને આધ્યાત્મિક જીવનની પ્રાપ્તિ કરવા સિવાય વિશેષ બીજું કોઈ પ્રયોજન આ યોનિનું નથી અને એ અર્થમાં જ મનુષ્યયોનિને શ્રેષ્ઠ માનવામાં આવી છે. અનેક ખામીઓથી ભરેલ અને અપૂર્ણ એવી આ દુનિયાનું સર્જન જ પ્રભુએ તેના બાળકો (મનુષ્ય) તેને યથાર્થ રીતે ઓળખી શકે તે માટે કર્યું છે. પરંતુ આ માયા (ઈશ્વરની રચના) ભૂલભુલામણી જેવી હોવાને કારણે આપણે ભટકી ગયા છીએ અને અજ્ઞાનવશ ઉદ્દેશ્યને પણ ભૂલી ગયા છીએ. એટલા માટે જ કદાચ જીવનમાં ડગલે ને પગલે પ્રભુ દુઃખ, પ્રતિકૂળતાઓ અને સમસ્યાઓનું સર્જન કરી આપણને ઉદ્દેશ્ય યાદ કરાવવાનો પ્રયત્ન કરે છે અને જરૂરી ઈશારા સમયે-સમયે આપ્યા કરે છે. જેથી આપણે આ ભુલભુલામણીમાંથી સાચો માર્ગ શોધી શકીએ. સંસારના સાચા સ્વરૂપને ઓળખવા, સ્વની ઓળખાણ કરવા અને પરમાત્માને પામવા માટેના હેતુસર ઈશ્વરે બનાવેલા આ મોહક માયામય અને ભુલભુલામણી જેવા સંસારને ઓળંગવા માટે ચાર પ્રકારના સ્મરણની આવશ્યકતા છે.
૧) સંસારના દુઃખોનું સતત સ્મરણ
આપણા સૌનો એ અનુભવ હશે જ કે જીવનમાં મુશ્કેલીઓનો કોઈ પાર નથી, એકમાંથી બચો ત્યાં બીજી આવી જાય છે. સમગ્ર સંસાર આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરેલો છે. જીવનપર્યંત જીવ અનેક દુઃખો સાથે જોડાયેલો રહે છે. પળેપળ અનેક પીડા, વેદના, પ્રતિકૂળતાઓ અને સમસ્યાઓનો સામનો કરે છે જેમ કે આધિ એટલે આત્મા સાથે જોડાયેલ તકલીફો, વ્યાધિ એટલે અનેક પ્રકારના રોગો અને બીમારીઓ જે શરીર સાથે હરહમેશ જોડાયેલી રહે છે અને ઉપાધિ એટલે સ્વભાવગત અને પ્રકૃતિગત માનસિક સમસ્યાઓ. જીવનમાં સતત કોઈ ને કોઈ શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓ આવ્યા જ કરતી હોય છે કેમ કે આ સંસારની એ જ ખાસિયત છે કે તે મુશ્કેલીઓ સમસ્યાઓ અને વેદનાઓથી ખીચોખીચ ભરેલો છે. છતાં આ સંસારનો મોહ છૂટતો નથી. આપણું અજ્ઞાન એ હાઈટનું છે કે આપણે સંસારની વાસ્તવિકતાને ક્ષણે-ક્ષણે જોવા છતાં, અનુભવવા છતાં સમજી શકતા નથી અને વધુને વધુ પીડાનું સર્જન કરતાં જ રહીએ છીએ, તડપીએ છીએ ક્યારેક છૂટવાની કોશિષ કરીએ છીએ પરંતુ છૂટી શકતા નથી. જેની પાછળ માયા જવાબદાર છે, માયા ત્રણ પ્રકારની હોય છે ૧) સ્વજનમોહિત- સગાસંબંધીઑ પ્રત્યેનો મોહ ૨) સ્વમોહિતા – એટલે પોતાની જાતનો મોહ, શરીર સાથેની આસક્તિ જે કળિયુગમાં વિશેષ છે ૩) વિમુખજનમોહિતા – એટલે પારકા માટેનો દ્વેષ કે અણગમો. આ સંસાર અનેક તાપોથી ભરેલો છે. જેનાથી દરેક ક્ષણે આપણે દાજીએ છીએ છતાં ઠંડા મલમની શોધમાં અવિરત ભટકીયે છીએ. મલમ મળ્યા પછી વળી વારંવાર તેનો આનંદ લેવા ફરી ફરી દાજીએ છીએ એટલે કે એક વાર ઠોકર ખાધા પછી પણ સુધરતા નથી. વારંવારના અનેક શારીરિક, માનસિક, આર્થિક સામાજિક કડવા અનુભવો પછી પણ હજુ કદાચ કંઈક સારું થશે એવી આશા સાથે કિસ્મતને કોસતા-કોસતા ફરી એની એ જ ભૂલ કર્યા કરીએ છીએ. સંસાર અનેક તાપોથી ભરેલો છે, દુઃખોનો ખજાનો છે તે જાણીએ સમજીએ અનુભવીએ અને તેમાંથી છૂટવાની ઈચ્છા કરીએ, તે અંગે સક્રિય બનીએ તો કદાચ સંસાર પ્રત્યે વૈરાગ્ય પેદા થાય અને જીવ, જીવન, જગત અને જગદીશના સાચા સ્વરૂપને ઓળખી દરેક આપત્તિ અને તકલીફોમાંથી મુક્તિ મેળવી શકીએ.
૨) મૃત્યુનું અવિરત સ્મરણ
મૃત્યુના સ્મરણથી પાપ છૂટે છે. એ તો સર્વવિદિત છે કે મૃત્યુ નિશ્ચિત છે કોઈ અમરપટ્ટો લઈને જન્મ્યું નથી છતાં આપણને જીવનભર મૃત્યુનું વિસ્મરણ જ રહે છે એ સૌથી મોટી કમનશીબી છે. કોઈને મરતા જોઈને પણ આપણને એવું નથી થતું કે સુધરી જઈએ કેમકે આજે કોઈકનો વારો છે તો કાલે આપણો વારો પણ આવશે. કાળની થપ્પડો પડવા માંડે એટલે કે વાળ સફેદ થાય, હાથ-પગની શક્તિ હણાઇ જાય, શરીરના અવયવો ધીરે-ધીરે બગડવા માંડે છતાં આપણને જીવનનો મોહ જતો નથી. પદ, પૈસો, પ્રતિષ્ઠા વગેરે છૂટતા નથી. સ્વાદ પર નિયંત્રણ આવતું નથી. ઊલટાની ઇન્દ્રિયો વધુને વધુ બેફામ બનતી જાય છે અને જીવનને અતિશય પીડાયુક્ત કરી મૂકે છે. જન્મથી જ જો સતત અવિરત દરેક ક્ષણે મૃત્યુનું સ્મરણ રહે તો અયોગ્ય અને અનૈતિક કાર્યોથી છુટકારો શક્ય અને સરળ બને. આપણે સૌ જાણીએ છીએ કે જન્મ સાથે લેવાતો દરેક શ્વાસ આપણને મૃત્યુની નજીક લઈ જઈ રહ્યો છે. બધું જ જાણતા હોવા છતાં આપણે મૂઢની જેમ જીવન જીવીએ છીએ અને અંતે પસ્તાઈએ છીએ. ભાગવત પુરાણની એક કથા છે કે એક સંતે પાપી માણસને કીધું કે તારું મોત સાત દિવસ પછી છે અને તે પાપી માણસે એ સાત દિવસ દરમ્યાન તમામ શારીરિક-માનસિક વાચિક પાપોથી તોબા કરી લીધી અને શક્ય એટલું ઈશ્વરસ્મરણ તેમ જ સદાચરણ તરફ ધ્યાન આપ્યું. અહી સમજવાની વાત એ છે કે આપણને તો એ પણ ખબર નથી કે આપણી પાસે સાત દિવસ પણ વાસ્તવમાં છે કે નહીં. તો પછી કયા ભ્રમમાં, કઈ અબોધ અવસ્થામાં અને આજ્ઞાનવશ આપણે જીવીએ છીએ એ જ સમજાતું નથી અને ન કરવાના કર્મો કર્યા જ કરીએ છીએ. મૃત્યુનું સતત સ્મરણ વ્યક્તિને તેના જીવનની ક્ષણભંગુરતાનો અહેસાસ કરાવે છે જેથી તે તેનો અલ્ટીમેટ ઉદ્દેશ્ય ભૂલે નહીં અને માયાસભર સંસારમાં ભટકી ન જાય. જીવનને સાર્થક કરવા મૃત્યુનું સતત સ્મરણ આશીર્વાદરૂપ છે.

૩) સંતો અને તેમના જીવનનું સ્મરણ
સંતોનો જીવનબોધ વ્યક્તિને નૈતિક બનવાની પ્રેરણા પૂરી પાડે છે. જીવન જીવવાની રીત શીખવાડે છે. સંત એટલે સજ્જન માણસ. દુર્ગુણોમુક્ત વ્યક્તિ સંત કહેવાય, જે દરેકમાં ઈશ્વરના દર્શન કરે, કોઈના માટે તેને રાગ કે દ્વેષ ન હોય. સંતો વિષયાનંદ આપતા નથી ભજનાનંદ અને બ્રહ્માનંદ આપે છે. જ્ઞાની, વૈરાગી અને ભક્તિથી પરિપૂર્ણ માણસ એ જ સાચો સંત. સંતોના જીવનચરિત્ર શ્રવણથી તેમના જેવા બનવાની ઇચ્છા જાગે છે. સંત સ્વરૂપ ભગવાનના વિવિધ અવતારોની કથા દ્વારા જીવનમાં ઉત્તમની પ્રેરણા મળે છે. જેથી હિન્દુશાસ્ત્રોમાં સંતો અવતારો વગેરેના જીવનચરિત્રની કથાશ્રવણનો મહિમા ગવાયો છે. સંતો અને અવતારોના જીવનની કથા જાણવાથી પ્રભુ માટેનો પ્રેમ વધે છે, વિષયોમાં અરૂચિ પેદા થાય છે, ભોગ છોડવાની ઈચ્છા થાય છે, કરેલા પાપોનો પસ્તાવો થાય છે, સ્વભાવ સુધરે છે અને નવું જીવન શરુ થાય છે. જીવનમાં શ્રદ્ધા વધે છે, વાસનાનો વિનાશ થાય છે, તમામ બંધનો કે પીડામાંથી મુક્તિ મળે છે. સાચા જ્ઞાનનો જીવનમાં પ્રકાશ થાય છે જેના દ્વારા જીવન, જગત અને જગદીશના યથાર્થ સ્વરૂપને ઓળખવામાં સહાય મળે છે. જે દ્વારા મનુષ્યજીવન સાર્થક અને ધન્ય બને છે. આમ સંતોના જીવનચરિત્રનું સતત સ્મરણ મનુષ્ય માટે ઉપકારક છે.
૪) સતત ઈશ્વરસ્મરણ
ઈશ્વર સ્મરણ દ્વારા પરમાત્મામાં સ્થિતિ થાય છે, ઇશ્વરમાં એકાકાર થઈ શકાય છે, સ્થિરતા કે એકાગ્રતા પ્રાપ્ત કરવી શક્ય બને છે, વૈરાગ્ય અને સંયમ કેળવાય છે. આપણે સૌ જાણીએ છીએ કે જન્મ-મરણના ફેરા પાછળ મુખ્યત્વે અજ્ઞાન, અહંકાર અને રાગ-દ્વેષ જવાબદાર છે જે ઈશ્વરસ્મરણથી છૂટે છે. જ્યાં સુધી સંસારના વિષયોમાં રસ છે ત્યાં સુધી સંસારમાં ભટકી જવાનો ભય રહે છે. ઈશ્વરસ્મરણથી જીવન સરળ બને છે અને ભટકી જવાનો ભય રહેતો નથી. દરરોજ અડધો કલાક સંસારને ભૂલી પ્રભુ સાનિધ્યમાં રહેવું આત્મા માટે ઉપકારક છે. સવારથી રાત સુધી જે કોઈ કર્મો આપણે હાથે થાય તે દરેકમાં ઈશ્વરનું અનુસંધાન હોવું જોઈએ. દરેક કર્મમાં ભક્તિ ભેળવવાની વ્યવસ્થા એટલે ઈશ્વરસ્મરણ. ઈશ્વરસ્મરણ એટલે માત્ર યાંત્રિક રટણ નહીં. સ્મરણનો મતલબ છે કંઈ પણ કરતાં પહેલા ઈશ્વરને યાદ કરવા અને દરેક જગ્યાએ ઈશ્વર હયાતિને અનુભવવી, અયોગ્ય કાર્ય કરતાં ડરવું કેમ કે ઈશ્વર આપણને દરેક જગ્યાએ જોઈ રહ્યો છે. ઈશ્વર સ્મરણની વિશેષતા એ છે કે તેના પ્રતાપથી કર્મયોગની અપૂર્ણતા પુરાઈ જાય છે. ઈશ્વરસ્મરણ દ્વારા આપણા એકેએક કાર્યનો ઈશ્વર સાથે સંબંધ જોડાય છે. આપણે જ્યારે આપણા દરેક કાર્યને ઈશ્વર સાથે જોડીયે ત્યારે જીવનમાંથી ચિંતા, રાગ-દ્વેષ વગેરે ખતમ થાય છે. સમગ્ર જીવન દિવ્ય બને છે. શાસ્ત્રો અનુસાર કર્મવિપાકને તોડનારી જો કોઈ પ્રક્રિયા હોય તો તે ઈશ્વરસ્મરણ છે. ઈશ્વરસ્મરણ અંગે અમેરિકામાં થયેલ એક સંશોધન જણાવે છે કે તેના દ્વારા યાદશક્તિમાં, આત્મવિશ્વાસમાં સહનશક્તિમાં અને રોગપ્રતિકારકશક્તિમાં વધારો થાય છે. ઓછા સમય માટે કરેલું ઈશ્વર સ્મરણ પણ અકલ્પનીય ફાયદો કરે છે. તો વિચારો સતત અવિરત શાસ્ત્રોની આજ્ઞા અનુસાર કરેલું પ્રભુસ્મરણ કેટલું લાભદાયી નીવડી શકે? યાદશક્તિ, સહનશક્તિ, આત્મવિશ્વાસ અને રોગપ્રતિકારકશક્તિથી વિશેષ અગત્યનું જીવનમાં બીજું શું હોઈ શકે? કેમ કે તમામ પ્રકારની સફળતાનો આધાર જ આ ચાર ગુણો છે. જીવનમાં સુખ-શાંતિ, સફળતા, સમૃદ્ધિ અને સંરક્ષણ માટેની જો કોઈ પૂર્વશરત હોય તો તે ઈશ્વરસ્મરણ છે.
ઉપર પ્રમાણેના ચાર સ્મરણ મનુષ્યને તેના મૂળભૂત જીવનહેતુનું વિસ્મરણ થતું અટકાવે છે કે દિવ્યશક્તિમાંથી છુટા પડેલ તેણે દિવ્યશક્તિ પ્રાપ્ત કરી ફરી પાછું દિવ્યશક્તિમાં સમાઈ જવાનું છે જેમ સરિતાનું અસ્તિત્વ બે સ્થાને સમાપ્ત થાય છે 1) રણ અને 2) સાગર, એ જ રીતે મનુષ્યનું અસ્તિત્વ પણ બે સ્થાને સમાપ્ત થઈ શકે 1) સંસાર અને 2) પરમાત્મા. સરિતાના અસ્તિત્વને સમાપ્ત કરતાં રણમાં સરિતાએ માત્ર અને માત્ર ગુમાવવાનું છે જ્યારે સાગરમાં સરિતાએ સર્વ સમર્પણ કરીને અનન્યને પ્રાપ્ત કરવાનું છે. આમ રણ સરિતાના અસ્તિત્વને ખતમ કરે છે જ્યારે સાગર સરિતાને પરાકાષ્ઠા પર લઇ જાય છે. મનુષ્યનું મૃત્યુ પણ રણ જેવું છે જેમાં મેળવવાનું કંઈ જ નથી પરંતુ ગુમાવવાનું પાર વિનાનું છે. જ્યારે પરમાત્માને શરણે જવાથી ગુમાવવાનું કાંઈ જ નથી પરંતુ મેળવવાનું પાર વિનાનું છે. આવી સજાગતા કે જાગૃતતા ઉપર પ્રમાણેના ચાર સ્મરણ દ્વારા શક્ય બને છે. તો આવો આ ચાર ઉત્તમ સ્મરણ દ્વારા પરમાત્મા કે દિવ્યશક્તિને પ્રાપ્ત કરી જીવનને ધન્ય અને સાર્થક કરીએ. સંસારના દુખોનું સ્મરણ, મરણનું સ્મરણ, સંતોના જીવનચરિત્રનું સ્મરણ અને ઈશ્વરસ્મરણ આ ચાર સ્મરણનો સાથ જીવનમાં છોડવો સલાહભરેલ નથી.
~ શિલ્પા શાહ, પ્રોફેસર HKBBA કોલેજ