માનવજીવનનો મુખ્ય ઉદ્દેશ શું હોઈ શકે? તેનું ધરતી પરનું આગમન શું પ્રવૃત્તિ કરવા માટે છે? તેના જીવનમૂલ્યો કેવા હોવા જોઈએ? તેની સમજ હિન્દુધર્મમાં ચાર પુરુષાર્થ દ્વારા દર્શાવવામાં આવી છે. મનુષ્યે શું મેળવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ તે અંગે ચાર મુખ્ય બાબતો તરફ શાસ્ત્રોએ ધ્યાન દોર્યું છે. મનુષ્યજીવનના ચાર મુખ્ય પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જેની સમજ ઉત્તમ જીવન અર્થે અતિ આવશ્યક છે. આપણે બધા ચાર પુરુષાર્થ અંગે તો જાણીએ છીએ પરંતુ તે મેળવાય કેવી રીતે તેનું યથાર્થ જ્ઞાન કદાચ આપણી પાસે નથી. તો આવો આજે તે અંગે માહિતગાર બનીએ.
૧) ધર્મ – ધર્મ એટલે નીતિ અને સદાચાર. જે મનુષ્યજીવનમાં અગ્રસ્થાને છે. ધર્મ એટલે આચારધર્મ અને ઈશ્વરનિષ્ઠા જે વગર મનુષ્ય જીવનમાં શાંતિ શક્ય નથી. ધર્મ એટલે અમુક ચોક્કસ પ્રકારના કર્મો કરવાની આજ્ઞા કે નિયમો જે પ્રમાણે વર્તવાથી મનુષ્ય સર્વ કઈ ઉત્તમ મેળવી શકે છે. અર્થ અને કામની પ્રાપ્તિ પણ ધર્મની મર્યાદામાં રહીને જ થવી જોઈએ, નહીં તો અર્થ કે કામ પણ વિનાશનું કારણ બની શકે. મનુષ્યજીવનના પ્રથમ પુરુષાર્થ ધર્મની પ્રાપ્તિ માટે સાત પ્રકારની શુદ્ધિ આવશ્યક છે. આ સાતેય શુદ્ધિ દ્વારા જ ધર્મ સિદ્ધ થઈ શકે એટલે કે પ્રથમ પુરુષાર્થપ્રાપ્તિમાં સફળતા મળી શકે. જે સાત શુદ્ધિ આ પ્રમાણે છે. ૧) દેશશુદ્ધિ – એટલે સ્થળ, સ્થાન અને સમાજની વ્યક્તિ પર ખૂબ ઊંડી અસર પડતી હોય છે. જો આ ત્રણે શુદ્ધ અને પવિત્ર હોય તો વ્યક્તિની શુદ્ધિ સરળ બને છે. ધાર્મિક અને નૈતિક સમાજ કે દેશમાં રહેતી વ્યક્તિ કોઈ વિશેષ પુરુષાર્થ વગર મૂલ્યવાન અને ધર્મિષ્ઠ બની શકે છે ૨) કાલશુદ્ધિ – કાળ એટલે સમય સતયુગથી લઇ કળિયુગ સુધીના સમયની વિશેષતા અલગ-અલગ છે, સતયુગ એક વિધાયક યુગ હતો જે એટલો ઉત્તમ સમય ગણાય છે કે મનુષ્યજીવનના નિત્યધર્મ, આચારધર્મ, વિશેષધર્મ, સાધારણધર્મ વગેરે આપમેળે શક્ય બને છે. 3) મંત્રશુદ્ધિ – ધર્મની પ્રાપ્તિ યથાર્થ મંત્રશક્તિ દ્વારા સરળ બનતી હોય છે. એવા અનેક વેદમંત્રો માટે ચોક્કસ પ્રકારની લાયકાત અને શુદ્ધિની અનિવાર્યતા રહે છે. 4) દેહશુદ્ધિ – શરીરશુદ્ધિ બે પ્રકારની હોય છે, આંતરિકશુદ્ધિ અને બાહ્યશુદ્ધિ. બાહ્યશુદ્ધિ સ્નાન અને સાત્વિક આહાર પર આધાર રાખે છે જયારે આંતરિકશુદ્ધિનો આધાર સદાચરણ, સત્સંગ અને હકારાત્મકતા પર રહેલો છે ૫) વિચારશુદ્ધિ – એ એક પ્રકારની મનની શુદ્ધિ જ છે જેનો આધાર પવિત્રતા અને સંસ્કરો પર રહેલો છે ૬) ઇન્દ્રિયશુદ્ધિ – મનુષ્યની પાંચ ઇન્દ્રિયો અને તેના પાંચ વિષયો પર કાબૂ કષાયનિયત્રણ દ્વારા શક્ય બને, મનુષ્યજીવનના મુખ્ય કષાયો જેવા કે કામ, ક્રોધ, લોભ, અહંકાર, ઈર્ષા, સ્વાર્થ વગેરેને કારણે ઇન્દ્રિય શુદ્ધિ શક્ય બનતી નથી. ૭) દ્રવ્યશુદ્ધિ – એટલે ધનશુદ્ધિ, અનીતિનો પૈસો ધર્મપ્રાપ્તિમાં બાધક છે. અશુદ્ધ દ્રવ્ય જીવનમાં સુખ શાંતિનો શ્વાસ મનુષ્યને કદી લેવા દેતો નથી. વળી અનીતિનો પૈસો અવળા માર્ગે જ જતો હોય છે જેના દ્વારા પાપની યાત્રા ઝડપી બને છે. દાન અને ત્યાગ દ્રવ્ય શુદ્ધિ માટે જરૂરી છે. શાસ્ત્રો અનુસાર દાનથી દ્રવ્ય શુદ્ધિ થાય છે. ટૂંકમાં સાત પ્રકારની શુદ્ધિ વગર ધર્મની પ્રાપ્તિ જીવનમાં શક્ય નથી. વળી જેના જીવનમાં ધર્મ નથી તેને અર્થ, કામ કે મોક્ષ મળવો મુશ્કેલ છે.
૨) અર્થ – અર્થ એટલે પૈસો કે ધન. જે કમાવું અતિ આવશ્યક છે કેમ કે જીવનના દરેક કાર્યમાં દ્રવ્યની જરૂરિયાત રહે છે, અરે ધર્મકાર્ય કરવું હોય તો પણ ધન આવશ્યક છે. જેથી ધનનો ત્યાગ કરવાની જરૂર નથી. તે મેળવવું એ દરેક મનુષ્યનો હક છે અને ફરજ પણ, પરંતુ ધન ધર્મની મર્યાદામાં રહી કમાવું જોઈએ. ધનની લાલસા કે તૃષ્ણા યોગ્ય નથી એટલે કે ધર્મને ભૂલી ધન કમાવવાની ઘેલછા એ અધર્મ છે, જે અનેક અનર્થ સર્જે છે . આવો અધર્મ કળિયુગમાં ફૂલ્યો-ફળ્યો છે કેમ કે કળિયુગમાં જે ભ્રષ્ટાચાર પાંગર્યો છે તેના મૂળમાં ધર્મની ગેરહાજરી જવાબદાર છે. મનુષ્યજીવનના દ્વિતીય પુરુષાર્થ અર્થપ્રાપ્તિ પાંચ સાધન દ્વારા શક્ય બને છે, એવું ભાગવતપુરાણનું વિધાન છે. ૧) માતા-પિતાના આશીર્વાદ ૨) ગુરુકૃપા ૩) ઉદ્યમ કે પુરુષાર્થ ૪) પ્રારબ્ધ ૫) પ્રભુકૃપા. કળીયુગનો માણસ સતત, અવિરત ધન એકત્ર કરવા દિવસ-રાત એક કરી રહ્યો છે અને જયારે સફળતા હાથ નથી લાગતી ત્યારે નિરાશ થઇ નાસીપાસ થઇ જાય છે. જો તે અર્થોપાર્જન અંગેનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરે તો એને સમજાય કે આ પાંચ સાધનો દ્વારા જ ધનપ્રાપ્તિ શક્ય બનતી હોય છે. જેથી આ પાંચ સધાનોનો મહત્તાને સમજી, નૈતિક અને મૂલ્યવાન જીવન જીવી વ્યક્તિ સરળતાથી ધ્યેયપ્રાપ્તિ કરી શકે છે. પરંતુ આજનો મનુષ્ય માતાપિતા, ગુરુજન, પ્રારબ્ધ કે પ્રભુકૃપના મહાત્મ્યને સમજ્યા વગર માત્ર પોતાની હોશિયારી અને કુશળતાના જોર પર સર્વસ્વ મેળવવાની કોશિશ કરે છે જેથી મોટેભાગે નિષ્ફળતા જ હાથ લાગે છે.
3) કામ – કામ એટલે માત્ર મૈથુન કે સેક્સની વાત નથી પરંતુ કામ એટલે કામના, ઈચ્છા (સુખની ઈચ્છા) સુખ એ માનવજીવનનો પ્રથમ હક છે. ઈશ્વરે તેને આનંદ અને સુખની પ્રાપ્તિ માટે જ પૃથ્વી પર મોકલ્યો છે. પરંતુ જો તમારી સુખી થવાની ઈચ્છા પાછળ અનેક લોકોનું ખરાબ થતું હોય, અકલ્યાણ થતું હોય અથવા તમને સુખ બીજાને દુઃખ આપીને જ મળતું હોય તો તેવી કામનાઓનો ત્યાગ કરવો જરૂરી છે. નહીં તો કોઈને તમે દુઃખી કરશો તેમ અન્ય તમને દુઃખી કરશે અને આ રીતે જગત આખું દુઃખી થશે, સુખ અને આનંદ માટે તડપશે. દરેકે એવી કામના રાખવી જરૂરી છે કે સુખ સહયોગમાં જ છે, અન્યને સુખી કરીને જ વ્યક્તિ સુખી થઈ શકે. કેમ કે પ્રકૃતિના દરેક તત્વો એકબીજા સાથે જોડાયેલા છે તેઓ એકલા કદી સુખી થઈ શકે જ નહીં. મનુષ્યજીવનના તૃતીય પુરુષાર્થ કામની પ્રાપ્તિ એટલે કે કામના કે ઈચ્છાપૂર્તિ માટે કામના સ્થાન અંગેની માહિતી પ્રથમ પ્રાપ્ત કરવી પડે. ભાગવત અનુસાર કામ કુલ અગિયાર જગ્યાએ(સ્થાને) રહે છે. પાંચ ઇન્દ્રિઓ, પાંચ કર્મેન્દ્રિયો અને એક મન. પાંચ ઇન્દ્રિયો એટલે નાક, આંખ, કાન, જીભ અને ચામડી, પાંચ કર્મેન્દ્રિયો એટલે હાથ, પગ, ગુદા, જીનેદ્રિયો અને જીભ. એટલા માટે જ કહેવાય છે કામને મારે તેને રામ મળે. કેમ કે આ અગિયાર સ્થાનને નિયંત્રણમાં રાખનાર માટે પરમાત્માપ્રાપ્તિ સરળ છે. ટૂંકમાં કામ પર વિજય મેળવવા કે જીવનમાં તમામ કામના કે ઈચ્છાપૂર્તિ કરવા ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને મન પર કાબૂ રાખવો આવશ્યક છે.
૪) મોક્ષ – મોક્ષ એટલે મુક્તિ. મુક્તિ એટલે અજ્ઞાન અને અવિદ્યારૂપી બંધનમાંથી મુક્ત થવું તે. મુક્તિ એટલે દુઃખમુક્તિ. મુક્ત થવું એટલે જ મોક્ષ. પાપ, દુઃખ, અજ્ઞાન, અભાવ, અશક્તિ વગેરે સંસારના બંધનો છે જેમાંથી મુક્ત થવાની દરેકની કામના હોય તે સ્વાભાવિક છે. કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર વગેરે પણ ભયંકર બંધનો છે જેમાંથી છૂટવું એટલે પણ મોક્ષ. જે બધા માટે શક્ય નથી પરંતુ માનવજીવનનું અંતિમ ધ્યેય તો મોક્ષ જ છે. આવી ઊંડી સમજણ સાથે દરેકે ધ્યેયપ્રાપ્તિ અંગે યોગ્ય પુરુષાર્થ કરવો જ રહ્યો. મનુષ્યજીવનનો ચોથો પુરુષાર્થ મોક્ષ પ્રકૃતિના આઠ તત્વો પર કાબૂ રાખવાથી મળે છે અને એ આઠ તત્વો છે ૧) પૃથ્વી ૨) જળ ૩) આકાશ ૪) વાયુ ૫) તેજ એટલે પ્રકાશ કે અગ્નિ ૬) મન 7) બુદ્ધિ અને ૮) અહંકાર. આમ આ તમામ તત્વો પર નિયંત્રણ દ્વારા મોક્ષ શક્ય છે. કેમ કે પ્રથમ પાંચ તત્વો એટલે પંચમહાભૂત જેના દ્વારા આપણું શરીર બન્યું છે અને છેલ્લા ત્રણ તત્વો એટલે અંતઃકરણ જે જન્મ અને મરણ પાછળ જવાબદાર કારણ છે.
ટૂંકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષપ્રાપ્તિ માટે ઉપર દર્શાવેલા સાધનો દ્વારા તમામ પ્રકારની સફળતા મનુષ્ય સાત્વિક અને ઊંડી સમજણ સાથે ઈશ્વરકૃપાથી પ્રાપ્ત કરી શકે છે. એ જ મનુષ્યજીવનનો ઉદ્દેશ છે. પ્રકૃતિને વશ થાય તે જીવ અને જેને પ્રકૃતિ વશ થાય તે ઈશ્વર. આમ આપણે સૌએ ઈશ્વર બનવાનું છે. વળી અર્થ અને કામ ધર્મ અને મોક્ષની મર્યાદામાં રહીને જ પ્રાપ્ત કરવાના હોય છે એટલા માટે પહેલો ધર્મ અને છેલ્લું મોક્ષની વચ્ચે અર્થ અને કામ જેવા પુરુષાર્થની ગોઠવણ કરવામાં આવી છે. ધનથી સુખ મળે છે તે વાત તદ્દન ખોટી છે. સુખ તો મળે છે સંયમથી, સદાચારથી, સારા સંસ્કારથી, પ્રભુભક્તિથી અને ત્યાગથી. પરંતુ મનુષ્ય સુખ ખોટી જગ્યાએ શોધે છે અને ખોટા સાધનોની મદદથી મેળવવાનો પ્રયત્ન કરે છે જેથી તેને ક્યારેય સફળતા મળતી નથી અને મળી પણ ન શકે. જે વસ્તુ જ્યાં હોય જ નહીં ત્યાં શોધવાથી કેવી રીતે મળે? મનુષ્ય ધન કરતા ધર્મને વિશેષ સમજે ત્યારે જીવન સુધરે.