કેન્સર એટલે શું ?
કેન્સર એ કોઇ એક જ બીમારી નથી પરંતુ તે ઘણી બધી બિમારીઓનો સમૂહ છે. કેન્સર શબ્દ એ બીમારી માટે વાપરવામાં આવે છે જેમાં અસામાન્ય કોષોનું અનિયંત્રિતપણે વિભાજન થયા કરે છે અને તે અન્ય પેશીઓ પર હુમલો કરવાને શકિતમાન બને છે. કોઈ એક અંગનું કેન્સર ધીમે ધીમે અન્ય અંગમાં ફેલાઈને કોષો લોહી અને લસિકાતંત્ર દ્વારા શરીરના અન્ય ભાગોમાં ફેલાય જાય છે.
તમને થશે એ શું વિજ્ઞાનની વાર્તા કહે છે પણ મને ખબર છે કે આ બધું તો ખ્યાલ જ હશે પણ શું તમને મનના કેન્સરનો ખ્યાલ છે?હા, મનનું કેન્સર!!! તમને થશે કેન્સર થોડું મનને થાય?
જયારે અસામાન્ય કોષોનું અનિયંત્રિતપણે વિભાજન થાય ત્યારે કેન્સર થાય તો બસ એ જ રીતે મનમાં ઉદભવતા અસામાન્ય વિચારોનું અનિયંત્રિતપણે આગમન થવા લાગે ત્યારે મનનું કેન્સર થાય.
જીવનમાં ઘણા વિચારો, ઘણી અપેક્ષાઓ, ઘણા આગ્રહોના બીજ મનમાં રોપાયેલ જ હોય છે અને ધીમે ધીમે એ અપેક્ષાઓ હઠાગ્રહ અથવા મૂલ્યાંકનના દાવપેચમાં ઢળીને સમગ્ર મન પર કાબુ મેળવી લે છે અને મનમાં અનિયમિત અને અનિયંત્રિતપણે વિચારોનું આગમન થાય છે જે મનના સક્રિય કોષો પર પોતાનું આધિપત્ય જમાવે છે અને બહારથી સાજો સારો દેખાતો માણસ અંદર ઘણી પીડા સાથે જીવવા લાગે છે.
આપણું શરીર ઘણાં બધાં કોષોનું બનેલું હોય છે. કોષો વૃધ્ધિ પામે પણ તેનું નિયંત્રીતપણે વિભાજન થતું રહે છે કારણ કે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે આમ થવું જરૂરી છે. જયારે કોષો જૂના થઇ જાય અથવા તેને કોઇ જાતની ઈજા પહોંચે ત્યારે આવા કોષો મરી જાય છે અને તેની જગ્યાએ નવા કોષો પેદા થાય છે. આવું જ આપણા મન સાથે પણ સતત થયા કરે છે વિચારોની પ્રક્રિયા ક્યારેય બંધ નહીં થાય અને એ બંધ કરવાની નકામી કોશિશ પણ કરવી નહીં એ તો સહજ થતી માનસિક ક્રિયા છે પણ હા, એને નિયંત્રિત જરૂર કરી શકાય.છે.જીવન જીવવા માટે વિચારો ખૂબ જરૂરી છે પણ જો વિચારો પર નિયંત્રણ નહીં કરવામાં આવે તો ધીમે ધીમે એ સમગ્ર મનને પોતાના તરફ ખેંચી લેશે.
અમૂકવાર મનના આવેગો એટલા તીવ્ર બનતાં જાય કે એ સમગ્ર શરીર પર પણ કાબુ મેળવી લે છે.અને ઘણીવાર વિચારો એટલા ઉગ્ર અને અસમંજસભર્યા બની જાય કે વ્યક્તિના અસ્તિત્વ પર જોખમ આવી જાય છે
જયારે કોષોના જૈવિક તત્વોને કોઈ જાતની ઈજા પહોંચે અથવા તેમાં બદલાવ આવે ત્યારે તે મ્યુટેશન્સ પેદા કરે છે. જેની અસર કોષોની સામાન્ય વૃધ્ધિ અને વિભાજન પર પડે છે. જયારે આવું થાય છે ત્યારે કોષો મરતાં નથી કે જયારે તેમણે મરવું જોઇએ અને તેની જગ્યાએ શરીરને જરૂર નથી હોતી તો પણ નવા કોષો બને છે.અને એક જાળીદાર સમૂહ બનાવે છે જેને ગાંઠ કહેવામાં આવે છે.મન સાથે પણ આવું જ થાય છે વારંવાર મળતી નિષ્ફળતાને લીધે નવા સક્રિય વિચારો જન્મે પણ જુના નકારાત્મક વિચારોથી છેડો છૂટતો નથી અને મનમાં એક પ્રકારની ગાંઠ બંધાઈ જાય છે.
અને શરૂઆત થાય છે મનના કેન્સરની.
અમુક વિચારો મનને એટલી હદે જકડી લે છે કે મન સારા વિચારોનું સર્જન કરવા અસમર્થ બની જાય છે અને ધીમે ધીમે વિચારોથી જ નાસીપાસ થવાની ક્રિયા શરૂ થાય છે.મનનું કેન્સર વ્યક્તિના આત્મવિશ્વાસને એટલું નબળું બનવી દે છે કે વ્યક્તિનો જાત પરથી જ વિશ્વાસ ઉઠી જાય છે.કોઈ બહારનું વ્યક્તિ કે બહારનું વાતાવરણ એના માટે અકસીર ઈલાજ સાબિત નથી થતું.
પણ વ્યક્તિની “સેલ્ફ હિલિંગ ક્ષમતા” આ મનના કેન્સરને જરૂર હરાવી શકે છે.ફક્ત એકવાર જુના નકરાત્મક વિચારોને ઉખાડીને પોતાના નવા વિચારોને એક તક આપી જુઓ આ અસાધ્ય લાગતું મનનું કેન્સર આપોઆપ જડમૂળમાંથી જરૂર નાબૂદ થઈ જશે.
રેખા મણવર
Related