આપણા દૈનિક જીવનમાં આપણે અવારનવાર વિવેક શબ્દનો ઉપયોગ કરીએ છીએ પરંતુ વાસ્તવમાં એના ગૂઢાર્થથી આપણે કોષો દૂર છીએ અર્થાત સાચો વિવેક કોને કહેવાય તેનાથી કદાચ આપણે પૂર્ણ માહિતગાર નથી. ખૂબ સામાન્ય લાગતો આ શબ્દ વાસ્તવમાં ખુબ ઉંડાણ ધરાવે છે. મનુષ્યને વિશિષ્ટ કે અમૂલ્ય બનાવતું જો કોઈ તત્વ હોય તો એ તેની પાસે રહેલું મન છે. જે મનુષ્યને મળેલી ઈશ્વરની અમુલ્ય ભેટ છે. મનુષ્ય મનની એક વિરલ શક્તિ એટલે વિવેક કે જે દ્વારા મનુષ્ય તેના માટે શું સારું અને શું ખરાબ તે નક્કી કરી શકે. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય જીવનના તમામ સુખ કે દુઃખ પાછળ માણસે લીધેલા નિર્ણયો જવાબદાર હોય છે અને યોગ્ય કે ઉત્તમ નિર્ણયો લેવામાં વિવેકનું પ્રદાન અકલ્પનીય છે.
વિવેક એ “શ્રેય” (શ્રેષ્ઠ કલ્યાણકારી) અને “પ્રેય” (ગમતું પસંદગીનું પ્રિય) વચ્ચેનો ભેદ સમજવાની મનની એક વિરલ શક્તિ છે. સામાન્ય રીતે આપણને જે પ્રિય હોય છે તે આપણા માટે શ્રેષ્ઠ કે કલ્યાણકારી હોતું નથી અને જે શ્રેય હોય છે તે આપણને મોટાભાગે પ્રેય (પ્રિય) હોતું નથી. જેના કારણે જીવનમાં અનેક મુશ્કેલીઓ અને વેદનાઓનો સામનો કરવો પડે છે જેમ કે સાદું સરળ સાત્વિક ભોજન આપણી તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે પરંતુ તે આપણને પ્રિય નથી અને જે પ્રિય છે જેમ કે જંકફૂડ તે શ્રેય નથી, અર્થાત આપણા માટે લાભદાયી નથી અતિ નુકસાનકારક છે. જીવનમાં શ્રેય અને પ્રેય એક જ હોય એવું મોટાભાગે બનતું નથી. જે મનુષ્યનું શ્રેય અને પ્રેય એક જ હોય તેની તમામ તકલીફોમાંથી મુક્તિ નિશ્ચિત છે. જે શક્ય બને છે માત્ર તીવ્ર વિવેક ધરાવતી વ્યક્તિ માટે.
જીવનમાં વિવેકનો ઉદય છ કારણો કે પરિબળોને આધિન છે.
૧) પરમાત્માની કૃપા
૨) પૂર્વ જન્મોના સત્કર્મો
૩) સંસ્કાર
૪) સત્સંગ
૫) ધર્મશાસ્ત્રનો અભ્યાસ
૬) વર્તમાન નિષ્કામકર્મ
ઉપયુક્ત કોઈપણ કારણસર જો મનુષ્યમાં વિવેક પેદા થાય તો તેના જીવનની દરેક મુશ્કેલીઓ તેની ઉત્તમ નિર્ણયશક્તિને કારણે દૂર થાય છે. વિવેકયુક્ત માણસે પોતે લીધેલા નિર્ણયો અંગે કદી પસ્તાવાનો કે અફસોસ કરવાનો વારો આવતો નથી. પરંતુ આપણે જીવનમાં સામાન્ય રીતે અવિરત પસ્તાવાનો વારો આવતો હોય છે જેની પાછળ વિવેકનો અભાવ જવાબદાર છે. સંસારના મોટાભાગના લોકોમાં વિવેકની ઉણપ કે ગેરહાજરીને કારણે જીવનમાં દરેક પળે અફસોસ સ્વાભાવિક બને છે. આપણને જીવનમાં અનેક નિર્ણયો સંદર્ભે અવિરત અફસોસ રહેતો હોય છે અને લીધેલા નિર્ણય માટે વારંવાર પસ્તાવું પડે છે એનું કારણ એ છે કે આજનું આધુનિક શિક્ષણ વ્યક્તિને વિવેકશીલ બનાવવાના પાઠ શીખવવાનું ભૂલી ગયુ છે. આધુનિક સમાજ વ્યક્તિની નિર્ણય લેવાની શક્તિને (ડિસિઝન પાવરને) બિરદાવે છે પરંતુ નિર્ણય કેવી રીતે લેવાય, ક્યાંરે લેવાય, શા માટે લેવાય, કોના માટે લેવાય અને કેવી રીતે લેવાય વગેરે શીખવાડી શકતું નથી. મોટે ભાગે “પડે એવા દેવાય” એ નિયમથી જ જીવન જીવાય છે. પળે-પળે અનિવાર્યતા ધરાવતા નાના મોટા અનેક નિર્ણય અયોગ્ય લેવાઈ જવાથી સંબંધોમાં કડવાશ આવે છે અને જીવન નર્ક સમાન બની જાય છે કેમકે આપણે નિર્ણય લેતી વખતે માત્ર “પ્રેય”ને ધ્યાન પર લઈએ છીએ અને “શ્રેય”ને ચૂકી જઈએ છીએ.
વાસ્તવમાં વિવેકની ઉણપ એ ભારે કક્ષાનું આજ્ઞાન છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ “બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા” એ દ્રઢ માન્યતા કે સમજણને વિવેક કહે છે કેમ કે સમગ્ર જગત નાશવંત છે માત્ર બ્રહ્મ સત્ય છે એ આપણે જાણીએ છીએ છતાં અજ્ઞાનવશ સંસારમાં જ રચ્યાપચ્યા રહીએ છીએ. આપણને ખબર છે ધન-સંપત્તિ સંબંધો સંતાનો પદ-પ્રતિષ્ઠા રૂપ-રંગ કુટુંબ ખાનદાન ધર્મ વગેરે તમામ નાશવંત છે અને અંતે છૂટવાનું જ છે. છતાં સમગ્ર જીવન તેની પાછળ ખર્ચી નાખીએ છીએ કેમ કે તે આપણને પ્રિય છે તેમાં આપણને ક્ષણિક સુખ અનુભવાય છે. આમ “પ્રેય” ના ચક્કરમાં “શ્રેય” છૂટી જાય છે, જેને અવિવેક કહેવાય. સત્યનું યથાર્થ જ્ઞાન એટલે વિવેક. સત્ય એટલે સમયવિહીન, કારણવિહીન, સુખમય, એકમેવ, અદ્વિતીય અને સાચું સ્થાયી સુખ આપનારુ તત્વ. જીવનનો પરમ ધ્યેય એ જ માત્ર સત્ય છે અને આવા સત્યની સાચી પરખ એટલે વિવેક. સંપૂર્ણ આત્મસંયમ અને શિસ્ત જેનામાં છે તે સાચો વિવેકી માણસ કહેવાય. જે વ્યક્તિ ઇન્દ્રિયોના વિષયોથી આકર્ષાતો નથી અને ઇન્દ્રિય આવેગો સામે જુકતો નથી તેને વિવેકી મનુષ્ય કહેવાય. જ્યારે વ્યક્તિમાં વિવેકનો ઉદય થાય ત્યારે ઉચ્ચ મનના દ્વાર ખૂલે છે. જે દ્વારા મનુષ્યની શક્તિમાં અકલ્પનીય વધારો થાય છે. પ્રકૃતિના બદલાતા રૂપ અને સનાતન અસ્તિત્વને સમજવાનો પ્રયત્ન અને તેમાં સફળતા વિવેકને આભારી છે.
વિવેકશીલ માણસ સત્ય અને અસત્યને સહજતાથી ઓળખી લે છે તેમજ સત્યના પરમ રૂપને અનુભવી શકે છે. સુંદર ફૂલ, સુંદર સ્ત્રી, સુંદર પ્રતિકૃતિ જોતા જેના મનમાં એ વિચાર આવે કે આ તમામ સુંદરતા ક્ષણિક છે માયાનો રંગ છે, હમણાં કરમાઈ જશે પરંતુ ખરી સુંદરતા તો આ તમામનું સર્જન કરનારના હાથમાં છે, જેને પ્રાપ્ત કરીને સર્વ પ્રકારની સુંદરતા કાયમી ધોરણે પ્રાપ્ત થઇ શકે છે તે સાચો વિવેકી માણસ છે. નાશવંત મૃગજળ સમાન ભ્રમિત સુંદરતાથી અંજાઇ જનાર અવિવેકી માણસ છે જેના જીવનમાં દુઃખનું આવવું અને સ્થાયી થઈ જવું સ્વાભાવિક છે. વિવેકી માણસના જીવનમાં દુઃખ કે મુશ્કેલી આવતાં જ નથી કેમકે વિવેકથી આંતરિક અને માનસિક શક્તિ અને શાંતિ પ્રાપ્ત થાય છે જે દ્વારા તમામ સમસ્યાનું સમાધાન કે નિરાકરણ શક્ય બને છે. નિયમિત સ્વાધ્યાય અને સત્સંગથી વિવેક પેદા થાય છે. દરેક મનુષ્યે વિવેક તેની પરાકાષ્ઠા સુધી કેળવવો જોઈએ, વિવેક એ હદે દ્રઢ થવો જોઈએ કે તે મનુષ્યને કદી છોડે નહીં. જીવનની દરેક ક્ષણે વિના પ્રયત્ને વિવેક વપરાવો જોઈએ. સહજ રીતે વિવેકનો ઉપયોગ કરનાર સાચા-ખોટાને, યોગ્ય-અયોગ્યને અને સારા-ખરાબને ત્વરિત ઓળખી લે છે. વિવેકી માણસ અજાણતા પણ “શ્રેય” અને “પ્રેય”ની પસંદગીમાં ગફલત કરી બેસતો નથી. જેને કોઈ પ્રલોભનો આકર્ષી શકતા નથી તેનામાં સાચો અને અક્ષય વિવેક અવશ્ય પેદા થાય છે. દરેક મનુષ્ય સમક્ષ બે પ્રકારના ધ્યેય હોય છે 1) સ્વલક્ષી ધ્યેય અને 2) પરમ ધ્યેય. જે પરમને પસંદ કરે છે તે સાચો વિવેકી માણસ છે. સાચો વિવેકી માણસ જગતમાં સૌથી સમૃદ્ધ સુખી અને શક્તિશાળી બનવા યોગ્ય છે. જેનામાં વિવેક જાગૃત થાય છે તેનામાં બીજા બધા અમૂલ્ય સદગુણો આપોઆપ જન્મે છે. ટૂંકમાં સાચા અને જુઠાની પરખ એ જ સાચો વિવેક છે. શું તમને લાગે છે આપણે વિવેકી છીએ?
આપણે આખી જિંદગી તકલીફ ભોગવીએ છીએ કારણ કે ખોટાને સાચા અને ખરાબને સારા સમજી બેસીએ છીએ. નાશવંતને અવિનાશી અને અવિનાશીને નાશવંત સમજી બેસીએ છીએ. જેથી જીવનપર્યંત નાશવંત વસ્તુઓ પાછળ ભાગ્યા કરીએ છીએ અને અવિનાશી એવું આત્મતત્વ છૂટી જાય છે અને મનુષ્યભવ જેવો અમૂલ્ય ભવ નિષ્ફળ જાય છે. વિવેકની હાજરીમાં મન અને ઇન્દ્રિયો નબળા પડવા માંડે છે, તે મનુષ્યને વધુ પીડી શકતા નથી. પરંતુ વિવેક નબળો પડે ત્યારે ઇચ્છાશક્તિ, વાસના, કામના પ્રબળ બને છે. જે મનુષ્યને કઠપૂતળીની જેમ નચાવે છે, થકવી નાખે છે અને મૃત્યુના મુખમાં ધકેલી દે છે. પીડાયુક્ત અને દુઃખપૂર્ણ સંસારમાંથી મુક્તિ અપાવનાર તત્વ વિવેક જ છે. વિવેકની હાજરીમાં મનુષ્ય શું નિત્ય અને શું અનિત્ય, શું કાયમી અને શું ક્ષણિક, શું સાચું અને શું ખોટું તે સરળતાથી સમજી શકે છે. વિવેક એટલે સત્ય, શુદ્ધિ અને સદગુણ. વ્યવહારિક રીતે વિવેક એટલે યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, યોગ્ય વસ્તુ કરવાની નિર્ણયશક્તિ.
સંસારી લોકોને વધુ પડતું હળવા-મળવાથી, વધુ પડતી સાંસારિક વાતોથી વિવેક કુંઠિત થાય છે એટલા માટે વિવેક વાંચ્છુક લોકોએ જરૂરી એકાંત સેવવું જોઈએ. વિવેક તો ચારણી સમાન છે જે તમામ અનિચ્છનીય બાબતોને દૂર કરે છે માત્ર ઇચ્છનીય “શ્રેય” બાબતોનો સ્વીકાર કરે છે. વિવેક હશે તો વિચારો હંમેશા સુરક્ષિત અને વિધાયક બનશે. વિચાર એ તો વિવેકરૂપી ધૂપસળીથી ફેલાતી સુવાસ છે. વિવેકની હાજરીમાં વિચાર હંમેશા ઊમદા શ્રેષ્ઠ અને કલ્યાણકારી રહે છે. જો વિચારો ઉમદા હશે તો જીવનને ઉત્તમ બનતા કોઇ રોકી નહીં શકે. જેથી વિવેકને સમજવો, તેનું રક્ષણ કરવું, તેને દ્રઢ કરવો આવશ્યક છે. જેના માટે દ્રઢ સંકલ્પની આવશ્યકતા પણ એટલી જ અનિવાર્ય છે. કઠિન અભ્યાસ અને પરિશ્રમની જરૂરિયાત પણ એટલી જ છે. એ વગર માત્ર વાંચીને ભૂલી જવાથી ઉત્તમ જ્ઞાન પણ નિરર્થક બને છે. એટલાં માટે સતત અવિરત વિવેકપ્રાપ્તિની સાધના કરતા રહેવું જોઈએ. એ સિવાય આપણાં વિચારોમાં સુધારો શક્ય નથી. જો વિચારો અને નિર્ણયો અયોગ્ય રહેશે તો જીવન ચોક્કસ પીડામય જ રહેવાનું એ તો નિશ્ચિત્ત છે.
~ શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ