ભગવાન સૂર્યનારાયણ એમ તો વીસ ડિસેમ્બર પછી દક્ષિણાયનમાંથી ઉત્તર દિશા તરફ ગતિ કરે તેથી જે ચૌદ જાન્યુઆરીએ પૂર્ણત: ઉત્તરમાં પહોંચતા હોવાથી હિંદુનો તહેવાર જે એક જ તહેવાર એવો છે જે અંગ્રેજી મહિનામાં અને નિયત તારીખે આવે છે, જે તહેવારને ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ કહી શકાય.
આ તહેવાર નાનાથી લઈ મોટી ઉંમરની તમામ વ્યક્તિને દિલથી ખુશ કરી જાય છે, અબોલ વ્યક્તિને પણ જીવવાનો ઉમંગ આપે છે, આકાશમાં ઊડતી પતંગ, જાણે જીવનમાં પણ રંગબેરંગી રંગો ભરતી હોય એવું લાગે છે. ઉત્તરાયણના બસ બે જ ગેરફાયદા છે તેને બાદ કરતાં આ તહેવારનું ખૂબ જ અનેરું મહત્વ રહયું છે, ગેરફાયદા જેવા છે કાચ પાયેલી દોરી પક્ષીઓ માટે નુકશાનકારક છે, અને ખુલ્લી અગાશી માણસો માટે.
આ તહેવાર આમ જોઈએ તો સાયન્ટિફિક અને સાંસ્કૃતિક તહેવાર છે. આ તહેવારની અગાઉનો આશરે એક મહિનો અશુભ ગણાય છે જેને “કમુર્તા” કહેવાય, ઉત્તરાયણના દિવસે એ સમય પૂર્ણ થાય છે અને લોકો આજના દિવસ પછીથી શુભકાર્યોનો શુભારંભ કરે છે.
આ તહેવારની સાથે જ વસંતઋતુની શરૂઆત થાય છે, જેના લીધે કૃષક ચોમાસાનો એક પાક પૂર્ણ કરી રવિપાકનું વાવેતર કરે છે. આ તહેવાર શિયાળાનો તહેવાર છે, અને શિયાળામાં વાતાવરણનું તાપમાન સતત નીચું જવાથી શરીરમાં રોગો અને બીમારી લાગુ પડે છે, આ તહેવારમાં ખવાતા તલના લાડુ, શેરડી, પૂરણપોળી, અનેક ધાન નાખીને બનાવેલો ખીચડો, બોર, જામફળ, ઊંધિયું વગેરે શરીરમાં ગરમી પેદા કરે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે.
ઉત્તરાયણના દિવસે દાનનો પણ અનેરો મહિમા છે, કહેવાય છે કે આજના દિવસે દીધેલા દાનનું હજારો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
કેટલાયે દિવસોનો રાહ જોતો ઉત્તર પ્રદેશમાં કુંભમેળો પણ આજના દિવસે જ શરૂ થાય છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ ઉત્તરાયણનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે આજના દિવસથી આવનારા છ મહિનામાં જે કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામે છે એ બ્રહ્મલોકમાં જઈ સ્વર્ગ પામે છે અને તેનો પુર્નજન્મ મટે છે, તેથી મહાભારતમાં પિતામહ ભીષ્મએ પણ અનેક દિવસો બાણશૈયા પર પોઢીને ઉત્તરાયણના દિવસની રાહ જોઇને દેહત્યાગ કર્યો હતો.
આજના દિવસે સૂર્યનું તેજ અન્ય દિવસોની સરખામણીમાં ખૂબ જ વધુ હોય છે, વહેલી સવારે ખુલ્લા મેદાનમાં કે અગાશી પર ચડી પતંગ ચગાવવાની સાથે સાથે પુરા શરીરને સૂર્યના સોનેરી કિરણો મળે છે, જે કિરણો ત્વચા, શરીર અને હાડકામાં ઉતરી શરીરને ખૂબ જ ઉર્જાવાન બનાવે છે અને ઇન્ફેક્શન દૂર કરી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.
આજના દિવસે વર્ષ દરમિયાન ના મળી શકેલા મિત્રો, સગાસંબંધીઓ અને પ્રિયજનો મળે છે, સાથે જમીને આજના દિવસની ઉજવણી કરે છે, તેથી આ તહેવાર પોતાનાઓને વધુ પાસે લાવે છે.
આપણી ગુજરાત સરકારે ૧૯૮૯ થી ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલની શરૂઆત કરેલી જેથી દેશવિદેશનું જે કંઈ પણ પ્રખ્યાત હોય તેના સ્વરૂપની પતંગ બનાવી સૌ સાથે ચગાવે છે, તેથી દેશવિદેશની સંસ્કૃતિથી પરિચિત થઈ શકીએ છીએ.
આ તહેવાર બેરોજગારને પણ ખૂબ જ સારી રોજગારી અપાવે છે, સુરત અમદાવાદ વડોદરા જેવા મેગા સિટીમાં તો ફીરકી, પતંગ અને દોરાની રાત્રી બજાર ભરાય છે જેથી અનેક લોકોને રોજગારી મળતા જીવનશૈલીમાં ફેરફાર આવે છે.
મહત્વની વાત તો એ છે કે આપણે ઇચ્છીએ એટલી ઊંચાઈ સુધી પતંગ ચગાવી શકીએ છીએ, જ્યારે અમેરિકા માં FAA એક્ટ મુજબ વધુમાં વધુ 150 ફૂટથી ઉંચી પતંગ ચગાવવાની સખત મનાઈ છે આપણે અહીં કોઈ એવો નિયમ નથી તેથી પતંગરસિયાઓ ખૂબ જ દૂર દૂર સુધી પતંગ ઉડાડીને ખૂબ જ મજા માણે છે.
Related