*એક ટૂંકીવાર્તા; સરકારના વાસ્તવિક પ્રોજેક્ટથી પ્રેરિત: ભિક્ષા નહીં શિક્ષા*
“મેડમ, શું તમે મારા સતત ઇનકાર સાંભળીને કંટાળી નથી ગયા? મારો આખો પરિવાર ફક્ત આ જ કરે છે અને અમે આ જ કામ કરતા રહેશું. ભીખ માંગવી! આ અમારા કુટુંબનું વ્યવસાય છે. હવે મહેરબાની કરીને જાવ.”
મંગલુ સુચિત્રાથી ખૂબ જ ચિડાઈ ગયો હતો. તે છેલ્લા એક મહિનાથી તેની ઝૂંપડપટ્ટીમાં આવી રહી હતી, અને નિરંતર મંગલુ અને તેની પત્નીને તેના બાળકોને સ્કૂલ મોકલવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી.
મંગલુ અંદરથી હતાશ માણસ હતો. જ્યારે તે માત્ર પાંચમા ધોરણમાં હતો, ત્યારે તેના શરાબી પિતાએ તેની બે આંગળીઓ કાપી નાખી અને તેને ભીખ માંગવા મજબૂર કર્યો. તેના ઉપર દુનિયાભરની રોકટોક હતી. તેને ભાગ્યે જ નહાવાની પરવાનગી મળતી, ખાવા માટે પૂરતો ખોરાક ક્યારેય નહોતો, અને કાયમ ગંદા કપડામાં ફરતો રહેતો. આ બધા કારણોસર, તેના દિલમાં એના નક્કામાં બાપ માટે નફરત ઘર કરી ગઈ. બીજી કોઈ પ્રતિભા ન હોવાના લીધે, ભીખ માંગવી એકમાત્ર વિકલ્પ લાગ્યો. વેરની ભાવનામાં તે પોતાના બાળકો સાથે પણ એવી જ કડવાશથી વર્તી રહ્યો હતો.
“મંગલુ, મેડમ આટલું દબાણ કરી રહ્યા છે, તો કમસેકમ એક વાર એમની વાત સાંભળી તો લે.” તેની પત્ની દુર્ગાએ ડરતા ડરતા આજીજી કરી.
સુચિત્રા પાલકર; એક સરકારી કર્મચારી, ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટમાં કામ કરતી હતી. ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકોને શિક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક ઉમદા પહેલ હતી. કેટલાક દુર્ભાગ્ય ગરીબ લોકોએ આ સુવર્ણ તકને આતુરતાથી ઝડપી લીધી. પણ મંગલુ જેવા ભિખારીઓને મનાવવા મુશ્કેલ હતા.
મંગલુ તેની પત્નીને ઠપકો આપે તે પહેલા સુચિત્રા વચ્ચે બોલી, “મંગલુ, ભીખ માંગવી ન તો નફાકારક છે અને ન સન્માનજનક. અમારી યોજના બાળકો માટે છે, પરંતુ તેનાથી તમારા બધાનું જીવન સુધરી જશે. કૃપા કરીને મને મારી વાત સમજાવીને સ્પષ્ટ કરવાનો મોકો આપ.”
મંગલુએ ગુસ્સામાં પોતાના વાળ ખેંચ્યા અને જમીન ઉપર અથડાઈને બેઠો. “ઠીક છે, જે બોલવું હોય, તે જલ્દી બોલો. પણ આ છેલ્લી વાર છે. આજ પછી મને તમારું મોઢું નથી જોવું.”
દુર્ગાએ તેમના ઘરનું એકમાત્ર સ્ટૂલ આપ્યું અને સુચિત્રા તેના પર બેઠી. આજુબાજુ નજર કરતા, તેને એહસાસ થયો કે મંગલુ શાબ્દિક રીતે ખૂબ જ ગરીબ હતો. તેની પાસે વસ્તુઓ, ન હોવાની બરાબર હતી. બધું ભીનું, ગંદુ અને અસહ્ય દુર્ગંધવાળું હતું. સુચિત્રાએ પોતાની જાતને નાક સૂકુંડવાથી રોકયું, અને તેને આશ્ચર્ય થયું કે આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં, મંગલું ભીખ માંગવાનું છોડવા તૈયાર નહોતો, ન તેને પોતાની હાલત સુધારવામાં કાંઈ રસ હતો.
મંગલુના બાળકો; દસ વર્ષનો રમેશ અને સાત વર્ષની તાપસી તેની સામે આશા અને જિજ્ઞાસાથી જોઈ રહ્યાં.
આ સુચિત્રાનો એકમાત્ર ચાન્સ હતો. તેણે મનોમન પ્રાર્થના કરી અને સાવધાનીપૂર્વક બોલવાનું શરૂ કર્યું, “સરકાર દ્વારા તમારા બાળકો માટે બસ સુવિધા સાથે આંગણવાડી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. તેમની સતત દેખરેખ રાખવામાં આવશે, અને પ્રાથમિક શિક્ષણની સાથે તેમને થોડું સામાન્ય જ્ઞાન પણ આપવામાં આવશે. મુખ્ય ઉદ્દેશ્ય તેમને મદદ કરવાનો છે. બચ્ચાઓ ભીખ માંગવાની આદત છોડીને શિક્ષણ મેળવે, જેથી તેઓ વધુ સારા જીવન તરફ આગળ વધી શકે. આ કેન્દ્રોમાં બાળકોને ભોજન પણ આપવામાં આવે છે.”
ઘરના ચારે સદસ્યો સુચિત્રાને આશ્ચર્યથી તાકી રહ્યા. રમેશ અને તાપસીના મોઢે એક મોટું સ્મિત છવાઈ ગયું અને સુચિત્રાએ તેમની સામે પ્રેમથી જોયું. જ્યારે તેઓ ઉત્સાહથી ઘોંઘાટ કરવા લાગ્યા, ત્યારે મંગલુએ તેમની સામે આંખ કાઢી, “શ્… ચૂપ!” તેણે ફરી સુચિત્રા તરફ ધ્યાન દોર્યું અને શંકાસ્પદ રીતે પૂછ્યું, “બીજું શું?”
સુચિત્રાની આશા બંધાણી, તે અડધી લડાઈ જીતી ગઈ હતી. પરંતુ અંદરની ચીયરલીડરને આનંદ સાથે નૃત્ય કરવા દેતા પહેલા, તેને ૧૦૦% ખાતરી કરવી જરૂરી હતી. ઊંડો નિસાસો લેતા તેણે આગળ વિગત જણાવી, “સ્કૂલ પછી બાળકોને તેમના ઘરે પાછા મોકલવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ભીખ માંગતા અટકાવવાનો અને તેમને અભ્યાસમાં જોડવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં સારું જીવન જીવી શકે. મંગલુ, જો તને મારા પર વિશ્વાસ ન હોય, તો તમે બધા આંગણવાડી કેન્દ્ર આવીને જોઈ શકો છો. અમારી સાથે સાઈઠ બાળકો જોડાઈ ગયા છે.”
સુચિત્રાએ તેના પર્સમાંથી ચોકલેટ, પેન્સિલ અને પુસ્તકો કાઢીને રમેશ અને તાપસીને આપી, જે તેણે પોતાના પૈસાથી ખરીદી હતી. તેને ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટમાં અતિશય વિશ્વાસ હતો. તેનું દિલ એમાં લાગી ગયું હતું. તે શ્રેષ્ટ પ્રયાસો કરતી હતી, કે આ નેક અભિયાનનો લાભ વધુમાં વધુ ભિખારીઓના બાળકો ઉપાડી શકે.
જતા પહેલા તેણે ફરીને કંઈક એવું કહ્યું, જેણે મંગલુ અને તેની પત્નીને સંપૂર્ણપણે હચમચાવી દીધા. “મંગલુ, શિક્ષણ માત્ર જ્ઞાન જ નથી આપતું, તે સારા રોજગારના દરવાજા પણ ખોલી નાખે છે, જે તમારી આવકને વધારશે. તમે બધા આદર સાથે સારી જીવનશૈલી જીવી શકશો. યાદ રાખ, બંને વસ્તુ માટે હાથ આગળ વધારવો પડે છે; ભીખ માંગવા માટે અને દાન કરવા માટે પણ. તફાવત ફક્ત એટલો છે કે ભીખ માંગવામાં તારી આંખો શરમથી નીચી થઈ જાય છે, પરંતુ દાન કરવામાં, તારું હૃદય કરુણાથી ઝૂકી જશે. જ્યારે તારી પાસે પૂરતું હશે, ત્યારે જ તું લેનારમાંથી આપનાર બનીશ. જો તારું જીવન ઘૃણામાં પસાર થયું છે, તો એમાં તારા બાળકો શા માટે સજા ભોગવે? તદઉપરાંત, તારે એકેય રૂપિયો ખર્ચવાનો નથી, તો પછી આ મફતની તકનો લાભ કેમ નથી ઉપાડતો?”
મંગલુના બે દિવસ અશાંત અને રાતો બેચેન રહી. સુચિત્રાની વાતો તેના કાનમાં પડઘા પાડતા રહ્યા. બાળકો વગર, પત્ની દુર્ગા સાથે, તેઓ આંગણવાડી કેન્દ્ર જોવા ગયા. તે સ્વચ્છ, રંગીન અને વિદ્યાર્થીઓ માટે પુસ્તકો અને રમકડાંથી સજ્જ હતું. બાળકો તેમના ગણવેશમાં સુંદર દેખાતા હતા. તેના પોતાના બાળકો પ્રત્યે તેના ક્રૂર પિતાની પ્રતિકૃતિ હોવાનો મંગલુને પસ્તાવો થઈ રહ્યો હતો. એક નવા ઉદ્દેશ્ય સાથે તે ઘર તરફ પાછો ફર્યો.
બધા નેક ઇરાદાઓ હોવા છતાં, સંક્રમણ સરળ ન હતું. તેમ છતાં, બે મહિના પછી, હવે….
દુર્ગા નજીકની હાઉસિંગ સોસાયટીમાં ત્રણ ફ્લેટમાં ઘર કામ કરે છે. મંગલુ એક બાંધકામના સ્થળે ફરી કડિયાનું કામ કરવા લાગ્યો. પણ રમેશ અને તાપસીનું શું થયું? તેઓ તેમના સ્માર્ટ યુનિફોર્મમાં તદ્દન નવા દેખાતા આંગણવાડીમાં રોજ ખુશી ખુશી ભણવા જાય છે.
ભીખ? એ તો ઇતિહાસ બની ગયો, જેનું પુનરાવર્તન ક્યારેય નહીં થાય!
શમીમ મર્ચન્ટ