ચાલો આજે iGujju ઉપર માળીયે ભારતના મહાવિચારક અને ગુરુ એવા ચાણક્ય ને…
ભારતના મહાન વિદ્વાન ચાણક્યનો જન્મ ઇ.સ.પૂર્વે ૪૦૦ની સાલમાં થયો હતો. તેઓએ પોતાની બુદ્ધિથી પરદેશીઓને હાંકી કાઢી નાના-નાના રાજ્યો ભેગા કરીને એક વિશાળ ભારતીય રાજ્યનો પાયો નાખ્યો હતો.
ચાણક્ય પોતે રાજનીતિનાં ઉંડા રહસ્યો સમજતા અને તેમણે બુદ્ધિમત્તાથી સુઆયોજન કરી ચંદ્રગુપ્ત મોર્ય મહાનંદનો નાશ કર્યો અને મગધની રાજગાદી મેળવી હતી.
ચાણક્ય દ્વારા અર્થશાસ્ત્ર નામનું એક પુસ્તક પણ લખવામાં આવ્યું હતુ જે ખૂબ જ પ્રખ્યાત છે. આ પુસ્તક પરથી તે જમાનાની આર્થિક સ્થિતિ વિશે સારી રીતે જાણી શકાય છે. સાથો સાથ સામાજિક પરિસ્થિતિનો ખ્યાલ પણ આવે છે. આ પુસ્તકના લેખક તરીકે તેમની બુદ્ધિનો તાગ મેળવી શકાય છે.
ચાણક્યના જીવન સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. ચાણક્યનું હૃદય એકદમ કોમળ હતું. પણ તેઓ પોતાનું અપમાન સહન કરી શકતાં નહતા. વળી કોઇ સંકટ વખતે તેઓ હાથ ધરી બેસી રહે તેવી પ્રતિભા ધરાવતા નહતા. તેઓ દ્રઢ સંકલ્પી હતા.
એક દિવસ ચાણક્ય કંઈ કામ માટે બહાર જતા હતા. રસ્તામાં એમને કાશ નામનો એક છોડ વાગ્યો. એનાથી પગમાં ઘા પડ્યો. ખૂબ પીડા થવા માંડી. આથી તેઓ ગુસ્સે થયા. એમણે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી હું કાશના બધા છોડ ઉખાડી ના નાખું ત્યાં સુધી જંપીશ નહીં અને તેઓ રસ્તામાં જ બેસી ગયા અને એક એક છોડ ઉખેડવા લાગ્યા. એમણે એક પછી એક છોડ ઉખેડીને ત્યાં ઢગલો કરવા માંડ્યો અને એના મૂળ ઉપર છાશ રેડવા માંડી કે જેથી આ વનસ્પતિ ફરી ઊગે નહીં. આ પ્રસંગ બતાવે છે કે ચાણક્યનો ગુસ્સો ગજબનો હતો અને તેથી જ તેઓ જે કંઈક કામ કરવાનો નિર્ણય કરે તે કર્યા વગર રહેતા જ નહીં.
ચાણક્ય તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક હતા. એ જમાનામાં તક્ષશિલા વિશ્વવિદ્યાલય કેળવણી માટેનું ઉત્તમ સાધન હતું. એ વખતે મગધની રાજધાની પાટલીપુત્ર પણ શિક્ષણનું એક મહાન કેન્દ્ર હતું. ચાણક્ય તક્ષશિલામાં પોતાનો અભ્યાસ પૂરો કરીને પાટલીપુત્રમાં અભ્યાસ કરવા આવ્યા.
ત્યારે મગધનો રાજા હતો ધનનંદ. એ જ્ઞાતિએ શૂદ્ર હતો. એ ભારે લોભી હતો અને પ્રજા ઉપર ભારે કરવેરા નાખતો હતો. આમ કરીને એણે પુષ્કળ ધન ભેગું કર્યું હતું, પરંતુ ચાણક્ય જ્યારે પાટલીપુત્ર આવ્યા ત્યારે ધનનંદનો સ્વભાવ બદલાઈ ગયો હતો. એણે ગરીબ ગુરબાંઓને દાન આપવા માંડ્યું હતું. આ દાન આપવા માટે એણે એક દાનસમિતિ પણ નીમી હતી. આ સમિતિએ ચાણક્ય આવ્યા ત્યાં સુધીમાં એક કરોડ મુદ્રાઓનું દાન આપી દીધું હતું.
ચાણક્ય વિદ્વાન હતા અને તેથી થોડા વખતમાં જ એમની વિદ્ધત્તાની છાપ આખા રાજ્યમાં સારી પડી. આથી થોડા વખતમાં જ ધનનંદે પોતાની દાનસમિતિના અધ્યક્ષ એમને બનાવ્યા, પરંતુ ચાણક્ય કાળા અને કદરૂપા હતા. ધનનંદે એમને કોઈ દિવસ જોયેલાં નહીં. દાનસમિતિના કામ માટે તેઓ પહેલી વખત ધનનંદ પાસે આવ્યા. ચાણક્યની સૂરત જોઈને ધનનંદને ક્રોધ ચઢ્યો. એમણે ચાણક્યનું અપમાન કરી રાજદરબારમાંથી કઢાવી મૂક્યા.
આવું અપમાન ચાણક્ય કેવી રીતે સહન કરી શકે?
એમણે રાજાની સામે જ ગુસ્સે થઈ કહ્યું.
‘નીચ રાજા! આજે તેં મારું ભરદરબારમાં અપમાન કર્યું છે. એનો બદલો હું લીધા વગર રહીશ નહીં. તને રાજસિંહાસન ઉપરથી ઉઠાડીશ અને કોઈ ઉચ્ચ કુળની વ્યક્તિને રાજગાદી ઉપર બેસાડીશ ત્યારે જ હું જંપીશ.’
આમ કહી ચાણક્ય ગુસ્સામાં ને ગુસ્સામાં ભરદરબાર છોડીને ચાલી ગયા. એ પાટલીપુત્ર છોડીને ચાલ્યા ગયા. રસ્તામાં અચાનક ચંદ્રગુપ્ત મળ્યા. ચંદ્રગુપ્તમાં એણે રાજા થવાનાં તમામ લક્ષણો જોયાં એટલે એ પણ તેને તક્ષશિલા ભણવા માટે લઈ ગયા. ત્યાં આગળ ચંદ્રગુપ્તને એમણે અસ્ત્રશસ્ત્ર વિદ્યા શીખવી. સાત આઠ વરસ સુધી આ બાબતની એને સંપૂર્ણ તાલીમ આપી અને તેને હોશિયાર બનાવી દીધો.
ચંદ્રગુપ્ત મારફત જ એમણે નંદવંશનો નાશ કરાવ્યો. ચંદ્રગુપ્ત અને ચાણક્યે જોયું કે રાજાઓની અંદરોઅંદરની ફાટફૂટને કારણે સિકંદર ભારત ઉપર ચઢી આવ્યો અને કેટલોક ભાગ જીતી પણ લીધો. ચાણક્યની દૃષ્ટિએ વિદેશી શાસન સૌથી ખરાબ વસ્તુ છે, આથી એમણે તથા ચંદ્રગુપ્તે એક રાજ્ય સ્થાપવાનો નિર્ણય કર્યો.
અને ત્રણ વરસની અંદર જ ચાણક્યની બુદ્ધિ અને ચંદ્રગુપ્તનાં બુદ્ધકૌશલ્યને કારણે પરદેશીઓના રાજ્યને જીતી લીધું. પછી ચાણક્યે મગધ તરફ પોતાનું ધ્યાન આપ્યું અને નંદવંશનો નાશ કરી ચંદ્રગુપ્તને ગાદીએ બેસાડવાની યોજના ઘડવા માંડી. એની યોજના મુજબ નંદવંશનો એમણે નાશ કરાવ્યો તથા મગધની ગાદી ઉપર ચંદ્રગુપ્તને બેસાડ્યો. તથા ચંદ્રગુપ્તને પોતાનું રાજ ફેલાવવામાં પણ મદદ કરી.
ચાણક્ય પોતે ત્યાગી હતા. એમણે કોઈ દિવસ મહેલોમાં રહેવાનું પસંદ કર્યું જ નહોતું. ચંદ્રગુપ્તના મહાન રાજ્યના તેઓ મંત્રી હતા. છતાં ઝૂંપડીમાં જ તેઓ રહેતા હતા.
તેઓ સદાય સાદો પોષાક પહેરતા હતા. આખા રાજ્યમાં ચાણક્યનો હુકમ ચાલતો હતો. ચાણક્ય એમ માનતાં કે નાનાં નાનાં રાજ્યો હોય એના કરતાં એક જ રાજાનું શાસન હોય અને મોટું રાજ્ય હોય તે વધારે ફાયદાકારક ગણાય. રાજાનો આદર્શ પ્રજાના કલ્યાણની ચિંતા કરવાનો પણ હોવો જોઈએ. એવો ચાણક્યનો મત હતો. પ્રજાના સુખની પરવા કરે પણ પોતાના સુખની પરવા ન કરે એ જ સારો રાજા કહેવાય.
તેઓ એમ માનતા કે રાજાની આજ્ઞા આગળ વેદ ધર્મશાસ્ત્ર વગેરેમાં જે આજ્ઞાઓ આપી છે તે તુચ્છ છે. ચાણક્યે પોતાના અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં રાજધર્મ, મંત્રીઓની પરિષદ, રાજ્યવ્યવસ્થા, રાજ્યની અર્થવ્યવસ્થા, ન્યાય, વિદેશનીતિ વગેરે વિષયોની ચર્ચા કરી છે. ચાણક્ય એમ પણ માનતા કે છૂટાછેડા અને વિધવા વિવાહ પણ અનિવાર્ય છે. ચાણક્યની યાદગીરીમાં આજે પણ દિલ્હીમાં એક ચાણક્યનગર ઊભું કરવામાં આવ્યું છે.