ભારતીય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર (Shardul Thakur) જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે છ વિકેટે 186 રન બનાવીને સંઘર્ષ કરી રહી હતી. તેવામાં તેના મનમાં કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)ની એ વાત હતી જેમાં તેમણે કહ્યું હતું કે જો તું આ દેશમાં પ્રદર્શન કરે છે તો પ્રેક્ષકો તરફથી ઘણું સન્માન મળશે. રવિવારે મેચના ત્રીજા દિવસે શાર્દુલે આઠમા ક્રમ પર બેટિંગ કરતાં 67 રન બનાવ્યા અને વોશિંગ્ટન સુંદર (62)ની સાથે સાતમી વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી ભારતને વધુ સારી સ્થિતિમાં પહોંચાડી હતી.
ઠાકુરે તેની ઈનિંગ્સમાં કેટલાક અદભૂત શોટ્સ પણ બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સમાં 369 રનના જવાબમાં ભારતની પહેલી ઇનિંગ્સ 336 રનમાં અટકી ગઈ હતી. દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં કોઈ પણ નુકસાન વિના 21 રન બનાવ્યા હતા, જેમાં તેઓને 54 રનની લીડ થઈ ગઈ હતી. મેચ બાદ શાર્દુલે કહ્યું કે, જ્યારે હું મેદાન પર ગયો ત્યારે પરિસ્થિતિ મુશ્કેલ હતી અને હું તેનો ઇનકાર કરીશ નહીં. પ્રેક્ષકો ઓસ્ટ્રેલિયન બોલરોને ખુશ કરી રહ્યા હતા. પરંતુ મને અમારા કોચ રવિ શાસ્ત્રીએ વન ડે શ્રેણી પહેલાં કરેલી વાતો યાદ હતી.
તેમણે કહ્યું કે ‘જો તમે આ દેશમાં પ્રદર્શન કરશો તો તમને સન્માન મળશે (પ્રેક્ષકો તરફથી). આ ઝડપી બોલરે કહ્યું, ‘કોચે કહ્યું કે લોકો તમારા પ્રદર્શનને કારણે તમને પ્રેમ કરશે અને મારા દિમાગમાં ફક્ત એક જ વાત હતી કે મારે પ્રેક્ષકો તરફથી સન્માન મેળવવું જોઈએ. શાર્દુલે કહ્યું, દિવસની રમત બાદ મારી ટીમ માટે મદદરૂપ થશે, મારા માટે આ સૌથી મોટી સકારાત્મક બાબત છે. મારા મગજમાં ફક્ત બે જ બાબતો હતી. દર્શકો અવાજ કરશે પરંતુ જો હું સારી બેટિંગ કરીશ તો તેઓ પણ મારી પ્રશંસા કરશે.
પ્રેક્ષકોની સાથે ભારતીય ડ્રેસિંગ રૂમે પણ આઉટ થયા બાદ ઉભા થઈને તેનું અભિવાદન કર્યું હતું. શાર્દુલે કહ્યું કે તેને બેટિંગ કરવાનું પસંદ છે અને તે તકની રાહ જોઈ રહ્યો હતો. તેણે કહ્યું, ‘હું બેટિંગ કરવા સક્ષમ છું. જ્યારે પણ ટીમમાં થ્રો-ડાઉન નિષ્ણાત પાસે સમય હોય ત્યારે હું પ્રેક્ટિસ કરું છું. આ એવી ક્ષણો છે જેના માટે તમે સખત મહેનત કરો છો. તેની રાહ જોવો છો કે ટીમ માટે કંઈક કરી શકો. બેટિંગ સમયે ક્રિઝ બસ એ જ વિચાર હતો કે ક્રીઝ પર વધારેમાં વધારે સમય પસાર કરૂં જેથી રન બને અને પહેલી ઈનિંગમાં રનોનાં અંતરને ઓછું કરી શકાય.
તેણે કહ્યું કે ‘એ’ ટીમ સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરવાનો તેને ઘણો ફાયદો થયો. તેણે કહ્યું, ‘ટીમ એની ટૂર બીજી લાઇનની ટીમ માટે હોય છે. તેનાથી ઘણી મદદ મળી. અમે 2016માં અહીં આવ્યા હતા. જ્યારે તમે તે ટીમમાં રમો છો ત્યારે રાષ્ટ્રીય ટીમમાં આવ્યા પછી સંજોગો બહુ મુશ્કેલ હોતા નથી.