ભાભા હોમી જહાંગીર (જ. 30 ઑક્ટોબર 1909, મુંબઈ; અ. 24 જાન્યુઆરી 1966, મૉં બ્લાં, આલ્પ્સ, યુરોપ) : ભારતના અણુ વિજ્ઞાની, ન્યૂક્લિયર કાર્યક્રમના આયોજક અને અમલકર્તાનો આજે જન્મદિવસ છે.
તેઓ ધનવાન પારસી કુટુંબમાં જન્મ્યા હતા અને જમશેદજી તાતાના નજીકના સગા હતા. શરૂઆતનું શિક્ષણ તેમણે કથીડ્રલ અને જૉન કૅનન હાઈસ્કૂલમાં લીધું અને ઉચ્ચ શિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજ તથા મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં લીધું. ઇલેક્ટ્રિકલ ઇજનેરીના સ્નાતક બનીને કેમ્બ્રિજની ગૉનવિલે અને કેરિયસ કૉલેજમાં જોડાયા. અહીં તેમને ભૌતિકવિજ્ઞાનમાં રસ પડતાં આપોઆપ વિષયાન્તર થઈ ગયું. 1930માં મિકૅનિકલ સાયન્સનો ટ્રાઇપૉસ લીધો. 1934માં તેમણે કેમ્બ્રિજમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે સંશોધનકાર્ય શરૂ કર્યું. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હિટલર સાથે તેમણે બ્રહ્માંડ-કિરણો (cosmic rays) ઉપર પોતાનો મૌલિક સિદ્ધાંત સોપાની વર્ષણ (cascade shower) સ્થાપિત કર્યો. 1932થી 1934 દરમિયાન ગણિતશાસ્ત્રમાં રાઉસ બૉલ ટ્રાવેલિંગ શિષ્યવૃત્તિ મળતાં તેમણે ઝૂરિકમાં ડબ્લ્યૂ. પાઉલી અને રોમમાં એનરિકો ફર્મી સાથે સંશોધનકાર્ય કર્યું. 1936માં બીજી વરિષ્ઠ આઇઝેક ન્યૂટન શિષ્યવૃત્તિ મળી.
વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની તરીકેની ખ્યાતિ સાથે તેઓ 1940માં ભારત પાછા આવ્યા. 1940માં બૅંગલોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં તેમના માટે સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાન વિષયમાં ખાસ રીડરશિપની જગા ઊભી કરવામાં આવી. 1942માં તેમને એ વિષયના પ્રાધ્પાયક બનાવ્યા. જોગાનુજોગ આ સમયે આ સંસ્થામાં પ્રો. સી. વી. રામન, ભાભા અને વિક્રમ સારાભાઈનું સુભગ મિલન થયું. અહીં તેમણે બ્રહ્માંડ-કિરણોને લગતા પ્રાયોગિક અને સૈદ્ધાંતિક સંશોધનનું જૂથ તૈયાર કર્યું. થોડાક સમય બાદ તેઓ મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ(T.I.F.R.)માં જોડાયા. બ્રહ્માંડ-કિરણો અને ઉચ્ચ ઊર્જા-ભૌતિકીના ક્ષેત્રે સંશોધન કરવાનું તેમણે અહીં પણ ચાલુ રાખ્યું. પરમાણુ ઊર્જા-સ્થાપન (atomic energy establishment) માં જૈવભૌતિકી (biophysics) અને સૂક્ષ્મજૈવિકી (microbiology) નો અભ્યાસક્રમ અને સંશોધન શરૂ કરાવ્યાં. રેડિયો-ખગોળવિદ્યાના સંશોધન માટે ઉટાકામંડ ખાતે વિશ્વમાં બીજા ક્રમે આવતો રેડિયો-ટેલિસ્કોપ તૈયાર કરવામાં પ્રમુખ ફાળો આપ્યો. 1966માં પરમાણુ-ઊર્જાસ્થાપન (ટ્રૉમ્બે) ના ભૌતિકી અને ઇલેક્ટ્રૉનિક્સ વિભાગો T.I.F.R.ના મકાનમાં ચાલુ કર્યા. આ સાથે પરમાણુ-ઊર્જાક્ષેત્રને શિખર સુધી લઈ જવામાં તેમણે પ્રમુખ ફાળો આપ્યો. વિશાળ ર્દષ્ટિ, ગહન વિચારશક્તિ અને અથાગ પ્રયત્નોને આધારે તેમણે ભારતનાં વિજ્ઞાન અને ટૅકનૉલૉજીને ત્રીજા વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન અપાવ્યું. T.I.F.R.માં રહીને તેમણે 1945થી 1966 સુધી બ્રહ્માંડ-કિરણોના સંશોધનક્ષેત્રે માર્ગદર્શન પૂરું પાડ્યું. આ સંસ્થામાં શરૂ કરેલ બ્રહ્માંડ-કિરણોનો સંશોધન વિભાગ આજે પણ વિશ્વમાં અજોડ છે. ઑગસ્ટમાં પરમાણુઊર્જાપંચ(Atomic Energy Commission)ની સ્થાપના કરાઈ. 1948માં પરમાણુ-ઊર્જાનો કાયદો પસાર થતાની સાથે તેમને ‘ઍટમિક એનર્જી કમિશન’(A.E.C.)ના પ્રથમ અધ્યક્ષ તથા પરમાણુ-ઊર્જા-વિભાગના વૈજ્ઞાનિક સલાહકાર બનાવવામાં આવ્યા.
ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધન માટે વૈજ્ઞાનિક ઉપકરણોની અનિવાર્યતા જણાતાં ઇલેક્ટ્રૉનિક સાધનો તૈયાર કરવાં એ જ મોટું સંશોધન હતું. પરિણામે તેમણે T.I.F.R.માં ઇલેક્ટ્રૉનિક્સ પ્રોડક્શન યુનિટ શરૂ કર્યો. આ એકમ આજે હૈદરાબાદમાં ઇલેક્ટ્રૉનિક કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા લિમિટેડ (E.C.I.L.) તરીકે ધમધમી રહ્યો છે. આ રીતે ભારતમાં ઇલેક્ટ્રૉનિક્સ–ઉદ્યોગને તેમણે સધ્ધર અને સ્વનિર્ભર બનાવ્યો; પણ દુર્ભાગ્યે તે જોવા તેઓ ન રહ્યા. તેમનો આગ્રહ હતો કે અદના માણસને પણ પોષાય તે રીતે વિદ્યુત પૂરી પાડવી જોઈએ. વિકસતાં રાષ્ટ્રોને ન્યૂક્લિયર પાવર મળી રહે તે માટે 1955માં જિનીવા પરિષદમાં તેમણે વિશિષ્ટ કામગીરી બજાવી હતી. યુરોપનાં કેટલાંક સ્થાપિત હિતોના વિરોધને કારણે તેમને સારો એવો સંઘર્ષ કરવો પડ્યો હતો. આથી તેમણે તારાપુર રિઍક્ટર માટે યુ.એસ. પરમાણુ ઊર્જા-પંચ સાથે મંત્રણા કરી. તેના ફલસ્વરૂપ તારાપુર વિદ્યુત-મથક તૈયાર થયું. તેમના અવસાન બાદ આ પછી કોટા અને કલપક્કમ્નાં પરમાણુ-ઊર્જા આધારિત વિદ્યુત-મથકો તૈયાર થયાં. ઝડપી પ્રજનક રિઍક્ટર (fast breeder reacter) એ તેમનું સ્વપ્ન હતું, જે કલપક્કમ્ ખાતે તેમના અવસાન બાદ સાકાર થયું.
તેમને મળેલાં સંખ્યાબંધ ઍવૉર્ડ અને સન્માનોમાં મુખ્ય નીચે મુજબ છે :
(1) લંડનની રૉયલ સોસાયટીના નિર્વાચિત ફેલો (1941);
(2) કેમ્બ્રિજ યુનિવર્સિટીનો ઍડમ્સ પુરસ્કાર (1943);
(3) કેમ્બ્રિજ ફિલોસૉફિકલ સોસાયટીનો હૉપ્કિન પુરસ્કાર (1948);
(4) યુ.એસ. નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ફૉરેન એસોસિયેટ (1963);
(5) ન્યૂયૉર્ક એકૅડેમી ઑવ્ સાયન્સિઝના આજીવન સભ્ય (1963);
(6) મેડ્રિડ રૉયલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ફૉરેન એસોસિયેટ (1964);
(7) પદ્મભૂષણ (1954).
(8) અધ્યક્ષ, ઇન્ટરનૅશનલ યુનિયન ઑવ્ પ્યૉર ઍન્ડ એપ્લાઇડ ફિઝિકસ (1960–63);
(9) અધ્યક્ષ, પરમાણુ-ઊર્જા-(U. N.)ના શાંતિમય ઉપયોગ માટેની આંતરરાષ્ટ્રીય પરિષદ (1955);
(10) અધ્યક્ષ, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સિઝ ઑવ્ ઇન્ડિયા (1963);
(11) અધ્યક્ષ, ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ;
(12) અધ્યક્ષ, ભારતની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની કૅબિનેટ;
(13) અધ્યક્ષ, પરમાણુ-ઊર્જા-પંચ.
આંતરરાષ્ટ્રીય પરમાણુ-ઊર્જાની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની વિયેના ખાતેની બેઠકમાં ભાગ લેવા જતાં આલ્પ્સ ગિરિમાળાના મા બ્લાં શિખર સાથે વિમાન અથડાતાં બનેલી દુર્ઘટનામાં તેમનું આકસ્મિક અવસાન થયું. તેમના નિધનથી સમગ્ર વિશ્વના વિજ્ઞાનક્ષેત્રને ભારે ફટકો પડ્યો અને સવિશેષ તો ભારતના વૈજ્ઞાનિક વિકાસને. ભાભા બુદ્ધિનિષ્ઠ અને ઉચ્ચ રાષ્ટ્રીય ચારિત્ર્યના પ્રતીક સમાન હતા.
સંશોધન-સંસ્થાઓના સર્જન દ્વારા તેઓ ચિરસ્મરણીય બન્યા છે. પરમાણુ-ઊર્જાના શાંતિમય ઉપયોગોના હિમાયતી આ ફિરસ્તાએ ભારતના કરોડો લોકોનાં ઘર અજવાળ્યાં છે; લાખ્ખો કારખાનાંઓનાં ચક્રોને ગતિ આપી છે અને તે રીતે સમગ્ર ભારતને રોશન કર્યું છે. તેઓ સદાયે દરેક કાર્યમાં શ્રેષ્ઠતાની ઝંખના કરતા, તેથી તેઓ સૌંદર્ય અને સંવાદિતાનું સર્જન કરી શક્યા. આ બધી સિદ્ધિઓને કારણે વિશ્વનાં વિકસિત રાષ્ટ્રોની હરોળમાં ભારતને ઉચ્ચ સ્થાન અપાવવા માટે પુરુષાર્થ કરતી ભારતના વિજ્ઞાનીઓની આગામી પેઢી માટે તેઓ પ્રેરણાનો અખૂટ સ્રોત બન્યા છે. આવા મહાન વૈજ્ઞાનિક ડો. હોમી જહાંગીર ભાભાને શતકોટી ભાવવંદન
Mansi Desai