શ્રીગણેશજીનો જન્મ ભાદરવા સુદ ચોથના પવિત્ર દિવસે થયો હતો. સ્કંદપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, લીંગપુરાણ, શિવપુરાણ, મુદગલ પુરાણ, ગણેશપુરાણ જેવા જુદા અનેક પુરાણમાં ગણેશજીની કથાપ્રસંગ જોવા મળે છે. શિવજી તો સ્વયં અલગારી દેવ છે. તેઓ પોતાનો મોટાભાગનો સમય સમાધિમાં જ ગાળે છે. એક દિવસ પાર્વતીજીને એમ થયું કે હું ઘરમાં એકલી કંટાળી જઉં છું. જો, મારે સંતાન હોય તો મારો સમય વધુ આનંદમાં પસાર થાય કારણ કે કાર્તિકેય તો દક્ષિણાવર્તમાં ધર્મપ્રચાર માટે ચાલ્યા ગયેલા. એક દિવસ પાર્વતી માતાએ માટીનો પિંડ બનાવી પોતાના તપોબળથી ગણેશજીનું નિર્માણ કર્યું હતું. આમ, ગણેશજી નાયક વિના પ્રગટ થયા હતા માટે ગણેશજી ‘વિનાયક’ પણ કહેવાયા.
ગણેશજીનું પ્રાગટ્ય થયું ત્યારબાદ એક દિવસ પાર્વતીજી સ્નાન કરવા બિરાજ્યા ત્યારે તેમણે ગણેશજીને દ્રારપાળ તરીકેની જવાબદારી સોંપી. ગણેશજી દ્વારપાળ તરીકે પહેરો આપતા હતા ત્યારે તે સમયે શિવજી પધાર્યા. શિવજી ઘણા સમય પછી સમાધિમાંથી પધારતા હતા. શિવજી જેવા ઘરની અંદર પ્રવેશવા ગયા તેવામાં જ ગણેશજીએ તેમને અટકાવ્યા. શિવજીને ખબર નહોતી કે આ મારો પુત્ર છે અને ગણેશજીને ખબર નહોતી કે આ મારા પિતા છે. માતૃઆજ્ઞાથી તેઓ બંધાયેલા હતા તેથી શિવજી અને ગણેશજી વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ દરમિયાન શિવજીએ ગણેશજીનો શિરચ્છેદ કર્યો. થોડા સમય બાદ પાર્વતીજી પધાર્યા અને આ ઘટના જોઈ પાર્વતી અત્યંત ક્રોધિત થયા અને વિશાળ રૂપ ધરી સ્વર્ગલોક અને પૃથ્વીલોકને ખાક કરી નાંખે તેવો ક્રોધ કર્યો. પાર્વતી પાસેથી આખીય બાબત સમજી શિવજીએ પોતાની ગણસેનાને આજ્ઞા કરી કે ઉત્તર દિશામાં જે જીવીત પ્રાણી મળે તેનું મસ્તક લઈ આવો. ગણસેના હાથીનું મસ્તક લઈ આવ્યા. શિવજીએ હાથીનું મસ્તક ગણેશજીના ધડ ઉપર સ્થાપિત કર્યું. વળી, શિવજીએ તેમને સમસ્ત ગણસેનાના ગણાધ્યક્ષ પણ બનાવ્યા. એ ઉપરાંત વરદાન આપ્યું કે કોઇપણ દેવદેવીની પૂજા કરતા પહેલા સૌપ્રથમ ગણેશની પૂજા કરવી અનિવાર્ય છે. આમ, શિવજીએ ગણેશને પૂજાનો અગ્રભાગ આપ્યો.
▶️ આ વર્ષે ગણેશ ઉત્સવ ખૂબ જ શુભયોગમાં ઊજવવામાં આવશે. ગણેશોત્સવની શરૂઆત 31 ઓગસ્ટ, બુધવારના દિવસથી થઈ રહી છે. શાસ્ત્રોમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. બુધવારના દિવસે ભગવાન ગણેશજીની પૂજા-આરાધના કરવાથી બધાં જ પ્રકારનાં સુખની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં આવતાં વિઘ્નો તરત જ દૂર થઈ જાય છે.
👉 ગણેશ સ્થાપના અને પૂજાનાં શુભ મુહૂર્ત
સવારે- 11.43થી બપોરે 13.56 સુધી
વિજય મુહૂર્ત- બપોરે 02.05થી 02.55 સુધી
ગોધૂલિ મુહૂર્ત- સાંજે 06.06થી 06.30 વાગ્યા સુધી
અમૃત કાળ- સાંજે 05.42 થી 07.20 સુધી
👉 દિવસનાં ચોઘડિયાં
લાભઃ સવારે 06.12થી 07.46 સુધી
અમૃતઃ સવારે 07.46થી 09.19 સુધી
શુભઃ સવારે 10.53થી 12.27 સુધી
લાભઃ સાંજે 05.08થી 06.41 સુધી
▶️ આ સિવાય ગણેશચોથના દિવસે રવિયોગનો સંયોગ પણ બની રહ્યો છે. રવિયોગમાં કરવામાં આવતી પૂજા હંમેશાં લાભકારી હોય છે. આ દિવસે રવિયોગ 31 ઓગસ્ટના સવારે 6 વાગીને 06 મિનિટથી શરૂ થશે, જે 1 સપ્ટેમ્બરના રોજ સવારે 12 વાગીને 12 મિનિટ સુધી રહેશે. ત્યાં જ જો ગ્રહોના યોગની વાત કરવામાં આવે તો ગણેશચતુર્થીના દિવસે ચાર મુખ્ય ગ્રહ સ્વરાશિમાં રહેશે. ગુરુ પોતાની સ્વરાશિ મીનમાં, શનિ મકર રાશિમાં, બુધ ગ્રહ પોતાની જ રાશિ કન્યામાં અને સૂર્યદેવ સ્વરાશિ સિંહમાં રહશે. આ કારણે શુભ સંયોગમાં ગણેશ સ્થાપના કરવાથી જીવનમાં વૈભવ, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થશે.
👉 ગણપતિની જમણી અને ડાબી સૂંઢનું મહત્ત્વ
જે મૂર્તિમાં ગણેશજીની સૂંઢ જમણી તરફ હોય, એને સિદ્ધિવિનાયક સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે ડાબી સૂંઢવાળા ગણેશ વિઘ્નવિનાશક કહેવામાં આવે છે. સિદ્ધિવિનાયકને ઘરમાં સ્થાપિત કરવાની પરંપરા છે અને વિઘ્નવિનાશક ઘરની બહાર દ્વાર પર સ્થાપિત કરવામાં આવે છે, જેથી ઘરમાં કોઈ પ્રકારનું વિઘ્ન, એટલે કે પરેશાનીઓનો પ્રવેશ થઈ શકે નહીં. ઓફિસમાં ડાબી તરફ સૂંઢવાળા અને ઘરમાં જમણી તરફ સૂંઢવાળા ગણપતિજીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. માટીના ગણેશ શુભ હોઇ ગણેશજીની મૂર્તિ માટીની હોવી જોઈએ, કેમ કે માટીમાં સ્વાભાવિક પવિત્રતા હોય છે. જ્યોતિષીઓ અને ધર્મશાસ્ત્રોના જાણકારોના જણાવ્યા પ્રમાણે, માટીની ગણેશ પ્રતિમા પંચતત્ત્વથી બનેલી હોય છે. એ મૂર્તિમાં જમીન, જળ, વાયુ, અગ્નિ અને આકાશના અંશ રહેલા હોય છે, એટલે એમાં ભગવાનનું આવાહન અને તેની પ્રતિષ્ઠા કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. માટીના ગણેશની પૂજા કરવાથી પોઝિટિવ ઊર્જા મળે છે. જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ અને અન્ય કેમિકલ્સ દ્વારા બનેલી મૂર્તિમાં ભગવાનનો અંશ રહેતો નથી. એનાથી નદીઓ પણ અપવિત્ર થાય છે. બ્રહ્મપુરાણ અને મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નદીઓને ગંદી કરવાથી દોષ લાગે છે
Mansi Desai