કેટલાં વાગ્યા હશે? ઓહ્ બાપ રે! આઠ વાગી ગયા. હે ભગવાન આજે ઓફિસનો પહેલો દિવસ છે અને ઉઠવામાં મોડું થઈ ગયું. કેમ કરીને હવે ઓફિસે પહોંચીશ? યોગેશ ખૂબ ચિંતામાં ડૂબી ગયો અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો. જલ્દી જલ્દી ગમે તેમ કરીને નવ વાગ્યા ત્યાં ઓફિસે જવા ઘરેથી નીકળી પડ્યો. શર્ટનો અડધો કોલર ઉંચો અને એક બાંય અડધા હાથે, ચાલતો અને દોડતો, ગોથલિયા ખાતો ખાતો તે બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયો. નવ વાગ્યાની બસ તો ચૂકાઈ ગઈ હતી. હવે સાડા નવની બસની રાહ જોતો જોતો ભગવાનનું સ્મરણ પણ કરવા લાગ્યો. સમયસર ઓફિસે પહોંચ્યા બાદ યોગેશ એ પ્રથમ તો ભગવાનને જ યાદ કર્યા, હે પ્રભુ, તે પહેલા જ દિવસે મને બચાવી લીધો. તારો ખૂબ ખૂબ આભાર.
ભગવાનને પ્રસાદી તો ધરીએ પણ અડધોરત તો એમનમ જ પડી રહે. મિતુલ, મે તને કેટલી વાર કીધું કે પ્રસાદીના બે દાણા તો બે દાણા, પણ ચાખી લેવાના. આમ ના ખાઈને અપમાન કરીએ એ પાપ લાગે. અને તું ભગવાનને પગે પણ નથી લાગતો. જા, તું પેલા નમસ્કાર કરી આવ પછી રમવા જજે. યોગિતાબેને પોતાના દીકરા મિતુલને પરાણે ધક્કો મારીને મંદિરમાં મોકલ્યો.
એક બાજુ જોઈએ તો યોગેશને ભગવાન પાસે આશ હતી, અને બીજું બાજુ યોગિતાબેન કે જેને પાપ ના લાગી જાય એનો ડર હતો.
રસ્તાની કિનારે સ્થાપેલા પથ્થરો પાસેથી નીકળતા તેને નમસ્કાર કરવું પડે છે, એ આજે લોકોની એક મોનોપોલી બની ગઈ છે. દેશની ૨૦% વસતી રાત્રે ભૂખ્યા પેટે સુવા માટે મજબૂર છે, જ્યારે બીજી બાજુ મંદિરની ગટરોમાં હજારો લિટર દૂધ એમ જ વહી જાય છે. મંદિરમાં દાદરા ઉપર બેઠેલા એ માણસોની સામે નજર ના પડે એમ આજે માણસો મંદિરના પગથિયાં ઝટપટ ઝટપટ ચડી જાય છે.
ભગવાનની પ્રસાદીના પણ આજે નવીનતા આવી છે, એક નારિયેળ ક્યારેય ના વધેરાય, નારિયેળ જોડીમાં જ વધેરવા જોઈએ. મને એ કહો કે આ ભગવાન પ્રત્યેની આસ્થા છે કે પછી ભગવાનથી લાગતો ડર!
બીજી બાજુ, એક વસ્તુ એ છે કે, ભગવાન ક્યારે ઉઠશે, બપોરે ક્યારે સુસે, સાંજે ક્યારે જાગશે અને પાછા રાત્રે જ્યારે સૂઈ જાશે.. આ બધું નક્કી કરવાની શક્તિ આજે માનવ પાસે છે તો પછી હર એક માનવી પોતાના સુખી જીવન માટે ભગવાન પાસે શા માટે ભીખ માગે છે. એક બાજુ ભગવાનને પોતાના ઇશારે નચાવે છે અને બીજી બાજુ ખુદ ભગવાનના પગે પડે છે.
એક દૂધનું પાઉચ, બે અગરબતી, બે શ્રીફળથી ભગવાનને પ્રેમ કરો છો કે ભગવાનની કિંમત! જુદી જુદી રીતો અને જુદા જુદા આચરણોથી ભગવાનના અલગ અલગ રૂપ પણ પડી ગયા છે અને આજે તો હર એક ભગવાનને જુદું જુદું સ્વરૂપ પણ માનવીએ આપી દીધું છે કે આ ભગવાન આ રંગના અને આ કદના જ હોય! આમ બધું જ ખુદ નક્કી કરીને ભગવાનને બનાવે છે અને પછી ખુદ જ ભગવાનના શરણે પડીને રડે છે, ખરેખર આજે તો ભગવાન પણ આ દુનિયામાં ભૂલો પડ્યો છે. ખાલી હાથે મંદિરે ના જવાય, દંડવત કર્યા સિવાય મંદિરેથી નીકળાય નહિ આવા ઘણા ઘણા નિયમોમાં આજે માનવીએ ખુદને બાંધી દિધો છે, આ બધા પાછળ ખરેખર ભગવાન પ્રત્યે ભક્તિ છે કે પછી ભગવાનથી લાગતો ડર છે.
ચોક્કસ દિવસે ચોક્કસ ભગવાનના મંદિરે જવાનું અને ચોક્કસ વિધિ કરવાની. ભગવાન તને પામવા મારે મંદિરે આવવું પડશે? એમાં કોઈ ઓનલાઈન મિટિંગ નહિ થઈ શકે? અને અત્યારે તો ઓનલાઇન દર્શન પણ શરૂ થયા છે પણ એમાં કોઈને વિશ્વાસ નથી બેસતો. ભગવાનને તો મંદિરે જઈને અડીએ તો જ ફળે, આ વિચાર સાથે આજે સૌ ગોથા ખાય છે. જે હોય તે, આજે માણસ ભગવાનની પૂજા કરીને શ્રદ્ધા વ્યક્ત કરે છે કે પછી એને ડર લાગે છે એટલે પૂજા કરે છે.. આ પ્રશ્નનો જવાબ તો ભગવાન ખુદ પાસે પણ નહિ હોય. પરંતુ આજે ભગવાન ખુદ મૂંઝાયો છે એ તો નક્કી વાત છે!
દીપ ગુર્જર