“અમૃતા, ના પાડતાં પહેલાં બે વાર વિચારી લે. આ એક સુવર્ણ તક છે.”
“હા મ’મ મને ખબર છે.”
“મને મ’મ કહેવાનું બંધ કર! તું જાણે છે કે મને તે ગમતું નથી.”
“ઠીક છે માનસી, હા આ એક સરસ મોકો છે.”
“અને તો એ તને એનો લાભ નથી લેવો? હું ઇચ્છું છું કે તું મારી સાથે આ ટ્રીપ પર આવે. આ પ્રોજેક્ટ તને બીજા કરતા કેટલી આગળ લઈ જશે, તેનો અંદાજો પણ છે તને?”
આ પ્રોજેક્ટ મળ્યો, ત્યારથી પાંચમી વખત તેઓ આ ચર્ચા કરી રહ્યા હતા. માનસી અમૃતાની સીનયર હતી અને બંને મિત્રો એક એડ એજન્સીમાં કામ કરતા હતા. અમૃતા ચૂપ રહી, જ્યારે તેની બોસ તેને સમજાવવાથી કંટાળી ગઇ, ત્યારે તેણે ધીમે ધીમે તેના કારણો સંભળાવા માટે મોં ખોલ્યું.
“માનસી તને ખબર છે કે હું કામથી ડરવા વાળી વ્યક્તિ નથી. જો મારી દીકરીની બેડમિંટન ફાઇનલ તે જ સમય દરમિયાન ન હોત, તો હું ચોક્કસ તારી સાથે ઓસ્ટ્રેલિયા આવત.”
માનસી ગુસ્સે થઈ ગઈ અને વ્યંગ્યાત્મક ટિપ્પણી કરી,
“આ તેના જીવનની પહેલી અને અંતિમ ફાઇનલ નથી.”
અમૃતાને આ કમેન્ટ ન ગમી.
“અને અમારી કંપની માટે આ છેલ્લો પ્રોજેક્ટ નથી.”
“અમૃતા તે તારી પુત્રીની આ બેડમિંટન મેચને બિનજરૂરી રીતે મોટું સ્વરૂપ આપી રહી છો. જાણે કે તને ખાતરી છે કે તે જીતી જશે.”
આ ટિપ્પણીએ અમૃતાનો ગુસ્સો વધારી નાખ્યો. પણ પોતા પર નિયંત્રણ રાખતા, એણે નિશ્ચિતપણે કહ્યું,
“માનસી, હાર-જીત જરૂરી નથી. ભલે તે જીતે કે હારે, મારે તેના પડખે ઉભા રહેવું છે. મારે તેના વિકાસના વર્ષોની મહત્વપૂર્ણ ઘટનાઓ ગુમાવવી નથી. કૃપા કરીને સમજવાનો પ્રયત્ન કર.”
છ કલાક પછી, ઘરે …….
“માનસીની શું પ્રતિક્રિયા હતી?”
અનુરાગ પલંગ પર પગ લંબાવીને બેઠો હતો. તેની નજર અમૃતા પર હતી, જે ડ્રેસિંગ ટેબલ પાસે બેસીને હાથ પર લોશન લગાડી રહી હતી. અનુરાગ ઘરે આવ્યો ત્યારથી તે જાણવા માટે ઉત્સુક હતો, પરંતુ બન્ને પતિ પત્ની અમુક નિયમોનું પાલન કરતા હતા અને તેમની પુત્રી અરુંધતીની સામે આવી બાબતોની ચર્ચા નહોતા કરતા. અમૃતાએ તેના પતિ પર અરીસામાંથી સ્મિત કર્યું અને એને જોવા ફરી, “સ્વાભાવિક છે, એને ન ગમ્યું.”
અમૃતા આવીને અનુરાગની બાજુમાં બેઠી.
“પણ અમૃતા, માનસી પહેલેથી તારો નિર્ણય જાણતી હતી, પછી શામાટે એને ખરાબ લાગ્યું?”
“હા. પણ આજે ફાઇનલ નો જેવું હતું. તો દેખીતી વાત છે, મે એના અગાઉની આશાઓને મારી નાખી અને તે ગુસ્સે થઈ ગઈ.”
અનુરાગે તેની પત્નીનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું,
“હું સમજું છું કે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ છે. હું નથી ઇચ્છતો કે તારી અને માનસીની ટ્યુનિંગમાં કાંય ફરક પડે. એ ફક્ત તારી મિત્ર જ નહીં પરંતુ બોસ પણ છે. હું છું અરૂંધતિ માટે. જો તને હજી પણ આ પ્રોજેક્ટ લેવાની ઇચ્છા હોય, તો તું જા ઓસ્ટ્રેલિયા, હું અહીંયા સંભાળી લઈશ.”
અમૃતાએ હસીને માથું હલાવ્યું.
“ના અનુ, મેં મારો નિર્ણય લઈ લીધો છે. હું આ જ ઇચ્છું છું કે આપણી પુત્રી માટે ત્યાં હાજર રહું, તેને રમતા જોઉં અને પ્રેક્ષકોમાં બેસીને, તેના નામની ચીસો પાળુ. મને એના જીવનની આ યાદગાર ક્ષણોમાં એની સાથે રહેવું છે.”
અનુરાગે તેને પોતાની બાહોમાં લઈ લીધી.
“તું એક ખૂબ સારી મા છે અને મને તારા પર ગર્વ છે.”
“હું ફક્ત પ્રયાસ કરી રહી છું. હું અરુંધતીમાં શ્રેષ્ઠ મૂલ્યો લાવવા માંગુ છું. પરંતુ બધા વિશે ભાષણો આપી શકાતા નથી. કેટલાક ફક્ત અનુભવ કરવાથી આવે. અનુરાગ સ્મિત કરતા ફરી એને બાથ માં લઇ લીધી.
તેમના બંધ બેડરૂમના દરવાજાની બહાર ઉભી અરુંધતીએ આંસુ લૂછ્યાં અને તેને પોતાના માતાપિતા પ્રત્યે નવેસરથી પ્રેમ અને આદર જાગ્યો.
શમીમ મર્ચન્ટ