નમસ્કાર મિત્રો,
પાછળ સપ્તાહે આપણે લગ્ન સ્થાનના ગુરુ મહારાજના શુભ અને અશુભ પ્રભાવો તથા એ અશુભ પ્રભાવોને દૂર કરવાના ઉપાયો વિશે માહિતી મેળવી. આજે આપણે કુંડલીના બીજા સ્થાન એટલે કે ધન સ્થાનમાં બિરાજેલા ગુરુ મહારાજના ફળ વિષે માહિતી મેળવીશું. લાલ કિતાબમાં બીજા સ્થાનના ગુરુને જગતના ધર્મગુરુ અને ઈલ્મ તથા તાલીમનો માલિક કહ્યા છે. કિતાબ બીજા સ્થાનના ગુરુ વિષે કહે છે કે,
जर व माया गो, दान से तेरा बढता,
मगर सेवा उत्तम, मुसाफिर जो करता
આ સ્થાન ગુરુનું પાક્કું ઘર છે તથા આ સ્થાનનો કારક શુક્ર છે. ગુરુ અને શુક્ર એ બંને શત્રુ ગ્રહો છે. શુક્ર તો ગુરુના પાક્કા સ્થાન એવા બારમા સ્થાનમાં પોતાનું શુભ ફળ આપે છે પણ ગુરુ એ શુક્રના સ્થાનોમાં એટલો શુભ પ્રભાવ આપતો નથી પણ અમુક એવી ખાસ બાબતોને ધ્યાન રાખવામાં આવે તો ગુરુનું શુભ ફળ ચોક્કસ રીતે મેળવી શકાય છે. જેની કુંડળીમાં બીજા સ્થાનમાં ગુરુ છે એ જો સોના સંબંધિત કામ કરે અથવા ઉપદેશક (જે ફ્રીમાં ધર્મનો ઉપદેશ ફેલાવવાનું કાર્ય)નું કાર્ય કરે તો તેને નુકસાન જ થશે. આવા જાતકોને ખેતીવાડી, કોસ્મેટિક્સ કે શાકભાજી સંબંધિત કાર્યો કે જે શુક્ર સંબંધિત છે તેનો કારોબાર કરે તો તેને ચોક્કસ ફાયદો થાય. આવા જાતકોએ પોતાની પત્નીને સાથે રાખીને તમામ કાર્યો કરવા જોઈએ, જેથી તેમને ધન, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય પ્રાપ્ત થાય. હવે આ સ્થાનના ગુરુ શુભ પ્રભાવ આપી રહ્યા છે તે કેવી રીતે જાણવું
બીજા સ્થાનના ગુરુનો શુભ પ્રભાવ
આવા જાતકો ખૂબ દાની અને ધર્મપાલન કરનારા હોય છે. પોતાના ઘેર આવનારા તમામ મહેમાનોને સાચવનારા તથા મુસાફરોને મદદ કરનારા હોય છે. આવા જાતકો ગુરુના શુભ પ્રભાવ હેઠળ સુખી ગૃહસ્થીઅને જીવન જીવીને પાછલી ઉંમરમાં જ્ઞાની સંત કે આધ્યાત્મિક ક્ષેત્રે ઊંચી પદવી પ્રાપ્ત કરી શકે છે. આવા જાતકોના જીવનમાં પૈસો હવાની જેમ અચાનક આવતો હશે અને જાતક તેને પાણીની જેમ વાપરતો હશે. કુંડળીમાં સૂર્ય નબળો હોવા છતાં ૨૭ વર્ષની ઉંમર સુધી સરકાર તરફથી લાભો પ્રાપ્ત થતા રહે છે.
હવે આપણે જાણીયે બીજા સ્થાનના ગુરુના અશુભ પ્રભાવો તથા તેના અશુભ હોવાની નિશાનીઓ
બીજા સ્થાનના ગુરુનો અશુભ પ્રભાવ
કિતાબમાં બીજા સ્થાનના નીચ ગુરુને પોતાના જ કુળને તબાહ કરનાર કહેવામાં આવ્યો છે. જો બીજા સ્થાનનો ગુરુ અશુભ કે નીચ હોય તો આવા જાતકો કંજૂસ, મહેમાનોને નફરત કરવાવાળા કે મહેમાનગતિ તરફ અણગમો રાખનારા તથા પત્નીની અવહેલના કરનારા હોય છે.
गुरु जहां दो मन्दिर कच्चा, या बैठक खुद साथी हो,
मारग घर से गुरु भी डरता, आठ द्रष्टि खाली जो
જો કુંડળીમાં આઠમું સ્થાન ખાલી હોય તો પણ ગુરુનો શુભ પ્રભાવ નહિ મળે. જયારે બીજા અને આઠમા સ્થાનમાં કોઈ ને કોઈ પાપી ગ્રહો અશુભ થઈને બેઠેલા હોય ત્યારે અથવા દ્રષ્ટિ દ્વારા ગુરુના શુભ પ્રભાવને બરબાદ કરતા હોય ત્યારે ગુરુની બરબાદીની અસર કેતુ દ્વારા જાણી શકાશે એટલે કે જયારે કુંડલીમાં બેજ સ્થાનનો ગુરુ હોવા છતાં જાતકના પોતાના સંતાન, પાળેલું કૂતરું, પોતાના મામા, કાન અને કરોડરજ્જુમાં તકલીફ આવે ત્યારે ગુરુનો અશુભ પ્રભાવ જાણવો. આવી વ્યક્તિ જ્યાં પગ મૂકે ત્યાં પ્રલય લાવે ખાસ કરીને કેતુ સંબંધિત સગાસંબંધીઓને ત્યાં એટલે કે બહેનના ઘેર ભાઈ, સસરાને ઘેર જમાઈ અને નાનાને ઘેર પૌત્ર. આ સ્થાનના ગુરુ વાળા જાતકોએ કદી પણ બહેનના ઘેર, પોતાના સાસરા પક્ષમાં કે પોતાના મોસાળમાં કાયમી રોકાણ કરવું નહિ અન્યથા આ ત્રણેય પરિવારો બરબાદ થાય છે. જયારે કુંડળીમાં શુક્ર નીચ અને શનિ દસમે હોય ત્યારે જાતકનું સ્વાસ્થ્ય કથળે તથા પત્નીસુખ ઓછું થાય. એમાં પણ જો કર્મ સ્થાન એટલે કે દસમે બુધ, શુક્ર, શનિ કે રાહુ પાપી થઈને બેઠા હોય તો તો જાતકને ચારે બાજુથી મુસીબતો આવે.
બીજા સ્થાનના ગુરુના ઉપાયો
૧. ઘરે આવેલા મહેમાનોની સારી રીતે આગતા સ્વાગત કરવી.
૨. બધા સાથે સારો વ્યવહાર કરવો.
૩. જેટલું દાન ધર્મ કરશો એટલું સુખ પામશો.
૪. સાપને દૂધ પીવડાવવું. (અહીં સાપ એટલે મજૂર કે કોઈ પણ કારીગર વર્ગના માણસને એમ સમજવું. સાપ કોઈ દિવસ દૂધ ના પીવે પણ સાપ એ શનિનું જાનવર છે એટલે એની અવેજીમાં આપણે મજૂર કે કામદાર વર્ગના માણસને દૂધ પીવડાવીને શનિના શુભ પ્રભાવને પામી શકીયે છે)
૫. પીળા કપડામાં ચણાની દાળ બાંધીને માથેથી સાત વાર ઓવરીને મંદિરમાં દાન આપવી.
૬. સોના સંબંધિત કારોબાર ના કરવો.
૭. શુક્ર સંબંધિત કારોબાર જેવા કે ખેતીવાડી, શાકભાજી, કોસ્મેટિક્સ, શૃંગારની વસ્તુઓ, પ્રોવિઝન સ્ટોર જેવા વ્યવસાયથી ઉત્તમ લાભ મેળવી શકાય.
૮. જો તમારા ઘરની આજુબાજુમાં રોડ પર કોઈ ખાડા દેખાય તો તેને તાકીદે પૂરાવી દેવા.
હવે મળીશું આવતા સપ્તાહે ત્રીજા સ્થાનમાં ગુરુ ગ્રહના શુભાશુભ પ્રભાવની માહિતી વિશે.
જય અંબે…