તેમનો જન્મ ૨૫ મે ૧૯૦૪ ના રોજ વડોદરા નજીક આવેલા બોડકા ગામમાં થયો હતો. ૧૯૨૧માં તેઓએ વડોદરામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૨૫થી નિવૃત્તિ સુધી તેઓ ઝેનિથ લાઇફ એન્ડ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજરના પદે રહ્યા હતા. હરિપ્રસાદ વ્યાસે ગુજરાતી બાળસાહિત્યમાં પ્રાણીઓના પાત્રોને માનવ પાત્રોને ઢાળીને માનવ જેવાં બોલતા કરીને લોકપ્રિય બનાવેલા. કેટલાંય કાલ્પનિક પાત્રો જેવાં કે બકોર પટેલ, શકરી પટલાણી, વાઘજીભાઇ વકીલ, ઊંટડીયા ડોક્ટર, હાથીશંકર ધમધમિયા, ભોટવાશંકરનું સર્જન કર્યું હતું. બકોર પટેલની આખી પાત્ર સૃષ્ટિની કમાલ એ હતી કે તેમાં માણસે સર્જેલી બધી વસ્તુઓ હતી પણ માણસનું નામોનિશાન નહીં. એવું લાગે જાણે મનુષ્યે પૃથ્વીને આબાદ કરીને, પ્રાણીઓના પોતાનાં લક્ષણ શીખવીને, આખું વિશ્વ તેમના હવાલે કરી દીઘું હોય. બકોર પટેલની વાર્તાઓમાં કૂતરા અને ઊંટ જેવાં ઘરેલુ પ્રાણીથી માંડીને વાઘ અને હાથી અને વાઘ જેવાં જોરાવર-હિંસક પ્રાણીઓ આવે. પરંતુ પંચતંત્રની વાર્તાઓની જેમ આ પાત્રોમાં પ્રાણીઓનું એકેય લક્ષણ નહીં. વાઘજીભાઇ વકીલનો દેખાવ વાઘ જેવો હોય એટલું જ. બાકી તેમનાં બધાં લક્ષણ વકીલનાં હોય.
બકોર પટેલ અને શકરી પટલાણી પ્રાણી તરીકે ભલે બકરા-બકરી હોય, પણ એ બાબતનું મહત્ત્વ ફક્ત તેમના બાહ્યા-શારીરિક દેખાવ પૂરતું. તેમના વર્તનમાં ક્યાંય બકરાપણું ન આવે. તેઓએ ૧૯૩૬ થી ૧૯૫૫ સુધી ગાંડીવ પખવાડિકમાં બકોર પટેલની વાર્તાઓ લખી હતી. આ વાર્તાઓ પાછળથી વાર્તાસંગ્રહ તરીકે પ્રકાશિત થઇ હતી. તેમાં સર્જનમાં બકોર પટેલ (૩૦ પુસ્તકો), ભેજાબાજ ભગાભાઇ (૬ પુસ્તકો), હાથીશંકર ધમધમિયા (૬ પુસ્તકો), ભોટવાશંકરના પરાક્રમો, સુંદર સુંદર (૬ પુસ્તકો), બાલગોવિંદ, હાસ્યવિનોદ, આનંદવિનોદનો સમાવેશ થાય છે. તેમણે ચાલો ભજવીએ શ્રેણી હેઠળ ૧૦ બાળનાટકો પણ લખ્યા હતા. તેમણે કેટલાક હાસ્યનિબંધો વિવિધ શિર્ષકો હેઠળ લખ્યા હતા જેમાં હાસ્યઝરણાં, હાસ્યકિલ્લોલ, હાસ્યવસંત, કથાહાસ્ય, પત્નિની શોધમાં, આંધળે બહેરું, પોથીમાનાં રીંગણાંનો સમાવેશ થાય છે. બકોર પટેલને બકરા તરીકે મધ્યમ વયના વ્યાપારી તેમની બકરી પત્ની શકરી પટલાણી સાથે મુંબઈમાં રહેતા દર્શાવવામાં આવ્યા છે. તેમને કોઈ ભાઈ-બહેન કે બાળકો નથી. તેમના માતા-પિતા વિશે પણ કોઈ માહિતી નથી. તેમને મુંબઈથી જાપાન સાથે વેપાર કરતી પેઢી છે. ૧૯૪૦-૫૦ના દાયકામાં તેઓ ઉપરી-મધ્યમવર્ગનું જીવન ગાડી અને બંગલા સાથે જીવે છે. તેમના મિત્રોમાં વકીલ તરીકે વાઘ-વાઘજીભાઈ વકીલ; હાથી-હાથીભાઈ ધમધમિયા; ઊંટ ડોક્ટર તરીકે ઊંટડિયા ડોક્ટર; પંડિત-ટીમુ પંડિત, જિરાફ જોશી, બાંકુભાઇ અને બીજા અન્યોનો સમાવેશ થાય છે.
કેટલીક વખત કેટલાંક સ્ત્રી પાત્રો તરીકે પાત્રોની પત્ની અને અન્ય પાત્રો જેવા કે ખુશાલ ડોશી દર્શાવવામાં આવ્યા છે. વાર્તાઓનો કાળ મુંબઈમાં ૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકાઓ છે. બકોર પટેલ એ વ્યાપાર માટે પ્રવાસ કરતાં કૌટુંબિક વ્યક્તિ તરીકે અને તેમનાં કુટુંબ અને મિત્રો સાથે સમય વ્યતિત કરતા દર્શાવવામાં આવ્યા છે. તેમની પત્ની સાથે તેમને ઉમદા સંબંધો છે. તેઓ હંમેશા નાના સાહસો ખેડે છે જેનો અંત હંમેશા ઊંધો આવે છે. તેમ છતાંય તેઓ તેમના સાહસની નિષ્ફળતાને માણે છે અને નવું સાહસ કરવા તૈયાર રહે છે. તેમનું કુટંબ અને મિત્રો તેમના સાહસોમાં સાથ આપે છે અને તેને આનંદથી માણે છે. આ વાર્તાઓ બાળકોમાં તેમજ મોટેરાંઓમાં લોકપ્રિય હતી. તેઓ ગુજરાતમાં હજુ પણ લોકપ્રિય છે અને ગુજરાતી ભાષામાં બાળસાહિત્યમાં એક સીમાચિહ્ન તરીકે ગણાય છે. આ કોલમનાં લેખક મનોજ આચાર્યએ પણ તેમના કિશોર જીવનમાં આ કથાઓ રાજકોટની લેંગ લાયબ્રેરીમાં વાંચીને ખુબ માણી છે. આવા ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર હરીપ્રસાદ વ્યાસનું અવસાન તા. 13 જુલાઈ 1980 ના રોજ અમેરિકાના સાન હોજેમાં થયું હતું. ભાવવંદન