હું એક સાઈકાઈટ્રિસ્ટ છું અને મારા લગ્ન પણ એક ડોક્ટર સાથે જ થશે તેવું મારા ઘરમાં પહેલેથી મને કહી દીધેલું. ના ના આ કોઈ તમે સાંભળેલી, વાંચેલી, જોયેલી વાર્તા નથી કહેવા આવ્યો, પરંતુ જે મે અનુભવ કર્યો છે અત્યાર સુધી એ કહેવા આવ્યો છું. મારા ક્લિનિકની બાજુ માં અવિનાશભાઈ અને સ્નેહાબહેન રહે છે. બન્નેનો સંસાર ખૂબ જ સુખી છે અને તેમને એક દસ વર્ષની દિકરી છે, નેના. અવિનાશભાઈને કપડાની દુકાન છે અને સ્નેહાબહેન ગૃહિણી છે અને નેના એ અભ્યાસમાં ખૂબ હોશિયાર વિધાર્થીની છે.
નેનાના મામા એ એક ડાન્સ માસ્ટર છે અને પોતે ડાન્સના ક્લાસ કરાવે છે એટલે હાલ તમે જાણો જ છો ટીવી પર જે રિઆલિટી શો ના નામે ડાન્સ અને સિંગિંગના શો આવે છે અને બાળકની પ્રતિભાઓને આગળ ધપાવે છે. નેના બાળપણથી ટીવીમાં ગીતો જોતાં પોતાની મસ્તી માં નાચતી અને મોટી થતાં શાળામાં પણ વાર્ષિકોત્સવમાં ડાન્સમાં ભાગ લેતી. ટીવીમાં આવતા ડાન્સ દિલસે કાર્યક્રમમાં જેટલા પ્રતિસ્પર્ધીઓ પોતાની કળા રજૂ કરતાં એ સાથે નેના પણ ઘરમાં સાથે સાથે એની જેમ કરવાની કોશિશ કરતી. સામાન્ય પરિવારના વ્યક્તિ હોવાથી અવિનાશભાઈ સમજુ હતા કે આ દુનિયા આખી અલગ છે અને કેહવત પણ છે જ “દૂરથી ડુંગર રણિયાંમળા”, પરંતુ સ્નેહાબહેનએ જીદ પકડી કે નેના ને તેના મામા પાસે ડાન્સ શીખવા મોકલવી અને આવતા વર્ષે તેને આમ જ ટીવીમાં જોવી.
નેના પણ શરૂઆતમાં માની ગઈ તેને થયું એટલો સમય વધુ રમવા મળશે. અવિનાશભાઈ મારા મિત્ર એટલે મને આવ્યા મળવા ને મને તેની મુંઝવણ કહી. મે એમને સમજાવીને કહ્યું દીકરીને શોખ ખાતર કરી લેવા દો. જો સીધું કડકાઇથી ના કહી દેશો તો રિસાઈ જશે નેના અને સ્નેહાબેન બન્ને.
સાહેબ આ ઘર ઘરની સમસ્યા છે, આકર્ષાઈને બાળકને કુમળી વયમાં એક એવા ક્ષેત્રમાં મૂકી દેવું જેમાં તેનું બાળપણ છીનવાઇ જાઈ છે અને તે એક ચકાચોધ વાળી દુનિયાના વમળમાં ફસાઈ જાઈ છે. ખલીલ જિબ્રાન એ પણ કહ્યું છે સાહેબ કે, “તમે બાળકને તમારો પ્રેમ આપી શકો છો, તમારા વિચાર નહીં.” દરેક બાળક વિશેષ હોય જ છે અને જરૂરી નથી કે બાળકને ડોક્ટર, એન્જીનીયર, શિક્ષક, ડાન્સર, સિંગર, એક્ટર કે પછી તમને ગમે એ બનાવો. બાળકને ખબર છે તેની રુચિ શું છે? તેને શું ગમે છે? ફક્ત ટીવીમાં આવતા કાર્યક્રમમાં જોઈને નાચી લે એટલે એને ડાન્સર બનાવો, આ ક્યાંનો ન્યાય છે એ બાળક માટે?
આપણાં દેશમાં માતા – પિતાનો સાથ સૌથી અગત્યનો છે પરંતુ એ સાથ બાળકને ઘણીવાર પરાવલંબી બનાવી દે છે. એક ડોક્ટર તરીકે હું એટલું જાણું છું કે મારા બાળપણમાં મને જે સલાહ મળી અને એ સલાહ માનીને હું ડોકટર બન્યો છું પણ મને મોડું મોડું સમજાયું કે મારામાં પણ નિર્ણય લેવાની ક્ષમતા છે હું જાતે નિર્ણય લઈ શકું છું. મારો કહેવાનો મતલબ એ નથી કે માતા – પિતાનો વિરોધ કરો, બસ એજ કહેવું છે કે ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છું, આપણામાં ખૂબીઓ ઠાંસી ઠાંસી ને આપી છે એને તમે ખુદ ઓળખો અને તમારું ભવિષ્ય એવું સુંદર બનાવો કે જેમાં તમે તમારા માતા – પિતા સાથે સુખીથી રહી શકો.