માર મારવાથી ગધેડો ઘોડાના રૂપમાં ફેરવાઈ જશે એવી સલાહ મળવાથી જે માણસે પોતાના ગધેડાને ટીપી નાખ્યો તે રીતે આપણે આપણા બાળકોને કેળવવા મથતી પદ્ધતિ રદ કરવી જોઈએ. માતાપિતાની અયોગ્ય જોહુકમીને કારણે આપણા બાળકોને આત્મવિકાસ માટે મુક્ત અવકાશ સાંપડતો નથી. મનુષ્યને સુધારવા બળજબરીથી થતા પ્રયાસો હંમેશા એવી સુધારણાને પાછી ધકેલી દેવામાં જ પરિણમે છે.
આપણે બાળકોને રચનાત્મક ખ્યાલો આપવા જોઈએ. નકારાત્મક વિચારો મનુષ્યને કેવળ નિર્બળ બનાવે છે. જ્યાં માબાપ પોતાના સંતાનોને વાંચવા લખવા કાયમ ટોક ટોક કર્યા કરે અને ”તું કાંઈ ઉકાળવાનો નથી, તું તો મૂર્ખ છે.” એવું કહ્યાં કર્યા કેર ત્યાં ઘણા દાખલાઓમાં ખરેખર એ સંતાનો એવાં જ બની જાય છે. તમે તેમને પ્રેમથી બોલાવો અને પ્રોત્સાહન આપો તો યોગ્ય સમયમાં તેઓ અવશ્ય સુધરી જશે. તમે તેમને રચનાત્મક ખ્યાલો આપી શકો તો તેઓ સાચા મનુષ્યો બનશે અને પોતાના પગ પર ઊભા રહેતાં શીખશે.
ભાષા અને સાહિત્યમાં, કાવ્ય અને કળાઓમાં, દરેક વિષયમાં મનુષ્યો પોતાના વિચારો અને કાર્યોમાં જે ભૂલો કરે છે તે આપણે તેમને દર્શાવવી ન જોઈએ, પરંતુ આ બધું તેઓ વધારી સારી રીતે કરી શકે, તે માર્ગ તેમને દર્શાવવો જોઇએ. શિષ્યની જરૂરિયાત પ્રમાણે શિક્ષણમાં ફેરફાર થવો જોઇએ. તે જ્યાં ઊભો હોય ત્યાંથી તેનો હાથ પકડીને તેને આગળ ધપાવો. કોઈ છોડવાને ઉગાડવાના કાર્યમાં તમે જેટલી સહાય કરી શકો તેનાથી વિશેષ સહાય તમે કોઈ બાળકને શીખવવાના કાર્યમાં કરી શકો નહીં. સઘળું જ્ઞાન મનુષ્યની અંદર રહેલું છે અને આપણે તેને માત્ર જાગ્રત કરવાની જરૂર છે. શિક્ષકનું કાર્ય માત્ર આટલું જ છે. પોતાનાં હાથ-પગ અને આંખ-કાનનો યોગ્ય ઉપયોગ કરવામાં બાળકો પોતાની જ બુદ્ધિ વાપરતાં શીખે એટલું જ માત્ર આપણે તેના માટે કરવાનું છે.