બાપૂ ,
Facebook પર
તમને વખાણતાં ને તમને વખોડતાં રાત પડી જશે. તમે ય હવે ટેવાઇ ગયા હશો એનાથી.
આજે ફરી એકવાર અમે વાણી સ્વાતંત્ર્યનો લ્હાવો લેશું.
તમારી ભૂલો અને નિષ્ફળતાઓ
અને મર્યાદાઓ ગાશું.
તમે મુસ્લીમોની તરફદારી કરી,
તમે પાકિસ્તાનને મદદ કરી,
તમે તમારા પુત્ર હરીલાલને અન્યાય કર્યો,
તમે જવાહરલાલનો પક્ષ લઇ
સરદારને અન્યાય કર્યો,
તમે આંબેડકર કે સાવરકર કે ટાગોર કોઇને સમજ્યા નહીં,
તમે વારેવારે ઉપવાસ પર ઉતરીને લાગણીનું દબાણ સર્જ્યું,
તમે કસ્તુરબાને અપમાનિત કર્યાં,
તમે બ્રહ્મચર્યના અયોગ્ય પ્રયોગ કર્યા..
તમે…
બાપૂ, ,
યાદી તો હજીય લાંબી કરવા
અમે સજ્જ છીએ
ને એ માટે જ સંશોધનરત છીએ . .
કારણકે અમે સ્વતંત્ર છીએ!
પણ ,
હવે વિશ્વને તમારી વાતોમાં
આશાનું કિરણ દેખાઇ રહ્યું છે.
વિશ્વ સામેની સમસ્યાઓનો ઉકેલ દેખાય છે.
ઠેરઠેર એ સંદર્ભે અભ્યાસ થાય છે .
તમારાં પૂતળાં ઉભા થાય છે.
બાપૂ,
કાલે એ લોકો તમારો મહિમા કરશે ત્યારે અમે તમને “અમારા” જાહેર કરીશું
બાપૂ,
ત્યારે પણ તમને ન સમજનારા હતા,
આજે ય છે
ને કાલે ય હશે
એનું કારણ તમારી પારદર્શીતા છે.
અપારદર્શકો અને અર્ધપારદર્શકોની વચ્ચે
કોઇ માણસ
પોતાને વિષે આટલો પારદર્શક
હોઇ જ કઇ રીતે શકે
એ સવાલ ત્યારે ય હતો,
આજે ય છે
ને કાલે ય રહેશે.
બાપૂ ,
તમારી વિદાય પછીની ત્રીજી પેઢી ય આજની નાગરિક થઇ ગઇ
ને ચોથી આવતીકાલની !
ચાર ચાર પેઢીએ
સાધારણ વ્યક્તિ જ વિસ્મૃત થઇ જાય ત્યાં વિચારનું તો શું થાય ?
પોતાના ઘરના દિવાનખંડની દિવાલ પર
તસ્વીર થઇ ઝૂલવાનું સૌભાગ્ય પામેલા
અને પ્રસંગોપાત તાજા ફૂલનો હાર પામતા દાદાજીને
આમ તો બનાવટી બારમાસી ફૂલના હારમાં જ
રાજી રહેવાનું હોય .
કોઇકવાર જ ઘરનાંના હાથે
હળવાશથી કાચ લૂછાય .
બાકી તો ઘાટી જ
ઝડઝાપટમાં જે ધૂળ ઉડાડે તે.
દાદા હતા ત્યારે એમનો ખાટલો
જેમ ખસતો ખસતો
સ્ટોર રુમમાં પહોંચી ગયેલો એમ જ આવી તસ્વીર પણ સમય જતાં દિવાનખંડમાં રહેતી નથી.
દિવાલ સાથે મેચ નથી થતીને ! ત્યાં દાદાના વિચારોને તો
યાદ પણ કોણ કરે ?
ને કોઇ યાદ કરે કે કરાવે
તો એને વિષે બે મિનિટનું મૌન !
દાદાના વારાના વાસણની જેમ
એમના વિચાર પણ
રોજના વ્યવહારમાં નકામા.
હા, એને માળિયે કે અભેરાઇએ
ચડાવીને રાખ્યા હોય તો વળી
એન્ટીક વેલ્યુ માટે
પ્રસંગે પ્રદર્શન થાય એ ખરું.
એટલાં પૂરતો એના પર
ઘરઘાટીને બદલે કોઇ પરિવારજનનો હાથ ફરે
ને એ ઉજળાં થાય તો નસીબ !
હવે એ કોણ સમજાવે કે
આ હાથ ફેરવવાથી
એ નહીં
આપણે ઉજળાં થઇએ છે.
સ્હેજ ધ્યાનથી જોઇએ તો
એમાં આપણો ચ્હેરો દેખાશે.
બાપૂ,
આજે એ દિવસ છે,
ઉજળા થવાનો.
અમને અજવાળવાનો.
ભલે કાલ પાછા અભરાઇ પર ,
પણ હજી એક દિવસ પૂરતા ય
તમે યાદ આવો છો.
બાપૂ,
ગાંધી ચીંધ્યો માર્ગ એટલે કયો માર્ગ ?
તમે કોઇ માર્ગ ચીંધ્યો તો ક્યાં ?
તમે તો જાતે ચાલ્યા હતા ત્યાં..
તમે કહ્યું કે
મારું જીવન એ જ મારી વાણી .
My life is my message.
પણ
અમને એ ન ફાવે .
અમને તો ઉપદેશ ખપે, આચરણ નહીં.
તમે એમાં થાપ ખાઇ ગયા , બાપૂ !
એટલે જ
અમે જોઇ શક્યા તમે જ બતાવેલી
તમારા જીવનમાં તમે કરેલી ભૂલો ..
પછી તમે ભલે એ સુધારી
પણ અમે એ ન જોઇ .
અમને અનુકૂળ હોય એ જ જોવાની
ને અર્થઘટન કરવાની
અમને ફાવટ છે.
અમે તો અમારા ત્રાજવે તોલ્યા
તમારા સત્યના પ્રયોગોને,
ને અમને ગમ્યું તે નમતું જોખ્યું..
તમારા જેવું જીવવાથી નહીં,
તમારી ટીકા કરવાથી બૌધ્ધિક ગણાવાના સરળ માર્ગના પ્રવાસીઓ અમે,
તમારા રુણી છીએ ,
કારણકે તમે હતા તો અમે છીએ , intellectuals .
તમને તો ખ્યાલ હશે જ કે
ભવિષ્યમાં અમે તમારા ભાગ પાડશું ..
તમારી વાત માનનારા
ને
તમારી ભૂલ કાઢનારા
એમ બે ભાગ.
પણ અમે ,
તમને વહેંચનારા,
કોઇ તમને વાંચીશું નહીં.
વાંચ્યા સમજ્યા વગર જ
વિરોધ કરવાની
કે
વ્હાલ કરવાની
અમને જૂની આદત છે.
પણ એક વાત ખરી કે
અમે સહુ હજી તમને ભૂલ્યા નથી.
બાઝવા -બોલવા ય અમને તમે જોઇએ હોં , બાપૂ !
– તુષાર શુક્લ
Related