બાઅદબ આ શબ્દને ઉગાડવાની વાત છે,
મૂળસોતી જાતને ઉખાડવાની વાત છે.
એટલે કે હો ! કલમ સંજીવની લખવી ગઝલ,
શિલ્પમાંના મોરને ઊડાડવાની વાત છે.
ભીતરે ચાલી રહેલા કો’ અકળ તોફાનમાં,
આ સમયની નાવને ડુબાડવાની વાત છે.
અર્થ સમજાયો ગઝલનો આખરે, ગાલિબજી!
ઘર જલાવીને હરફ ઉજાળવાની વાત છે.
ગાલગાગા, તૂકબંધી, ગાલગાગા, બંધ કર,
સિંહને હાથે કરી ઉઠાડવાની વાત છે.
✒ સલીમ શેખ ‘સાલસ’