“માધવ, આર યું સિરિયસ? શું મને મારી ભેટ માટે આખા ઘરમાં ક્લુ શોધવા પડશે?”
માધવે તેની નવપરિણીત પત્ની, મલિકાને પોતાની બાહોંમાં લીધી અને પ્રેમથી કહ્યું, “પ્રિય, લગ્ન પછી આ આપણો પહેલો વેલેન્ટાઈન છે. હું આ દિવસને આપણા બંને માટે એક યાદગાર પ્રેમ પર્વ બનાવવા માંગુ છું. વિશ્વાસ કર, તને આ ટ્રેઝર હંટમાં ખૂબ મજા આવશે.”
મલિકાએ સ્મિત કર્યું અને પોતાની એક શરત એની સામે મૂકી. “ઠીક છે, હું આ રમત રમવા તૈયાર છું, પરંતુ તમારા માટે મારી વેલેન્ટાઇન ભેટ થોડી જુદી છે. આ ટ્રેઝર હંટ સમાપ્ત થઈ જાય પછી તમારે મારી ગિફ્ટ સાથે સંમત થવું પડશે.”
માધવે તેના ગાલ પર ચુંબન કરતા સ્મિત કર્યું, “નિયમો અને શરતો મંજૂર છે મેડમ! હવે શરૂ કર. તારો પહેલો સંકેત ડાઇનિંગ ટેબલ પર છે.”
માધવ અને મલિકા એક આરાધ્ય યુગલ હતા. માત્ર એક વર્ષના સંવનન પછી, તેઓએ ગઠબંધનમાં જોડાવાનું નક્કી કર્યું. આ વેલેન્ટાઈન તેમના લગ્નના છ મહિના પછી આવ્યો હતો અને માધવને પત્ની, મલિકા માટે તેને ખાસ બનાવવા એક રચનાત્મક વિચાર આવ્યો. અત્યંત કાળજી સાથે તેણે દિલ આકારની કાપલીઓમાં ટૂંકા કાવ્યાત્મક સંકેતો લખ્યા. એટલું જ નહીં, તેણે તેમની જૂની તસવીરો અને તાજા લાલ ગુલાબ સાથે દરેક નોટને સ્ટેપલ કરવાની પણ તકલીફ લીધી.
માધવની આખી યોજના એટલી આકર્ષક હતી, કે મલિકા તેને પૂર્ણ કરવા આતુર થઈ ગઈ. આઠ ચિઠ્ઠીઓમાંથી, મલિકાને ત્રણ મેસેજ અતિશય ગમ્યા:
વેલેન્ટાઇન ડે તને છેડવાની તક આપે છે,
પ્રથમ સંકેત તારી ઠંડી મીઠાઈમાં છે.
ખાતરી છે, તને આ ટ્રેઝર હંટ રોમાંચક લાગશે,
આગળનો સંકેત તારી નવલકથામાં મળશે.
આ મજેદાર ખેલ અહીં સમાપ્ત થાય છે,
તારી ભેટ તારા બેસ્ટ ફ્રેન્ડના ખિસ્સામાં છે.
છેલ્લી કવિતાએ મલિકાને મૂંઝવણમાં મૂકી દીધી અને તે માધવ તરફ વળી, જે પહેલેથી કાનથી કાન સુધી મીંઢું સ્મિત કરી રહ્યો હતો. ત્રણ મોટા પગલામાં તેની પાસે દોડીને, મલિકાએ માધવના ખિસ્સામાં હાથ નાખ્યો. એક સુંદર પેક કરેલો નાનો બોક્સ તેના હાથમાં આવ્યો અને મલિકાએ પતિ સામે જોયું. માધવ બોલી ઉઠ્યો, “ગિફ્ટ ખોલ.”
મલિકા આશ્ચર્ય સાથે જોતી રહી. તેને લાંબા સમયથી આ જોઈતું હતું. રોજિંદુ પહેરવા માટે નાનું, નાજુક મંગળસૂત્ર! મોટું અતિશય ભારી હતું અને બેંકના લોકરમાં અમસ્તું જ પડ્યું હતું. કંઇક બોલવા માટે તેનો અવાજ નિકળે, તે પહેલા માધવે તેના હાથમાંથી મંગળસૂત્ર લઈને તેને ગળામાં પહેરાવ્યું. તેણે મલિકાને ચુંબન કર્યું અને કહ્યું, “હેપ્પી વેલેન્ટાઇન ડે, સ્વીટહાર્ટ!”
રોમેન્ટિક મિનિટ શેર કરવાના પગલે, માધવે તેનું નાક ખેંચીને પૂછ્યું, “ભેટ ગમી?”
મલિકા સ્મિત રોકી ન શકી. “ખૂબ, ખૂબ ગમી! થેંક યું સો મચ ડિયર.”
“હવે તારો વારો મલિકા, મારી વેલેન્ટાઈન ગીફ્ટ ક્યાં છે?”
મલિકા ગુમસુમ થઈ ગઈ. માધવે તેને જે આપ્યું, તે પછી તે શંકાસ્પદ હતી કે માધવને એની ભેટ પસંદ આવશે કે નહીં? તેનું મૌન માધવને પરેશાન કરી રહ્યું હતુ અને તેણે પ્રશ્ન કર્યો. “અરે, શું થયું?”
સંકોચ કરતા, મલિકાએ જવાબ આપ્યો, “મારી ગિફ્ટ તમારા જેટલી સારી નથી, ખબર નહીં, તમને ગમશે કે નહીં.”
માધવે તેને બાથમાં લેતા કહ્યું. “ડોન્ટ બી સીલી. મને ખાતરી છે કે તારી ભેટ તારા જેટલી જ અદ્ભુત હશે.”
“હું ઈચ્છું છું કે આપણે સ્વાદિષ્ટ ભોજન મંગાવીએ, તેને વૃદ્ધાશ્રમમાં લઈ જઈએ અને બધાને આપણે જાતે પીરસીએ. હું વરિષ્ઠ નાગરિકો સાથે થોડો સમય પસાર કરવા માંગુ છું.”
માધવ અને મલિકા બંનેના માતા-પિતા નહોતા, આ તેમના જીવનમાં એક શૂન્યાવકાશ હતો, જે હવે મલિકાએ એક નાનકડા પ્રયાસ સાથે ભરવાનો માર્ગ શોધી કાઢ્યો. જ્યારે માધવનું આલિંગન વધુ ટાઇટ થયું અને તેના મોઢે સૂર્યપ્રકાશી સ્મિત આવ્યું, ત્યારે મલિકાને રાહત થઈ કે એણે યોગ્ય ભેટ વિચારી હતી. “ડાર્લિંગ, તારી ભેટ મારા કરતાં ચોક્કસપણે વધુ ઉત્તમ છે. હવે આને કહેવાય સાચો પ્રેમ પર્વ!”
શમીમ મર્ચન્ટ