આછું નીલુ આકાશ, અને એમાં ફરતા સફેદ વાદળોનું પ્રતિબિંબ સ્વચ્છ નદીમાં પડી, પાણીને વધુ મોહક બનાવી રહ્યું હતું. આજુબાજુની લીલીછમ હરિયાળી, ઠંડી પવનની સુરીલી ધૂન પર નાચી રહી હતી. નાના પતંગિયા પીળા ફૂલો ઉપર મંડરાતા હતા, અને નદીમાં હંસની જોડી ખૂબ રોમાંચક લાગતી હતી. સમગ્ર મનોહર દૃશ્ય અત્યંત સુંદર હતું.
સતત ત્રણ વાર સપનામાં જોએલી જગ્યાને, વાસ્તવમાં નિહાળીને, હું સંપૂર્ણપણે મંત્રમુગ્ધ થઈ ગઈ. જિજ્ઞાસા મારા વિચારશક્તિ પર હાવી થઈ, અને ખૂબ ગૂગલ કર્યા પછી હું અહીંયા પહોંચી.
મને ખાતરી હતી કે આ બધું કારણ વગર નહોતું થઈ રહ્યું. નક્કી કુદરત મને કાંઈક સંકેત આપી રહ્યું હતું. પણ શું? હું આ જ મનોમંથનમાં મૂંઝાયેલી હતી, જ્યારે એક મધુર અવાજે મને તેની તરફ આકર્ષક કર્યું.
“એક્સ્ક્યુઝ મી.”
નદી તરફથી દૃષ્ટિ હટાવીને હું ફરી. એ મીઠા અવાજના માલિકનો ચહેરો પણ મનમોહક હતો.
“જી?”
એમણે હાથ આગળ કરતા, પોતાનો પરિચય આપ્યો.
“હેલો. હું લોકેશ કુમાર.”
કેવળ શિષ્ટાચારની ખાતર, મેં એમની સાથે હાથ મિલાવ્યો.
“હેલો, હું લાજવંતી.”
એણે આગળ વાત કરી.
“મારી સાથે બોટિંગ કરવાવાળું કોઈ નથી. તમે પણ એકલા ઉભા છો. તમારી ઈચ્છા હોય, તો શું આપણે સાથે એક પેડલ બોટ લઈ શકીએ? પૈસા વહેંચી લઈશું.”
* * * * * *
આજે બે વર્ષ પછી, હું અમારા લિવિંગ રૂમમાં ઉભી, તે સાંજે સૂર્યાસ્ત વખતે ક્લીક કરેલા ફોટાને નિહાળી રહી છું. સોનેરી ફ્રેમ કરેલા ફોટોમાં, નદીની સામે, અમે બન્ને હાથ પકડીને, એકબીજામાં ખોવાએલા દેખાઈ રહ્યા છીએ.
“હેપી એનિવર્સરી સ્વીટહાર્ટ!”
લોકેશે પાછળથી આવીને મને બાથમાં લેતા વિષ કર્યું. હું એમની બાહોમાં ફરી અને એમના ગળામાં હાથ નાખતા પ્રેમથી કહ્યું,
“હેપી એનિવર્સરી ડિયર. લોકેશ, મેં ક્યારેય નહોતું વિચાર્યું, કે મારા સપનાનું સંકેત આટલું સુંદર અને સુખદ નિકળશે.”
એમણે મારા કપાળે ચુંબન કરતા મીઠી ટિપ્પણી કરી,
“લાજો, તારા સપના પર તો હું ફીદા છું. એના હસ્તક આપણે મળ્યા અને એક થયા.”
“હાં લોકેશ, અને હવે આ ફોટો આપણા પ્રેમનું પ્રતીક બની ગયું છે.”
શમીમ મર્ચન્ટ