ત્રણ મહિના પછી..
મહેશભાઈ સાંજે દુકાનેથી ઘરે આવ્યા અને જેવો ઉંબરો ઓળંગ્યા કે તરત બોલ્યા.. “પર્વ, સારું થયું, પાર્થને પણ તારી સાથે જ તારી કોલેજમાં એડમિશન મળ્યું છે. આજે પાર્થના પપ્પા દુકાને આવ્યા હતા. તેણે મને વાત કરી કે પાર્થને પણ પર્વ સાથે જ એડમિશન મળી ગયું છે.”
“હા પપ્પા, પાર્થનો ફોન હતો બપોરે.. કે પર્વ મને પણ આર્કિટેકટમાં એડમીશન મળી ગયું અને એ પણ તને જે કોલેજમાં મળ્યું તેમાં જ.”
“અરે વાહ, બહુ સરસ વાત છે આ તો. આમ પણ તમે બંને ૯ માં ધોરણથી સાથે જ છો. સાયન્સ પણ સાથે કર્યું અને હવે કોલેજ પણ સાથે કરશો. બંનેને એકબીજાનો સહારો પણ મળી રહેશે અને હોસ્ટેલમાં એકલવાયું પણ નહિ લાગે.”
“હા પપ્પા, એ તો સારું થયું.”
પર્વના મમ્મી બૂમ પાડે છે, “એ પછી વાતો કરજો. પેલા હાથ મોં ધોઈને જમી લ્યો.”
મહેશભાઈ પર્વ સામે જોઈ મલકાય છે અને કહે છે, “બેટા તારી મા સરખી વાત પણ નહિ પતાવવા દેય. આ આપણા ઘરની ટીચર..” આટલું બોલીને હસવા લાગે છે.
(૧૦ દિવસ પછી..)
પાર્થ અને પર્વ બંને કોલેજમાં પ્રવેશ કરે છે અને ત્યાં જ પર્વ બોલી ઊઠે છે.. “અલ્યા પાર્થ, જોતો ખરા કેટલી સરસ કોલેજ છે. જેવી ફિલ્મોમાં બતાવે છે એવી જ છે. મોટું બધું ગ્રાઉન્ડ, સરસ મજાના ઝાડ, ટહેલતા છોકરા છોકરીઓ અને નતનવીન બાઈકો.. આહા.. બૌ મજા આવશે કોલેજમાં ભણવામાં તો.”
“હા, પર્વ. પણ બહુ ખુશ ના બન. કોલેજ એટલે કંઇક ઊંચું ભણતર જ કેવાતું હશે ને! બધા કહે તો છે બહુ મજા આવે પણ આગળ જોઈએ શું થાય છે. અને તું થોડો માપમાં રહેજે હો મારા ભાઈ. અહી મજાક મસ્તી થોડીક જોઈને કરજે. હજુ આપણે નવા નવા છીએ કોઈને ઓળખતા પણ નથી. અને આ શહેર પણ આપણા માટે નવું છે.”
“હા ભાઈ, તું તો પહેલેથી સાવ ડરપોક જ રહ્યો. સ્કૂલમાં પણ મસ્તી કરતા ડરતો, હાઈસ્કૂલમાં પણ અને અત્યારે કોલેજમાં પણ. અલ્યા પાર્થ, મજા કરને. આ તો કોલેજ છે, જિંદગીના સોનેરી દિવસો. ભણી પણ લેવાનું અને મોજ મજા પણ કરી લેવાની.”
પર્વની આ વાત ઉપર પાર્થ એ પર્વના ખભે હાથ મૂકીને કહ્યું, “પર્વ, તું તો મજાક મશ્કરી કરીને પણ ભણી લેય છે. મારા જેવાનું શું! હું તો સાવ ઠોઠ નિશાળિયો..”
પાર્થની આ વાત અધૂરી કાપીને પર્વ બોલે છે.. “બસ કર ભૈલા, હું છું ને સાથે. બસ મજા કર. અને હવે તો કોલેજમાં આવ્યા, અહી તો સ્કુલ અને હાઈસ્કુલ જેવા નિયમો પણ નહિ હોય.”
“હા, તું જેમ કહે તેમ બસ..” પાર્થે પર્વની વાતમાં હામી પૂરતા કહ્યું.
પર્વએ પાર્થના ગળામાં પોતાનો હાથ નાખીને પાર્થને કહ્યું, “ચાલ ભાઈ ચાલ.. કોલેજની એક શેર કરી આવીએ. જોઈએ તો ખરા બહારથી મદમસ્ત દેખાતું આ બિલ્ડિંગ અંદરથી કેવું છે !”
“હા ભાઈ ચાલ.”
કોલેજના ગ્રાઉન્ડમાં છોકરા છોકરીઓને એકબીજાને ચોટીને બેસેલા જોયા કે પર્વ બોલી ઉઠ્યો, પાર્થ જોતો ખરા આ તો એકદમ ફિલ્મમાં બતાવે એવું જ છે. આ લોકોને કંઈ ભણવાનું નહિ હોય? લેક્ચર નહિ હોય? અહી બેઠા છે.
પર્વની આ વાત ઉપર પાર્થ બોલ્યો કે, “એ તો હવે આગળ જોઈએ શું થાય છે! કેવુંક છે! કોલેજ એટલે શું એ તો થોડા સમય પછી જ ખબર પડશે ભાઈ.”
ટહેલતા ટહેલતા બંને બીજા માળે પહોંચ્યા. અને પર્વને તરસ લાગી એટલે બંને પાણી પીવા ગયા.
કૂલર પાસે પહોંચ્યા અને પાર્થે પાણી પીવા માટે ગ્લાસ લીધો. પાર્થ અને પર્વ સિવાય ત્યાં બીજા બે છોકરા પણ ઊભા હતા. એ બંને પર્વ અને પાર્થ સામે ઘૂરી ઘૂરીને જોતા હતા.
બંને પાણી પીને ગ્લાસ મૂકે છે અને પાછળ વળીને ચાલતા થઈ જાય છે. ત્યાં પાછળથી કોઈ બૂમ પાડે છે.. “એય.. તમે બંને..” (અવાજ થોડો ભારે હતો જેને સાંભળીને પાર્થ ડરી જાય છે.)
બંને પાછળ ફરે છે અને જુએ છે તો કૂલર પાસે ઉભેલા બંને છોકરામાંથી જ એકે બૂમ પાડી હતી.
પાર્થ અને પર્વને સ્થિર ઉભેલા જોઈને ફરી પાછો એ છોકરો બૂમ પાડી ઉઠ્યો, “તમને બંનેને જ કહું છું. અહી આવો.”
પાર્થના પગ ધીમે ધીમે ધ્રુજી ઊઠે છે અને બંને કૂલર પાસે ઉભેલા છોકરાઓ પાસે જાય છે.
એ છોકરો પર્વની આંખોમા જોઈને બોલ્યો, “તમને ભાન નથી પડતી સિનિયરને કેમ બોલાવવા? એ પાસે ઊભા હોય તો એને માન આપવું! સર, મેમ કહેવું! ગુડ મોર્નિંગ વિશ કરવું! આવું કંઈ ખબર નથી પડતી તમને? હજુ નવા નવા જ આવ્યા છો કે શું? બુધ્ધિ વગરનાવ.. સુધારી જાજો હો.”
પાર્થ તો આ બધું સાંભળીને થર થર ધ્રુજવા લાગે છે અને ખૂબ ડરી જાય છે. અને ખરડાયેલા અવાજે બોલી ઊઠે છે, “સોરી સર. અમે આજે જ આવ્યા છીએ. હવેથી આવું નહિ થાય.”
બંને હોસ્ટેલમાં પહોંચે છે અને પર્વ હસવા લાગે છે. “શું ડરપોક ડરી ગયો !” આવું બોલીને પાર્થની મજાક ઉડાવે છે.
પાર્થ પર્વને કહે છે કે, “રહેવા દે ભાઈ.. એ કેટલાં ઊંચા અવાજે બોલતા હતા.”
પાર્થની આ વાત ઉપર પર્વ હસીને બોલી ઊઠે છે કે, “ભાઈ આ તો કોમન વસ્તુ છે. કોલેજમાં તો સિનિયર લોકો જુનિયર પાસે કામો પણ કરાવે. તું ફિલ્મમાં નથી જોતો આવું બધું કે શું! ડરવાનું ના હોય આમાં. એ કરી કરીને શું કરી લેવાના. મોજ કર બસ.. કોલેજમાં આવું બધું જ હોય.”
પાર્થ પર્વનું આવું ભાષણ સાંભળીને કંઈ પણ બોલ્યા વગર ફ્રેશ થવા ચાલ્યો જાય છે.
(ક્રમશઃ)
દીપ ગુર્જર