“હેય પર્વ !
પર્વ આ શબ્દો સાંભળીને કંઈ જ વિચાર્યા વગર પાછળ ફર્યો અને જોયું તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એવું પ્રતીત હતું.
“હેય પર્વ.. કેમ છે? આમ શું ઊભો છે ત્યાં? અહી આવ..
પર્વ શ્રીયાના શબ્દો સાંભળીને દોડતો દોડતો શ્રીયાના ગળે ભેટી પડે છે અને તેની આંખોમાંથી આંસુની ધારા વહી પડે છે. આ દૃશ્ય જોઈએ તો એવું લાગે કે, પર્વ તેના હૃદયના ધબકારને શ્રીયાના હૃદયના ધબકાર સાથે મિલાપ કરાવતો હોય.
“અરે બસ બસ ! હવે તો છોડ યાર. કેટલું ભેટીશ ! શ્રીયા પર્વને આવું બોલતા બોલતા પોતાનાથી દૂર કરે છે અને તેની આંખોમાં આંખો પોરવીને બોલે છે, કા અલ્યા, આટલી બધી યાદ આવી!”
પર્વ શ્રીયાથી નારાજ હોય એ રીતે વર્તન કરે છે અને કહે છે, “તું બોલાવ જ નહિ મને. તે મને આટલા દિવસ બહુ દુઃખ પહોંચાડ્યું. મારો એક પણ કોલ પણ રિસિવ ના કર્યો. પરીક્ષામાં પણ ના આવી. સાચે ગઈ ક્યાં હતી તું? કંઇક બોલીને તો જવાય ને! આમ તો બધી વાતો મારી સાથે શેર કરે આ વખતે કેમ આમ કર્યું?”
“અરે બસ યાર. તું નારાજ ના બન મારાથી! પહેલા પૂરી વાત તો જાણ. શું પ્રશ્ન પૂછ્યા પૂછ થયો છે!” શ્રીયાએ પર્વને મોઢું બગાડીને પ્રશ્ન પૂછ્યો.
“હા બોલ. શું થયું હતું ?”
“હવે નથી કહેવું, જવા દે. તું મારા ઉપર આમ બધા પ્રશ્નો પૂછીને આરોપો લગાવે છે. મારે કંઈ જ નથી કહેવું.” આવું બોલીને શ્રીયા પર્વની નારાજ થઈ જાય છે.
પર્વ શ્રીયાને મનાવવા તેની પાછળ પાછળ ફરે છે. “અરે યાર, સોરી. મને બહુ ચિંતા થઈ. તે કંઈ પણ ના કીધું અને ચાલી ગઈ. અને ઉપરથી તું પરીક્ષામાં પણ ના આવી તો મને ગુસ્સો આવ્યો.”
“યાર કંઇક, ચોક્કસ કારણ હોય તો જ હું આવું કરું ને! બાકી નાપાસ થઈને તારી સાથે તારા ક્લાસમાં બેસવામાં મને શું મજા ?”
“બસ બસ શ્રીયા. સોરી યાર. શું થયું હતું ? આમ નારાજ ના બન પ્લીઝ.”
“હા. કહું છું તને બધું. પણ પહેલા મને એક કોફી..”
શ્રીયાની અધૂરી વાત કાપીને પર્વ બોલ્યો, “હા ભાઈ.. ચાલ તને કોફી પીવડાવું. આમ પણ અત્યાર સુધી તારા વગર કોફીનો સ્વાદ ફિકો જ લાગતો હતો.”
કોફી પીતા પીતા શ્રીયાની આંખોમાંથી આંસુ વહી પડ્યા અને પર્વનો હાથ પકડીને એ રડવા લાગી.
પર્વએ શ્રીયાને પૂછ્યું, “શું થયું છે? તું કેમ આટલું બધું રડે છે? તું પહેલા પાણી પી લે પછી આપણે વાત કરીએ.”
“પર્વ, મારા પપ્પાની તબિયત સાવ બગડી હતી. એને હોસ્પિટલમાં દાખલ કર્યા એટલે મારે ત્યાં જવું પડ્યું અને બે દિવસ પહેલા તેને દવાખાનેથી રજા મળી. તારા ફોન તો આવતા હતા પણ મારી પાસે જરા પણ સમય ના હતો અને તારો ફોન ઉપાડી તો લઉં પણ તારા પ્રશ્નોના જવાબ કેમ આપુ? એટલે તારી સામે બેસીને જ બધું કહીશ એવું મે વિચાર્યું. પર્વ, મારે પરીક્ષા પણ દેવી હતી પણ પપ્પા અને મમ્મીને ત્યાં એકલા મૂકીને કેમ આવું! મારે કોઈ ભાઈ બહેન પણ નથી. પરિવારનો બોજ આમ ગણું તો મારા ઉપર જ છે.” આવું બોલીને શ્રીયા ડૂસકે ડૂસકે રડવા લાગી.
પર્વએ શ્રીયાના હાથને પોતાના હાથમાં પકડી અને તેણીને હિંમત આપી. “યાર શ્રીયા, તું આમ ભાંગી ના પડીશ. તું કેટલી બહાદુર છે, તારા પરિવારનું ધ્યાન રાખે, ખુદનું ભણવાનું પણ કરી લેય. અને મારી જેવા દોસ્તને મુશ્કેલીમાં મદદ પણ કરે. તો આજે એ બહાદુર શ્રીયા ક્યાં ગઈ હેં? ચાલ હવે રડવાનું બંધ કર. અને આવું બધું હતું તો તારે મને ના કેવાય પાગલ! હું તારી મદદ કરત.”
“પર્વ, હું તને તો કેમ કહું! તારું સપનું છે આર્કિટેકટ એન્જિનિયર બનવું અને ૧૦મામા તારું જે થયું એ રીતે જો તું પાછો ફેઇલ થયો હોય તો તારા પરિવારનું આશા ઉપર પાણી ફરી બેસે. એટલે મે તને કંઈ ન કહ્યું.”
“ઓહ્ શ્રીયા.. તું કેટલી સમજદાર છે. ભગવાન કરે બધાને તારી જેવું એક દોસ્ત મળે.”
“બસ બસ. મસ્કા ના માર, કોફી પીવા માંડ. બાકી ઠંડી થઇ જાશે અને પછી ના બોલતો કે મારી હાજરીમાં પણ તને કોફી ફિકી લાગી.” આવું બોલીને શ્રીયા હસવા લાગી.
(ક્રમશઃ)
દીપ ગુર્જર