“હેલ્લો.. ક્યાં પહોંચ્યો તું ? આપણા ગામથી આપણી હોસ્ટેલનો ત્રણ કલાકનો રસ્તો છે. તું ચાર કલાક થઈ પણ હજુ હોસ્ટેલ પહોંચ્યો નથી.” પર્વએ પાર્થને ફોન કરીને મીઠો ઠપકો આપ્યો.
પાર્થે પર્વને જવાબ આપ્યો કે, “અલ્યા ભાઈ.. તને ખબર તો છે, રસ્તો બહુ ખરાબ છે. હવે થોડો જ દૂર છું.”
“ઓકે, તો ચાલ હું બસ સ્ટેશન ઉપર આવી જાઉં. સામાન કેટલો છે ? નાસ્તો બાસ્તો લાવ્યો છે કે ?”
“એ ભાઈ.. તું રહેવા દે બસ સ્ટેશન ઉપર આવવાનું. હું જાતે હોસ્ટેલ પર પહોંચી જઈશ હો. સાલો, ભુખડ નાસ્તાને લેવા આવે છે કે તારા દોસ્તને !”
પર્વ એ હસીને જવાબ આપ્યો, “અરે ના ભાઈ.. હું તો મજાક કરું છું. હમણાં તું પહોંચે એની પહેલા હું ત્યાં પહોંચી જાઉં.”
“હા..”
———
પર્વ એ રિક્ષામાં બેસીને રિક્ષા વાળાને કીધું, “ચાલ ભાઈ ચાલ.. જલ્દી કર..”
રિક્ષાવાળો પર્વ સામે પાછળ ફરીને જુએ છે અને બોલે છે, “હા સાહેબ.. ધીરજ રાખો થોડી, તમારી બસ નહિ ચૂકવા દઉં.”
“મારે બસ નથી પકડવાની, મારે તો થેલા પકડવાના છે !” પર્વ એ ઉદગાર ભાવે રિક્ષા વાળાને કીધું.
“હે સાહેબ.. થેલા..!”
“હા, મારો દોસ્ત ઘરે ગયો છે, એ આજે આવે છે એટલે એને લેવા જાઉં છું.”
“અચ્છા, એમ કહો ને.. હું તો વિચારમાં પડી ગયો.” આવું બોલી રિક્ષાવાળો હસવા લાગ્યો.
———
પર્વ કમર ઉપર હાથ રાખીને ક્યારનો પાર્થની રાહ જોતો હતો અને મનમાં ને મનમાં ગણગણતો હતો.. આનું કામ જ આવું હોય. ક્યારેય સમયસર ના પહોંચે. કોલેજ જવાનું હોય ત્યારે પણ બાયડીની જેમ પંચાત કરતો હોય. એના મોઢે ગમે ત્યારે શિખામણ જ ભરેલી હોય. અને અત્યારે પોતે ખુદ જ મોડો છે. કોને ખબર કઈ બસ માં બેઠો હશે ! ત્રણ કલાકનો રસ્તો સાડા પાંચ કલાક થઈ તો પણ પૂરો ના થયો.
“એ પર્વ.. અહીંયા અહીંયા.. ત્યાં શું ઊભો છે. ચાલ ચાલ..” પાર્થે પર્વને જોયો કે તરત જ બૂમ પાડી ઉઠ્યો.
પર્વ મનમાં ને મનમાં બોલી ઉઠ્યો, “આવી ગયો હાશ.. હવે એના થેલા પહેલા એને લઉં હું.”
પર્વ પાર્થની બાજુમાં જાય છે અને પાર્થને હાથ વડે એક ધીમો ધક્કો મારે છે. “કેમ અલ્યા.. આટલું મોડું ! કંઇક બીજે તો નહોતો ગયો ને! અને આટલા બધા થેલા કેમ ? ઘરેથી કાઢી મૂક્યો કે શું ?”
પર્વની આ વાત ઉપર પાર્થ હસવા લાગ્યો અને બોલ્યો.. “ભાઈ શ્વાસ લે અને લેવા દે ! એક તો બસમાં પણ આટલી બધી ભીડ હતી. નીચે ઊતર્યો પછી હાશકારો થયો. એમાં તું ભટકાણો ! હવે ચાલ ફટાફટ હોસ્ટેલ ઉપર.. ઘણી મોટી વાત છે, શાંતિથી કરીએ.”
———
હોસ્ટેલ પર પહોંચીને..
“શું શું લાવ્યો છે મારા માટે ? આંટીએ બેસનના લાડુ મોકલ્યા છે કે નહિ !”, પર્વએ પાર્થના થેલા ઉપર હાથ રાખીને કહ્યું.
“આ જોઈ લે.. ભુખડો સાવ.. સાચું બોલ તું થેલા લેવા જ આવ્યો હતો ને !” આવું બોલીને પાર્થ હસવા લાગ્યો.
“ના ભાઈ ના.. તું તો મારો જીગરનો ટુકડો છે. થેલા તો પછીની વાત..”
“બસ બસ રહેવા દે ભાઈ તું.. અને આ લે તારા લાડુ.. ને તારા ઘરેથી પણ નાસ્તો મોકલ્યો છે.” પાર્થે થેલો ખોલતા ખોલતા કહ્યું.
“અરે વાહ.. હવે દસેક દી’ શાંતિથી નીકળી જાશે.”
“હા..”
“બીજું કે.. ઘરે બધા કેમ છે ?”
“બધા મજામાં છે અને આ વખતે એક ખુશખબર લઈને આવ્યો છું.
“રહેવા દે ભાઈ.. તારી ખુશખબર પણ ડરામણી હોય અને તું એમાં પાછો તારું ભાષણ ઉમેરે.”
“ના ના…. સાચે મસ્ત વાત છે.”
“તો જલ્દી કે.. આમ છોકરીઓની જેમ વાતોને ચોળીને ચીકણી ના કર.”
“મારી સગાઈ નક્કી થઈ છે.” પાર્થે હલકા અવાજે કહ્યું..
“હે.. હે.. ફરીથી બોલ તો.. શું બોલ્યો તું..?”
“મારી સગાઈ નક્કી થઈ છે.. આવતા અઠવાડિયે પાછું ઘરે જાવું પડશે.”
“હ.. હ.. મને પ્રેમી પંખીડો બોલતો હતો હવે હું તને શું કહું ? કેવો લાગણીમાં તણાઈ ગયો ! જો તો જો તો કેવો શરમાય છે.”
“બસ ભાઈ રહેવા દે ને… મારી મજાક ના ઉડાવ. આ તો મારા મમ્મી પપ્પાએ ફોર્સ કર્યો એટલે મારે હા કહેવી પડી.”
“હશે હશે ભાઈ.. એ તો કહે એ છોકરી કોણ છે, કેવી છે, શું કરે છે ?”
“બસ બસ આટલા બધા પ્રશ્ન.. ભાઈ ધીરજ રાખ. સગાઈ મારી છે, અને પરણવાનું પણ મારે છે. તું શા માટે આટલો કુદે છે !”
“અલ્યા મારે જાણવું તો ખરું ને ભાભી શું કરે છે અને કેવા છે.”
“હા હા.. તને હું બધું કહું. એ પણ કોલેજમાં જ છે અને તને જે નહોતું બનવું એ બનવાનું ભણે છે !”
“ટીચર..!!” પર્વ એ આંખોના બે ડોળા ફાડીને કહ્યું.
“હા, ભાઈ ટીચર અને એ મારા કુટુંબમાંથી જ છે.”
“અચ્છા.. સરસ સરસ તો લાવો હવે પાર્ટી.”
“આપી દઈશ.. અત્યારે મને ફ્રેશ થવા દે. થોડું સુવા દે. સાંજે આપણે ટહેલવા નીકળીએ.”
“હા..”
(ક્રમશઃ)
દીપ ગુર્જર